હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિમંદિરનું ત્યાં જ બનવું આવશ્યક હતું, દીપ ત્યાં જ પ્રજ્વલિત થવો આવશ્યક...

મંદિરનું ત્યાં જ બનવું આવશ્યક હતું, દીપ ત્યાં જ પ્રજ્વલિત થવો આવશ્યક હતો 

તિરુપરંકુન્દ્રમનો દીપ ત્યાં નજીક આવેલા ઉચીપિલ્લૈયાર મંદિર પર પ્રગટતો જ હતો, પણ પરંપરાનો દીપ તેની મૂળ ભૂમિ પર પ્રજ્વલિત થાય ત્યારે તેની ઐતિહાસિક અખંડિતતા અને સાંસ્કૃતિક પૂર્ણતાનો અર્થ સચવાય છે.

- Advertisement -

સભ્યતાની ઓળખ સ્મારકો, સ્થાપત્યો કે ઇતિહાસનાં પૃષ્ઠો માત્રથી બનતી નથી. સાચી ઓળખ સામૂહિક સ્મૃતિ, પેઢી દર પેઢી વહેતી આવતી પરંપરાઓ અને પરંપરાઓ સાથેના તેના અતૂટ અનુબંધમાં વસે છે. સમયના પ્રવાહમાં સત્તાઓ અને સરહદો બદલાય છે, પરંપરાઓ પોતાની જ્યોત અખંડ રાખે છે. તમિલનાડુના મદુરાઈની તિરુપરંકુન્દ્રમ ટેકરી પરના પ્રાચીન અને પવિત્ર સ્તંભ ‘દીપથૂન’ પર શનિવારની સાંજે પ્રજ્વલિત થયેલો દીપ આવી જ એક અખંડ સભ્યતાગત પરંપરાનું પ્રતીક બની ગયો છે. 

એક સ્થાનિક પરંપરાને વિવાદમાં ઘસડી લાવવામાં આવી. વિજય જોસેફ સરકારની આડોડાઈના કારણે હિંદુઓએ પોતાની ધાર્મિક પરંપરા સાચવવા માટે કોર્ટ સુધી જવું પડ્યું. કાર્તિગઈ દીપમના પવિત્ર અવસરે પરંપરાનું પાલન ન થઈ શક્યું. આખરે ન્યાયિક સંઘર્ષ અને લાંબી પ્રતીક્ષા બાદ 28મી નવેમ્બરે દીપ પ્રજ્વલિત થયો. પર્વત પર પ્રજ્વલિત થયેલી આ જ્યોત ત્યાં જ પ્રકાશિત થઈને ન અટકી, પણ અંતર અને ભૌગોલિક સીમાઓ ઓળંગીને સમગ્ર ભારતવર્ષના સનાતનીઓની સભ્યતાગત સ્મૃતિને સ્પર્શી ગઈ. 

વિવાદ માત્ર દીપ પ્રજ્વલિત કરવાની પરંપરા કે તેના ચોક્કસ સ્થાન પૂરતો સીમિત ન હતો. તેની પાછળ એક પ્રશ્ન એ પણ હતો કે હજારો વર્ષોથી વહેતી આવતી ધાર્મિક પરંપરાઓનું આધુનિક સમાજમાં સ્થાન શું હોય. કોઈ પરંપરાનો ઉદ્ધવ એક ચોક્કસ પ્રદેશમાં થયો હોય એટલે તેનું મહત્ત્વ સ્થાનિક થઈ જાય? કે ભારતની સભ્યતાનું સ્વરૂપ એવું છે કે અહીં એક ભૂમિ પર પ્રજ્વલિત થતી આસ્થાની જ્યોત દેશના બીજા છેડા સુધી પહોંચી શકે?

- Advertisement -

આ ઘટનાની નોંધપાત્રતા એ છે કે દક્ષિણની એક પરંપરા સાથે દેશભરના સનાતનીઓ એટલી જ આત્મીયતાથી જોડાઈ ગયા. ભાષાઓ અલગ હતી, પ્રદેશો અલગ હતા, સ્થાનિક પરંપરાઓ અને ઉપાસના પદ્ધતિમાં વૈવિધ્ય હતું, પણ તિરુપરંકુન્દ્રમમાં દીપ પ્રજ્વલિત થયો ત્યારે દેશના અનેક ખૂણામાં એકસરખી લાગણીનો સંચાર થયો. આ લાગણી કોઈ રાજકીય કે ભૌગોલિક એકરૂપતામાંથી જન્મી નહોતી. તેનાં મૂળ ભારતની અનેક શતાબ્દીઓ જૂની સભ્યતાગત ચેતનામાં હતાં. 

ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ રાજ્યોની સરહદોથી બંધાયેલી રહી નથી. કાશીમાં થતી ગંગા આરતી કેરળના ભક્તને એટલી જ આત્મીયતાથી સ્પર્શે છે. રામેશ્વરમની યાત્રા ઉત્તર ભારતના શ્રદ્ધાળુ માટે પણ એટલી જ પવિત્ર છે. અરુણાચલના કોઈ મંદિરમાં થતી પ્રાર્થના સાથે એક ગુજરાતી ક્ષણવારમાં જોડાઈ શકે છે. પુરીની જગન્નાથ રથયાત્રાની ભવ્યતા કર્ણાવતીમાં નીકળતી રથયાત્રામાં એટલી જ શ્રદ્ધા સાથે અભિવ્યક્ત થાય છે. પુરીના જગન્નાથ, અયોધ્યાના રામ, મથુરાના કૃષ્ણ અને તમિલના મુરુગન– તમામ એક જ વિશાળ સાંસ્કૃતિક પરંપરાનાં વિભિન્ન આધ્યાત્મિક કેન્દ્ર છે. તેમની વચ્ચેનું જોડાણ કોઈ રાજકીય કરારથી રચાયેલું નથી, એક હજારો વર્ષોથી વહેતી આવતી સભ્યતાની અંતઃસલિલા છે, જે ઉપરથી દેખાતી વિવિધતાની અંદર એક અદ્રશ્ય એકસૂત્રતા જાળવી રાખે છે. 

તિરુપરંકુન્દ્રમની ઘટનાએ આ એકસૂત્રતા ફરી એકવાર દૃશ્યમાન કરી. દક્ષિણના પર્વત પર પ્રજ્વલિત થનારા દીપ માટે સમગ્ર ભારતવર્ષમાં એટલી જ આત્મીયતા અનુભવાઈ. ઘટનામાં એક પરંપરા હતી, તેની સાથે જોડાયેલી આસ્થા હતી અને તેને જીવંત રાખવાની સામાજિક અભિવ્યક્તિનો પ્રશ્ન હતો. ન્યાયિક પ્રક્રિયાએ તેને કાયદાકીય પરિમાણ આપ્યું, પણ દેશભરમાંથી તેની સાથે જોડાયેલી લાગણીનું મૂળ કાયદાકીય બાબતોથી ઘણું આગળ હતું. તે પોતાની સભ્યતાની પરંપરાઓ પ્રત્યેના સહજ લગાવમાંથી જન્મી હતી. 

રાષ્ટ્ર માત્ર રાજકીય સત્તા, બંધારણ કે ભૌગોલિક અખંડિતતામાંથી આકાર પામતું નથી. તેની પાછળ એક લાંબી સાંસ્કૃતિક સ્મૃતિ હોય છે. જે પેઢીઓના અનુભવો, આસ્થાઓ, તીર્થો અને ઉત્સવોની પરંપરાઓના મધ્યમથી જીવંત રહે છે. રાજકીય એકતા રાષ્ટ્રને વ્યવસ્થાનું માળખું આપી શકે, સભ્યતાગત સાતત્ય તેને આત્મા આપવાનું કામ કરે છે. ભારતની રાષ્ટ્રીય એકતાનો એક મહત્ત્વનો આધાર આ સાંસ્કૃતિક અનુબંધ પણ છે. દીપથૂન પર પ્રજ્વલિત દીપ આ અનુબંધનું એક જીવંત દૃષ્ટાંત છે. 

એટલે મંદિરનું ત્યાં બનવું આવશ્યક હતું. એટલું જ આવશ્યક હતું દીપનું ત્યાં પ્રગટવું. સદીઓની પ્રતીક્ષા અને લાંબા સંઘર્ષ પછી રામજન્મભૂમિ પર મંદિર પુનઃનિર્માણ પામ્યું ત્યારે એ માત્ર એક ભવ્ય મંદિરનું નિર્માણ ન હતું. તે એક એવી ભૂમિ સાથે જોડાયેલી આસ્થા, ઐતિહાસિક સ્મૃતિ અને સભ્યતાગત ચેતનાનું પુનઃપ્રાગટ્ય હતું, જે પેઢીઓથી કરોડો સનાતનીઓની શ્રદ્ધાનું કેન્દ્ર રહી હતી. રામ મંદિર રામજન્મભૂમિ પર બનવું આવશ્યક હતું, કારણ કે કેટલીક આસ્થાઓનું અસ્તિત્વ માત્ર ઉપાસનામાં નથી હોતું, તે ચોક્કસ ભૂમિ સાથેના આત્મીય અને ઐતિહાસિક અનુબંધમાં વસે છે. 

તિરુપરંકુન્દ્રમનો દીપ ત્યાં નજીક આવેલા ઉચીપિલ્લૈયાર મંદિર પર પ્રગટતો જ હતો, પણ પરંપરાનો દીપ તેની મૂળ ભૂમિ પર પ્રજ્વલિત થાય ત્યારે તેની ઐતિહાસિક અખંડિતતા અને સાંસ્કૃતિક પૂર્ણતાનો અર્થ સચવાય છે. કારણ કે કેટલીક ભૂમિઓ માત્ર ભૂગોળનો હિસ્સો રહેતી નથી. સમયના પ્રવાહમાં તે સભ્યતાની સ્મૃતિ, આસ્થાની ઓળખ અને ઐતિહાસિક ચેતનાનું સરનામું બની જય છે. 

રામ મંદિરનું અયોધ્યાની એ જ ભૂમિ પર આકાર પામવું આવશ્યક હતું, દીપનું ત્યાં જ પ્રજ્વલિત થવું પણ એટલું જ આવશ્યક હતું. કારણ કે સભ્યતાની કેટલીક જ્યોત માત્ર પ્રકાશ આપવા માટે નથી હોતી, તે પેઢીઓથી સચવાયેલી સ્મૃતિને અખંડ રાખવા માટે પ્રજ્વલિત થતી હોય છે. 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં