રવિવારે (11 સપ્ટેમ્બર 2022) એશિયા કપની ફાઇનલ રમાઈ હતી. પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાયેલી મેચમાં શ્રીલંકાની જીત થઇ હતી. ફાઇનલમાં પાકિસ્તાનની હાર થતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન રમીઝ રાજા અકળાઈ ઉઠ્યા હતા. રમીઝ રાજાએ પત્રકારો સાથે વાતચીત દરમિયાન એક ભારતીય પત્રકાર સાથે અણછાજતું વર્તન કર્યું હતું અને પત્રકારનો ફોન પણ આંચકી લીધો હતો.
આ ભારતીય પત્રકારનું નામ રોહિત જુગલાન છે. તેઓ યારી સ્પોર્ટ્સના સંવાદદાતા હોવાનું ટ્વિટર પ્રોફાઈલમાં જણાવવામાં આવ્યું છે. તેમણે પાકિસ્તાનની ટીમની હાર થયા બાદ રમીઝ રાજાને પ્રશ્ન કર્યો હતો કે પાકિસ્તાનની હારથી જેઓ દુઃખી છે તેમના માટે તેમનો શું સંદેશ છે?
क्या मेरा सवाल ग़लत था – क्या पाकिस्तान के फ़ैन नाखुश नहीं है – ये बहुत ग़लत था एक बोर्ड के चेयरमैन के रूप में – आपको मेरा फ़ोन नहीं छीनना चाहिये था – that’s not right Mr Chairman Taking my phone was not right @TheRealPCB @iramizraja #PAKvSL #SLvsPAK pic.twitter.com/tzio5cJvbG
— रोहित जुगलान Rohit Juglan (@rohitjuglan) September 11, 2022
પત્રકારે પ્રશ્ન કરતાં કહ્યું કે, “લોકો બહુ નારાજ છે. તેમના માટે કોઈ સંદેશ?” આટલું કહેતાં જ રમીઝ રાજા અકળાઈ ઉઠે છે અને કહે છે કે, “તમે ભારતથી હશો. એટલે બહુ ખુશ છો.” ત્યારબાદ તેઓ કંઈક કહીને ત્યાંથી ચાલવા માંડે છે. ત્યારબાદ જોવા મળે છે કે રમીઝ રાજાએ જતાં-જતાં પત્રકારનો મોબાઈલ ફોન પણ આંચકી લીધો હતો.
આ વિડીયો ટ્વિટ કરીને પત્રકારે લખ્યું કે, ‘શું મારો પ્રશ્ન ખોટો હતો? શું પાકિસ્તાનના ફેન નારાજ નથી? એક બોર્ડના ચેરમેન તરીકે આ બહુ ખોટું કર્યું. તમારે મારો ફોન આંચકી લેવો નહતો જોઈતો. તેમણે ટ્વિટમાં પીસીબી અને રમીઝ રાજાને પણ ટેગ કર્યા હતા. તેમનું આ ટ્વિટ હવે વાયરલ થઇ રહ્યું છે.
જોકે, પાકિસ્તાનની હારથી રમીઝ રાજા એટલા દુઃખી થઇ ગયા હતા કે તેમણે અન્ય એક ચાહકને પણ નજીવી બાબતમાં ઝાટકી નાંખ્યો હતો. એ જ વિડીયોમાં જોવા મળે છે કે એક વ્યક્તિએ રમીઝ રાજાના ખભા પર હાથ મૂક્યો હતો અને કંઈક પૂછવા માટે જતો હતો. જોકે, રમીઝ અન્ય એક વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હતા ત્યારે અચાનક અટકીને પેલા વ્યક્તિને કહેતા જોવા મળે છે કે, તમે પહેલાં તો મારા ખભા પરથી હાથ હટાવી લો. એટલું જ નહીં, તેમને કેમેરાથી દૂર થઇ જવા માટે પણ કહે છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની ક્રિકેટ ટીમ અને શ્રીલંકન ટીમ ગઈકાલે એશિયા કપની ફાઈનલમાં સામસામે ટકરાયા હતા. પહેલી બેટિંગ કરતાં શ્રીલંકાએ 20 ઓવરમાં 170 રન બનાવ્યા હતા અને પાકિસ્તાનને 171નો લક્ષ્યાંક આપ્યો હતો. જે બાદ પાકિસ્તાન બીજી બેટિંગ કરતાં માત્ર 147 રન બનાવી શક્યું હતું.
એશિયા કપમાં પાકિસ્તાનની શરૂઆત નબળી રહી હતી અને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, પછીથી હોંગકોંગ અને ભારત સામે જીત મેળવી હતી. ત્યારબાદ અફઘાનિસ્તાન સામે પણ માંડ એક વિકેટે જીત મળી હતી. ત્યારબાદ લીગ મેચમાં શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ ફાઈનલમાં પણ શ્રીલંકાએ પાકિસ્તાનને હરાવી દીધું હતું. જોકે, દુબઇના આ ગ્રાઉન્ડ ઉપર બીજી બેટિંગ કરનાર ટીમ જીતતી હોય છે પરંતુ પાકિસ્તાન સાથે તેવું થયું ન હતું.
રમીઝ રાજા પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના ચેરમેન છે. તેમજ તેમનો ભારત વિરોધ પણ જાણીતો છે. તાજેતરમાં જ તેમણે ભારતની વિશ્વવિખ્યાત ડોમેસ્ટિક લીગ આઈપીએલની સરખામણી પાકિસ્તાનની PSL (પાકિસ્તાન સુપર લીગ) સાથે કરી હતી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેઓ જો પીએસએલમાં ઓક્શન પદ્ધતિ શરૂ કરશે તો કોઈ આઈપીએલ રમવા માટે જશે નહીં. જોકે, ફજેતી થયા બાદ તેમણે ફેરવી તોળ્યું હતું.