
અમદાવાદના વટવા વિસ્તારમાં ગેરકાયદે ગૌમાંસ વેચાણના આરોપસર પોલીસે કાર્યવાહી કરી છે. વટવાના સૈયદવાડી વિસ્તારમાં આવેલી બે દુકાનોમાં દરોડા પાડીને પોલીસે કુલ 340 કિલો ગાય અને ભેંસનું માંસ જપ્ત કર્યું છે. આ મામલે કાસિમ સહિત ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. પોલીસને બાતમી મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
નોંધનીય છે કે પોલીસે જીયા મસ્જિદ નજીક આવેલી એ.એસ. ગાર્ડન સોસાયટીની દુકાન નંબર 4 અને શબનમ રો-હાઉસની દુકાન નંબર 5માં દરોડા પાડ્યા હતા. બંને દુકાનોમાંથી માંસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે માંસ ઉપરાંત સ્કૂટર, મોબાઇલ ફોન, માંસ કાપવાનાં સાધનો, વજનકાંટા અને માંસ પીસવાનું મશીન પણ જપ્ત કર્યું છે.
3 આરોપીઓની ધરપકડ
ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ કાસિમ અલિજન કુરેશી (36), શાહરુખ અબ્દુલરશીદ કુરેશી (39) અને મોહમ્મદ રાશિદ ઉર્ફે જુનૈદ મોહમ્મદ રફીક સૈયદ (21) તરીકે થઈ છે. કાસિમ અમદાવાદના ઈસનપુરનો રહેવાસી છે, જ્યારે અન્ય બે આરોપીઓ વટવામાં રહે છે.
પોલીસના જણાવ્યા મુજબ જપ્ત કરાયેલા માંસની કિંમત આશરે ₹60 હજાર છે. માંસ, સ્કૂટર, મોબાઇલ ફોન અને અન્ય સાધનો સહિત જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત આશરે ₹1.71 લાખ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ દુકાનોમાં માંસના વેચાણ માટે ઉપયોગમાં લેવાતાં સાધનો પણ મળી આવ્યાં હતાં.
અન્ય બેની શોધ ચાલુ
આ કેસમાં અન્ય બે વ્યક્તિઓની પણ સંડોવણી હોવાની પોલીસને શંકા છે. અશરફ સકીલઅહેમદ કુરેશી નામના વ્યક્તિ પર માંસ સપ્લાય કરવાનો આરોપ છે, જ્યારે ‘લંબુ’ નામથી ઓળખાતા અન્ય એક શખ્સની પણ શોધ ચાલી રહી છે. પોલીસ હવે માંસ ક્યાંથી લાવવામાં આવતું હતું અને આ સમગ્ર વ્યવહારમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે અંગે તપાસ કરી રહી છે.
આ મામલે વટવા પોલીસ સ્ટેશનમાં BNS, ગુજરાત પશુ સંરક્ષણ કાયદો, ગુજરાત પ્રાંતીય મહાનગરપાલિકા અધિનિયમ અને ગુજરાત પોલીસ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં ધરપકડ કરાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ફરાર આરોપીઓને પકડવા માટે તપાસ ચાલુ છે.

