ગુરુવારે (9 સપ્ટેમ્બર) સુરતના વોર્ડ નંબર 2ના વિવાદિત કોર્પોરેટર રાજેશ મોરડીયાનો એક ઓડિયો વાઇરલ થઇ રહ્યો હતો જેમાં તેઓ તેમના જ વોર્ડના એક સામાન્ય નાગરિકને ધમકી આપતા સંભળાય છે. ધમકી આપવાનું કારણ એટલું જ કે તેણે નેતાજીને વિસ્તારના ખરાબ રસ્તા વિષે ફરિયાદ કરી હતી.
વાઇરલ કોલ રેકોર્ડિંગ મુજબ વોર્ડ નંબર 2માં રહેતા એક સામાન્ય નાગરિક ધવલ અજુડીયાએ ગુરુવારે રાતે આપ નેતા અને પોતાના વોર્ડના કોર્પોરેટર રાજેશ મોરડીયાને કોલ કર્યો હતો. કોલ કરીને તેમણે વોર્ડમાં આવેલ દુખિયાના દરબાર વાળા રોડની ખરાબ પરિસ્થિતિની ફરિયાદ કરી હતી.
પરંતુ આપનેતા તેમની ફરિયાદ સાંભળીને એટલા ભડકી ગયા કે તેમને રીતસરના ઉતારી જ પાડ્યા. સાથે જ એકદમ ઉડાઉ જવાબ આપતા કહ્યું કે ગુજરાતના બધા જ રસ્તા ખરાબ છે. બધા રસ્તા વરસાદના લીધે ખરાબ છે. અજુડીયા તેમને જણાવે છે કે વરસાદ તો ઘણા સમયથી બંધ જ છે તો આપનેતા પાછા ઉશ્કેરાઈ જાય છે કે અમે બીજું બધું કામ કરીએ જ છીએને.
નેતાના આવા ઉડાઉ જવાબથી આઘાત પામેલ નાગરિક તેમને કહે છે “અમે આવા ઉડાઉ જવાબ સાંભળવા તમને થોડી વોટ આપ્યા હતા.?” તો મોરડીયા વધારે ઉશ્કેરાઈને કહેતા સંભળાય છે કે, “દરેક વાતમાં વોટ વચ્ચે કેમ લાવો છો? વોટ આપ્યા તો શું થઇ ગયું? આ પહેલા બીજાને પણ વોટ આપતા જ હતાને.?”
OpIndiaએ વાઇરલ કોલ રેકોર્ડિંગનું તથ્ય તપાસવા ફરિયાદ કરવાવાળા ધવલ અજુડીયાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. OpIndia સાથેની એક્સલુઝિવ વાતચીતમાં અજુડીયાએ આ ઘટનાક્રમની સત્યતામાં હામી ભરી. તેણે વધુમાં કહ્યું, “ગુરુવારે રાતે હું પોતે તે રોડ પરથી વાહન લઈને નીકળી રહ્યો હતો અને રસ્તો ખરાબ હોવાને કારણે હું વાહન લઈને પડી ગયો હતો. આ પહેલા પણ આ રોડ પાર ઘણા અકસ્માત બન્યા છે અને જયારે પાણી ભરાયેલુ હોય ત્યારે તો આ રોડ પરના ખાડા દેખાતા પણ નથી હોતા.”
આગળ તેમણે જણાવ્યું, “જયારે મેં આ રોડની બિસમાર હાલતની ફરિયાદ કરવા આપ કોર્પોરેટરને કોલ કર્યો ત્યારે આવા ઉડાઉ જવાબ સાંભળીને મને ખુબ આઘાત લાગ્યો હતો. ચૂંટણી પહેલા આ જ નેતા જયારે વોટ માંગવા આવતા હતા ત્યારે કહેતા હતા કે કોઈ પણ ફરિયાદ માટે અમને કોઈ પણ સમયે કોલ કરજો.”
ધવલ અજુડીયાએ એક ચિંતાજનક ખુલાસો કરતા જણાવ્યું કે આપ કોર્પોરેટર રાજેશ મોરડીયાએ કોલના અંતમાં તેમને ધમકીભર્યા સ્વરમાં કહ્યું હતું કે “હવે ધ્યાન રાખજો તમે.” અજુડીયા OpIndiaને જણાવે છે કે આપનેતાની ધમકીથી તેઓ ચિંતિત છે અને આવી સામાન્ય ફરિયાદ કરવામાં પણ નેતાઓ ધમકી આપશે તો કઈ રીતે ચાલશે?
ફેક ન્યુઝ ફેલાવવાથી લઈને ક્રેડિટ ચોરી સુધી હમેશા વિવાદમાં રહે છે રાજેશ મોરડીયા
સામાન્ય નાગરિકને ધમકી આપવાની ઘટનાની તપાસ દરમિયાન જયારે અમે આપનેતાનું સોશિયલ મીડિયા તપાસ્યું તો વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી. થોડા દિવસ પહેલા જ જે ખોટા સમાચારનું OpIndiaએ ફેક્ટ-ચેક કર્યું હતું એ ખોટી ખબર આ આપ નેતાએ પણ ફેલાવી હતી.
ભગવાન શ્રી ગણેશને નરેન્દ્ર મોદીના સેવક દર્શાવતી ખોટી ખબરને આપનેતા રાજેશ મોરડીયાએ કોઈ પણ તથ્યો તપસ્યા વગર પોતાની રાજનૈતિક મંશા પુરી કરવા શેર કરી હતી. અને તે ખોટી છે એ સાબિત થવાને આટલા દિવસો થયા તો પણ હજુ ડીલીટ નથી કરી કે ના તે બદલ માફી માંગી છે.
આ ઉપરાંત ભૂતકાળમાં જયારે એક સામાન્ય નાગરિકે જે સમસ્યાનું સમાધાન પોતે અનેક ફરિયાદો કરીને લાવ્યું હતું, પોતાની રાજનીતિ ચમકાવવા તેનો ખોટો જશ ખાંટતા આ જ રાજેશ મોરડીયા નજરે પડ્યા હતા. OpIndia એ ત્યારે પણ ફેક્ટ-ચેક કરીને તેમને ઉઘાડા પડ્યા હતા.