Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅત્યાચારો અને પ્રતાડના છતાં ‘સર્વે ભવન્તુ સુખિન:’ના સનાતની સંસ્કાર ન ચૂક્યા પાકિસ્તાની...

    અત્યાચારો અને પ્રતાડના છતાં ‘સર્વે ભવન્તુ સુખિન:’ના સનાતની સંસ્કાર ન ચૂક્યા પાકિસ્તાની હિંદુઓ: બલૂચિસ્તાનમાં પૂરથી બેહાલ મુસ્લિમોને મંદિરમાં શરણ આપ્યું

    પાકિસ્તાનમાં પૂરના કારણે બેહાલ થઇ ગયેલા બલૂચિસ્તાનના એક ગામમાં હિંદુ સમુદાયે આફત સમયે હાથ લંબાવી સેંકડો મુસ્લિમોને શરણ પૂરું પાડ્યું.

    - Advertisement -

    પાડોશી દેશ પાકિસ્તાનમાં ઘણા વિસ્તારોમાં પૂર આવવાના કારણે હાલત કફોડી બની છે. કરોડો લોકો પૂરથી પ્રભાવિત થયા છે અને જનજીવન ખોરવાઈ ગયું છે. આફતના આ સમયમાં પાકિસ્તાનના બલૂચિસ્તાનના એક ગામનું હિંદુઓ મદદે આવ્યા છે અને સેંકડો લોકોને ગામના મંદિરમાં સહારો આપ્યો છે. જેમાંથી મોટાભાગના મુસ્લિમો છે. 

    પાકિસ્તાનના કચ્છી જિલ્લાના જલાલ ખાન ગામમાં પૂરના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયાં છે અને ઘરવખરીને પણ નુકસાન થયું છે. જોકે, ગામમાં ટેકરા પર આવેલ બાબા માધોદાસ મંદિર સુધી પાણી પહોંચ્યાં નથી. જેના કારણે આ મંદિરમાં વિસ્તારના લગભગ 200થી 300 માણસોને આશરો આપવામાં આવ્યો છે અને તેમના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 

    આ મંદિરનું નિર્માણ વર્ષો પહેલાં થઇ ગયેલા સંત બાબા માધોદાસે કરાવ્યું હતું. જોકે, ત્યારે ભાગલા પડ્યા ન હતા, પછીથી મંદિર પાકિસ્તાનમાં આવી ગયું. આ મંદિરે બલૂચિસ્તાનના ઘણા હિંદુઓ નિયમિત દર્શને આવતા હોવાનું પણ અહેવાલો પરથી જાણવા મળ્યું છે. મોટા વિસ્તારમાં ફેલાયેલું મંદિર ઊંચી જગ્યાએ હોવાના કારણે પૂરથી અસરગ્રસ્ત થયું ન હતું અને હવે આફત સમયે લોકોને આશરો પૂરો પાડ્યો હતો. 

    - Advertisement -

    મંદિરનું સંચાલન કરતા રતન કુમાર નામના વ્યક્તિએ કહ્યું કે, મંદિરમાં લગભગ એકસો જેટલા રૂમ છે અને દર વર્ષે બલૂચિસ્તાન અને સિંધમાંથી મોટી સંખ્યામાં લોકો આવે છે. તેમના પુત્ર સાવન કુમારે જણાવ્યું કે, કેટલાક રૂમને પૂરના કારણે નુકસાન થયું છે પરંતુ બાકીનું માળખું બચી શક્યું છે. 

    રિપોર્ટ અનુસાર, હિંદુ પરિવાર દ્વારા સંચાલિત આ મંદિરમાં હાલ લગભગ 200થી 300 લોકોને આશરો આપવામાં આવ્યો છે અને તેમના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. જેમાંથી મોટાભાગના લોકો મુસ્લિમો છે. 

    આ પહેલાં વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે ગામ સંપર્કવિહોણું બની ગયું હતું. જે બાદ હેલિકોપ્ટર દ્વારા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. પછી હિંદુઓએ લાઉડસ્પીકરથી જાહેરાત કરી તેમને પોતાને ત્યાં બોલાવી લીધા હતા. ત્યારબાદ તેઓ મંદિરે આવી રહ્યા જ્યાં હિંદુ સમુદાયે તેમના રહેવા-જમવાની વ્યવસ્થા કરી હતી. 

    અત્યાચારો અને પ્રતાડના છતાં આફત સમયે હાથ લંબાવ્યો 

    પાકિસ્તાનમાં અવારનવાર હિંદુઓ ઉપર અત્યાચારો થવાની અને હિંદુઓના પવિત્ર ધર્મસ્થળો મંદિરો તોડી પાડવાની અને મંદિરોમાં ઘૂસીને નુકસાન કરવાની ખબરો આવતી રહે છે. ઇસ્લામિક રાષ્ટ્રમાં હિંદુઓ સાથે અત્યાચારો કે હત્યા કે બળાત્કારના જઘન્ય બનાવો પણ સામે આવતા રહે છે. પરંતુ તેમ છતાં હિંદુઓએ આફત સમયે હાથ લંબાવીને મદદે આવીને મુસ્લિમોને ન માત્ર શરણ આપીને પરંતુ તેમના રહેવા-જમવાની વ્યવસ્થા કરીને માનવતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને એ પણ પુરવાર કર્યું છે કે, સનાતન પરંપરામાં સર્વે ભવન્તુ સુખિન:ને અગ્રિમતા આપવામાં આવે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં