Saturday, November 23, 2024
More
    હોમપેજમંતવ્યદિગ્ગજ ફિલ્મ નિર્માતા-નિર્દેશક સુભાષ ઘઈએ બોલિવુડના વળતાં પાણી અંગે જે કહ્યું તે...

    દિગ્ગજ ફિલ્મ નિર્માતા-નિર્દેશક સુભાષ ઘઈએ બોલિવુડના વળતાં પાણી અંગે જે કહ્યું તે કોઈને પણ ગળે ઉતરી જશે

    દિગ્ગજ ફિલ્મ નિર્માતા અને નિર્દેશક સુભાષ ઘઈ જણાવે છે કે બોલિવુડ અત્યારે કેમ ધીમેધીમે નબળું પડી રહ્યું છે અને કેમ દર્શકો તેનાથી દૂર જઈ રહ્યા છે. ઘઈના આ મંતવ્યો સાથે લગભગ મોટાભાગના લોકો સહમત થશે.

    - Advertisement -

    સુભાષ ઘઈ વ્યક્તિગતરીતે મને સહુથી વધુ ગમતાં બોલિવુડ ફિલ્મ નિર્માતા-નિર્દેશક છે. જેમ આજની પેઢી સંજય લીલા ભણસાલીના વિશાળ કેનવાસ પર બનતી ફિલ્મો જોવા ટેવાયેલા છે એવી રીતે મારી આખી પેઢી સુભાષ ઘઈના વિશાળ કેનવાસ પર બનેલી ફિલ્મો જોવા કાયમ આતુર રહેતા. સતત અને સળંગ હીટ ફિલ્મો આપવા માટે જાણીતા સુભાષ ઘઈ પણ બોલિવુડની તાજી હાલત અંગે ચિંતાતુર છે. બોલિવુડ વેબસાઈટ Pinkvilla ને આપેલા લગભગ 40 મિનીટના એક ઇન્ટરવ્યુમાં સુભાષ ઘઈએ પોતાની ચિંતા અને વિચારો રજુ કર્યા હતા જેમાં બોલિવુડ આજકાલ શું ભૂલો કરી રહ્યું છે તેનું ચિત્ર તેમણે સ્પષ્ટ કરી દીધું હતું.

    સહુથી પહેલાં અને સહુથી મજબુત દલીલ સુભાષ ઘઈ દ્વારા એ કરવામાં આવી હતી જેની સાથે મોટાભાગના બોલિવુડ ચાહકો સહમત થશે કે આજકાલની ફિલ્મોમાં વાર્તા નથી હોતી પરંતુ ચમકારાઓ હોય છે. સુભાષ ઘઈની દલીલ હતી કે જ્યારે તમે દર્શકોને ફિલ્મમાં ખેંચી લાવવા માટે કોઈ ગતકડું અજમાવો છો, પછી તે ગમે તે હોય, કોઈ મોટા કલાકારનો કેમિયો હોય કે અન્ય કોઈ માર્કેટિંગ ગીમિક, ખરેખર તો તમે દર્શકો સાથે અન્યાય કરો છો. સુભાષ ઘઈ કહે છે કે એનો મતલબ એમ પણ છે કે તમારી પાસે કોઈ સ્ટોરી નથી અને તમે એવું  માનો છો કે બસ એક વાર આ ગતકડાંથી પ્રભાવિત થઈને દર્શક થિયેટરમાં ઘૂસે એટલે બાકીનું તો હું સંભાળી લઈશ, પણ સામે પક્ષે દર્શક પોતાની જાતને ઠગાયેલો અનુભવે છે.

    આજે આપણે મોટાભાગની ફિલ્મોમાં આ જ જોઈએ છીએને? આજે ટ્રેલર પહેલાં પ્રોમો આવે છે અને કોઈ એક સ્ટારનો કેમિયો ફિલ્મમાં હોય એવું જાહેર થાય છે અને પછી ફિલ્મ જોઈએ તો વાર્તા કાં તો હોતી નથી કાં તો એની એ ચવાયેલી વાર્તા હોય છે. આમ વારંવાર થતું હોવાથી 150 થી 250 રૂપિયા ખર્ચતો દર્શક ક્યાં સુધી ધીરજ રાખે? એક દિવસ તો એ ફિલ્મ ન જોવાનું નક્કી કરી જ દેતો હોય છે. સુભાષ ઘઈ પણ માને છે કે દક્ષિણની ફિલ્મો તેની વાર્તાને લીધે જ વધુ ચાલતી હોય છે.

    - Advertisement -

    બીજી મહત્ત્વની વાત જે કદાચ ફિલ્મોના આત્મા સાથે સંકળાયેલી છે અને એ આત્મા જ ક્યાંક ખોવાઈ ગયો છે જેને લીધે બોલિવુડ ફિલ્મો કદાચ નથી ચાલતી એ અંગે સુભાષ ઘઈ કહે છે કે આજકાલ ફિલ્મો ફિલ્મ તરીકે નહીં પરંતુ ‘પ્રોજેક્ટ’ તરીકે ઓળખાય છે. અને ખરેખર એ સમયે ફિલ્મ નિર્માતાઓ અને નિર્દેશકનું બાળક હોય એ રીતે ઉછેર પામતી હતી, જ્યારે અત્યારે એ ફક્ત વેપાર થઇ ગયો છે.

    પોતાની બે ફિલ્મો ‘હિરો’ અને ‘કર્માનું’ ઉદાહરણ આપતાં સુભાષ ઘઈએ કહ્યું કે આ બંને ફિલ્મો સમયે વિડીયો પાયરસી અને વિડીયો પાર્લર્સ તેની ટોચ ઉપર હતાં. એ સમયે બે પ્રકારની ફિલ્મો બનતી એક અમિતાભ બચ્ચનની ફિલ્મ અને એક અન્ય ફિલ્મ. મારી ફિલ્મો અન્ય ફિલ્મોમાં આવતી. અમિતાભ બચ્ચનની ફિલ્મ થિયેટરમાં ચાલી જતી પણ મારા જેવાની ફિલ્મ વિડીયો પાર્લરને લીધે ડૂબી જતી. સુભાષ ઘઈના કહેવા અનુસાર એમની ફિલ્મ હિરો એક રીતે હીટ ગઈ પણ કોઈ પૈસા ન કમાયું કારણકે વિડીયો કેમેરા લઈને લોકોએ થિયેટરમાં તેને શૂટ કરી અને વિડીયો પાર્લરમાં દેખાડી અથવાતો તેની વિડીયો કેસેટ બનાવીને ઘેરઘેર ફેરવી દીધી.

    આ અનુભવથી સુભાષ ઘઈએ નક્કી કર્યું કે તેઓ કર્મા અલગ રીતે શૂટ કરશે અને તેની સાઉન્ડ ઈફેક્ટ સાવ અલગ હશે. તેમણે આ આખી ફિલ્મ કાં તો એકદમ લોંગ શોટ્સમાં લીધી અથવાતો એકદમ ક્લોઝઅપમાં લીધી. આનો ફાયદો એ થયો કે જેમણે વિડીયો કેસેટમાં કે પછી વિડીયો પાર્લરમાં ફિલ્મ જોઈએ એમને ખબર જ ન પડી કે તેઓ શું જોઈ રહ્યા છે. પણ જેમણે ફિલ્મ થિયેટરમાં જોઈ તેમણે માઉથ પબ્લીસીટી કરી કે આ ફિલ્મ જો જોવી હોય તો થિયેટરમાં જ જોવાય. એમાં વળી સાઉન્ડ ઈફેક્ટ ભળી અને ફિલ્મ સુપર હીટ સાબિત થઇ.

    ટૂંકમાં સમજીએ તો પોતાની ફિલ્મ ચલાવવા માટે એ સમયે નિર્દેશક કે નિર્માતા કેટલો જાગૃત હતો કે તેણે પહેલાં તો એ સમજણ કેળવી કે મારી ફિલ્મ કેમ નથી ચાલતી અને પછી તેના પર મંથન કર્યું અને એવી ટેક્નિક અજમાવી કે ફિલ્મ ચાલે, ચાલે અને ચાલે જ અને હા, ભલે કર્મા શોલેની રીમેક જેવી હોય પણ એની સ્ક્રિપ્ટ એટલી મજબુત હતી કે તે જોવી આજે પણ એટલીજ ગમે છે.  

    સુભાષ ઘઈ આજના કલાકારો બ્રાંડ બની ગયા છે એ બાબતે પણ નિરાશ જણાયા હતા. તેમણે કહ્યું કે કલાકારે કલાકારી કરવાની હોય છે બ્રાંડ નથી બનવાનું. શું કોઈ કલાકાર લાઈફબોય સાબુ છે કે તેણે બ્રાંડની જેમ બજારમાં વેંચવાનું છે? કલાકારની બ્રાંડ બનવાની ઘેલછાએ તેનો ફિલ્મ મેકિંગમાં ચંચુપાત વધારી દીધો છે જેને કારણે પણ ફિલ્મો હવે નબળી બની રહી હોવાનું ઘઈ માને છે. પોતાના સમયમાં તેમણે અમિતાભ બચ્ચન સાથે ન બની શકેલી ફિલ્મ દેવા યાદ કરતા સુભાષ ઘઈએ કહ્યું હતું કે અમિતાભ બચ્ચન જેવા કલાકારે પણ એમને કહી દીધું હતું કે જે ફિલ્મોમાં એમણે કોઈ ચંચુપાત કર્યો છે એ ફિલ્મો ચાલી નથી એટલે પોતે એક્ટિંગ કરશે અને ઘઈ પ્રોડક્શનની જ જવાબદારી સંભાળશે. અરે! દિલીપ કુમારે પણ ક્યારેય સુભાષ ઘઈને સેટ કેમ આવો છે? કે સ્ક્રિપ્ટમાં આપણે આમ કરીએ તો કેવું? એવું પૂછ્યું નથી.

    એક ખાસ મુદ્દે જો સુભાષ ઘઈ દ્વારા જે કહેવામાં આવ્યું તેના પર ધ્યાન આપવામાં તો પણ બોલિવુડનો જબરદસ્ત ફાયદો થઇ શકે છે અને એ મુદ્દો છે માર્કેટિંગ. સુભાષ ઘઈ માને છે કે ફિલ્મનું માર્કેટિંગ જરૂરી છે પરંતુ તેમાં પણ સ્માર્ટનેસ હોવી જોઈએ. પ્રોમો લોન્ચ, ટ્રેલર લોન્ચ, મ્યુઝિક લોન્ચ ઉપરાંત ઠેરઠેર સ્ટાર્સને પ્રમોશન માટે મોકલવાનો ખર્ચ આ બધા ખર્ચમાં પ્રોડ્યુસર કાપ મુકીને જો એ બાકી બચેલા નાણાં પ્રોડક્શનમાં નાખે તો પણ ફિલ્મ વધુ મજબુત બનશે.

    પોતાની ફિલ્મો ‘સૌદાગર’ અને ખલનાયકનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે સૌદાગરના પ્રમોશન માટે તેમણે 50 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા પરંતુ ખલનાયક માટે ફક્ત 20 લાખ, કારણકે તે સમયે સંજય દત્ત જેલમાં ગયો હતો અને એનું પાત્ર પણ ફિલ્મમાં નેગેટીવ હતું. ઉપરાંત ફિલ્મનું ગીત ચોલી કે પીછે કયા હૈ અત્યંત વિવાદાસ્પદ બની ગયું હતું અને લોકોએ તેનો વિરોધ કર્યો હતો. આથી પોતાની ટીમને સુભાષ ઘઈએ જાતે કહ્યું કે ખલનાયકના પ્રમોશન માટે વધુ ખર્ચો નથી કરવો કારણકે આપણને આપોઆપ પ્રમોશન મળી રહ્યું છે.

    આમ આ રીતે સમય અને સંજોગોને ધ્યાનમાં રાખીને પ્રમોશનનું બજેટ ઓછું રાખીને તેમાંથી બચેલાં નાણાં જો ફિલ્મના પ્રોડક્શનમાં કે સ્ક્રિપ્ટ લખવામાં નાખવામાં આવે તો પણ હિન્દી ફિલ્મો ફરીથી પાટા પર આવી શકે છે એવું સુભાષ ઘઈ સ્પષ્ટરૂપે માને છે. આટલા મોટા ગજાનાં નિર્દેશકે પોતે જ્યારે કોર્પોરેટ બન્યાં ત્યારે તેમણે પણ આજના પ્રોડ્યુસર્સની જેમજ પ્રોજેક્ટરૂપે ફિલ્મો ટાર્ગેટ નક્કી કરીને બનાવવાનું શરુ કર્યું છે એમ પણ તેમણે સ્વીકાર્યું છે, પરંતુ આમ છતાં તેમને પોતાના જ સમયમાં ફિલ્મો બનાવવાનું ખૂબ ગમતું હતું તેવું તેમના વિચારો જાણ્યા પછી લાગે છે.

    સુભાષ ઘઈ દિગ્ગજ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર છે, ભલે તેઓ હવે કોઈજ ફિલ્મો જાતે નિર્દેશિત નથી કરતાં પરંતુ તેમના અનુભવના નિચોડ સ્વરૂપે તેમણે બોલિવુડ અત્યારે ક્યાં માર ખાઈ જાય છે તે તેમણે આ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું. આ સમગ્ર ઇન્ટરવ્યુમાં સુભાષ ઘઈએ બોલિવુડની ટીકા કરી હોય એવું બિલકુલ નથી લાગતું, બલ્કે તેમને પોતાના જ વ્યવસાયમાં રહેલા મિત્રોની ચિંતા હોય એવું દેખાઈ રહ્યું હતું. આથી બોલિવુડ પણ તેમણે આપેલી સલાહને માને અને તેમાંથી બોધ લે તો બોલિવુડનું નવસર્જન થવું શક્ય છે. કારણકે દર્શક ત્યારેજ ફિલ્મો જવા પરત આવશે જ્યારે તેને સારી વાર્તા જોવા મળશે, નહીં કે કોઈ ચમકારાથી. બોલિવુડ આ સત્ય જેટલું વહેલું સમજી જશે તેટલું જ તેના માટે સારું રહેશે, નહીં તો ફિલ્મો બોયકોટને લીધે નહીં પરંતુ તેના આત્માવિહીન હોવાને કારણે નહીં ચાલે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં