હોમપેજદેશઐતિહાસિક ભૂલોના સુધારાથી લઈને વિપક્ષના એજન્ડાને ખુલ્લો પાડવા સુધી: બંધારણ પર પીએમ...

ઐતિહાસિક ભૂલોના સુધારાથી લઈને વિપક્ષના એજન્ડાને ખુલ્લો પાડવા સુધી: બંધારણ પર પીએમ મોદીના લેખની 10 મોટી વાતો

અંતમાં વડા પ્રધાને 2047 સુધીમાં 'વિકસિત ભારત' બનાવવા માટે દેશવાસીઓને બે સરળ છતાં અત્યંત શક્તિશાળી સિદ્ધાંતો અપનાવવા આહ્વાન કર્યું છે: વિચારોમાં ‘રાષ્ટ્ર પ્રથમ’ અને કાર્યોમાં ‘કર્તવ્ય’. તેમણે કહ્યું કે સ્વચ્છ ભારતથી લઈને પર્યાવરણ સંરક્ષણ સુધીના અનેક જનઆંદોલનોમાં કર્તવ્યની આ ભાવના જોવા મળી છે.

- Advertisement -

26 નવેમ્બરને બંધારણ દિવસના અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય બંધારણ પર ‘બંધારણ- આપણું માર્ગદર્શક બળ’ (The Constitution – Our guiding force) શીર્ષક હેઠળ એક મહત્વપૂર્ણ, ઊંડાણપૂર્વકનો અને ધારદાર લેખ લખ્યો છે. આ લેખમાં વડા પ્રધાને બંધારણના ઘડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપવાની સાથે આ પવિત્ર દસ્તાવેજે તેમના વ્યક્તિગત જીવનમાં કેવું પરિવર્તન આણ્યું તેનો હૃદયસ્પર્શી ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત, તેમણે બંધારણવિરોધી માનસિકતા અને ઐતિહાસિક ભૂલો બદલ વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે.

બંધારણના ઘડવૈયાઓ અને આપણી પ્રાચીન સંસ્કૃતિને વંદન

વડા પ્રધાને લેખની શરૂઆતમાં ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને ડૉ. બાબાસાહેબ આંબેડકર સહિત બંધારણ સભાના તમામ દીર્ઘદ્રષ્ટા નેતાઓને યાદ કરી નમન કર્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ નેતાઓની ખરી પ્રતિભા એ વાતમાં હતી કે તેમણે ભારતનાં પ્રાચીન જ્ઞાન, પરંપરાઓ અને સંસ્કૃતિનો આધાર લઈને એક આધુનિક અને ભવિષ્યલક્ષી બંધારણ ઘડ્યું. ભારત જેવા વિવિધતાથી ભરેલા દેશ માટે બંધારણ એ માત્ર કાયદાઓની ચોપડી કે કાનૂની માળખું નથી, પરંતુ સંસદ અને અદાલતોની ચાર દીવાલોથી બહાર નીકળીને દેશના સામાન્ય નાગરિકોની સામૂહિક ચેતના સાથે જોડાયેલો જીવંત દસ્તાવેજ છે.

જન્મ નહીં, પરંતુ કર્મ અને તકથી ભવિષ્ય નક્કી થાય છે

પોતાના જીવનના સંસ્મરણો વાગોળતા પીએમ મોદીએ લખ્યું કે તેમનો ઉછેર એક સામાન્ય અને મધ્યમ પરિવારમાં થયો હતો, જ્યાં જન્મજાત કોઈ વિશેષાધિકાર કે સુવિધાઓ નહોતી. તેમણે બંધારણને પોતાની જીવનયાત્રાનો ‘અભિન્ન ભાગ’ ગણાવ્યો. તેમણે કહ્યું કે આ બંધારણની જ તાકાત છે કે તેમના જેવા સામાન્ય પરિવારમાંથી આવતા એક બાળકને આજે વિશ્વની સૌથી મોટી લોકશાહીની સેવા કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. ભારતીય બંધારણની સૌથી મોટી વિશેષતા એ જ છે કે હવે કોઈ વ્યક્તિ કયા પરિવારમાં કે કેવી સ્થિતિમાં જન્મી છે તેના આધારે તેનું ભવિષ્ય નક્કી નથી થતું.

- Advertisement -

સામાજિક અને આર્થિક ન્યાય હવે વાસ્તવિકતા બની રહ્યો છે

પ્રખ્યાત બંધારણ નિષ્ણાત ગ્રેનવિલ ઓસ્ટિનનો ઉલ્લેખ કરતા વડા પ્રધાને કહ્યું કે ભારતીય બંધારણ ‘સૌથી પહેલા એક સામાજિક દસ્તાવેજ’ છે. તેના મૂળમાં સામાજિક અને આર્થિક ન્યાયની ભાવના વણાયેલી છે, જે આજે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ દ્વારા સાકાર થઈ રહી છે. વર્લ્ડ બેંકના અહેવાલનો હવાલો આપતા તેમણે જણાવ્યું કે દેશના લગભગ 50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. પીએમ આવાસ યોજના, ઉજ્જવલા યોજના, આયુષ્માન ભારત અને મુદ્રા લોન જેવી યોજનાઓએ ગરીબોને આર્થિક મદદ, આરોગ્ય સુરક્ષા અને સન્માનપૂર્વક જીવવાનો બંધારણીય અધિકાર અપાવ્યો છે.

ઐતિહાસિક બંધારણીય સુધારાઓથી વર્ષો જૂની માંગણીઓ પૂરી થઈ

વડા પ્રધાને બંધારણને સમયની જરૂરિયાત મુજબ વધુ મજબૂત બનાવનારા કેટલાક મોટા બંધારણીય સુધારાઓનો ઉલ્લેખ કર્યો. જેમ કે, 101માં સુધારાથી દેશમાં GST લાગુ થયો, 102માં સુધારાથી રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને (NCBC) બંધારણીય દરજ્જો મળ્યો અને 103માં સુધારાથી આર્થિક રીતે નબળા વર્ગોને (EWS) અનામતનો લાભ મળ્યો. આનાથી વર્ષોથી અનામતની વ્યવસ્થાની બહાર રહેલા આર્થિક રીતે પછાત પરિવારોની લાંબા સમયની માંગણીઓ અને આકાંક્ષાઓ પૂરી થઈ છે.

બંધારણ હવે દરેક ભારતીયની વધુ નજીક પહોંચ્યું છે

1950 પછી પહેલીવાર બંધારણની અદ્યતન આવૃત્તિ આઠમી અનુસૂચિમાં સામેલ તમામ 22 ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેનાથી સામાન્ય નાગરિકો પોતાની માતૃભાષામાં બંધારણને સરળતાથી વાંચી અને સમજી શકે છે. આ ઉપરાંત, ‘ભારતીય ન્યાય સંહિતા’ દ્વારા દેશની ફોજદારી ન્યાય પ્રણાલીમાં મોટો અને પાયાનો ફેરફાર આવ્યો છે. હવે અંગ્રેજોના સમયના ‘દંડ’ના (સજા કે બદલાની ભાવના) વિચારને બદલે નાગરિકોને સમયસર, પારદર્શક અને સન્માનજનક ‘ન્યાય’ મળે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

સત્તા-લાલચુ કોંગ્રેસ, તુષ્ટિકરણ અને OBC અનામત પર પ્રહાર

કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા પીએમ મોદીએ કહ્યું કે 1951ના પ્રથમ સુધારા દ્વારા મૂળભૂત સ્વતંત્રતાઓ પર કાપ મૂકવામાં આવ્યો હતો અને 42મા સુધારા દ્વારા ન્યાયતંત્રની સત્તા અને સમીક્ષાના અધિકારને મર્યાદિત કરવામાં આવ્યા હતા. તેમણે યુવાનોને 38મા અને 39મા બંધારણીય સુધારાઓનો અભ્યાસ કરવાની અપીલ કરી, જેથી સમજી શકાય કે ‘સત્તાની ભૂખી અને બંધારણવિરોધી નેતાગીરી’ શું કરી શકે છે.

વધુમાં તેમણે કલમ 356ના વારંવાર થયેલા દુરુપયોગનો ઉલ્લેખ કરતા કહ્યું કે એક જ પક્ષે લગભગ 100 વખત રાષ્ટ્રપતિ શાસન લાદ્યું, જેમાં એક પૂર્વ વડા પ્રધાને તો 50થી વધુ વખત ચૂંટાયેલી રાજ્ય સરકારોને બરતરફ કરી હતી. તેમણે આરોપ મૂક્યો કે કોંગ્રેસ OBC અનામત ઘટાડીને મુસ્લિમ અનામત લાવવા માંગે છે, જેનો ડૉ. આંબેડકર સહિત બંધારણના ઘડવૈયાઓએ સખત વિરોધ કર્યો હતો.

ઐતિહાસિક ભૂલોનો સુધારો: કલમ 370 અને નક્સલવાદનો અંત

વડા પ્રધાને 2019માં કલમ 370 અને 35A નાબૂદ કરવાના નિર્ણયને એક ઐતિહાસિક ભૂલનો સુધારો ગણાવ્યો. તેમણે કહ્યું કે 70 વર્ષથી વધુ સમય સુધી કલમ 370ના કારણે જમ્મુ-કાશ્મીરના લોકો, ખાસ કરીને SC, ST, OBC સમાજ અને મહિલાઓ તેમના સંપૂર્ણ બંધારણીય અધિકારોથી વંચિત રહ્યા હતા. આ સાથે જ તેમણે આ વર્ષે નક્સલવાદના સફળ ખાતમાની ઉજવણી કરતા કહ્યું કે હવે ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ કોઈ ડર કે ભય વિના પોતાના બંધારણીય અધિકારોનો ઉપયોગ કરી શકે છે. જોકે, તેમણે દેશના વિકાસને રોકવા અને અટકાવવા મથતા ‘દિમાગી નક્સલીઓ’ના પ્રોપગેન્ડા સામે સાવધ અને સતર્ક રહેવાની ચેતવણી પણ આપી.

વિપક્ષ ‘વિરોધ પક્ષ’ નહીં, પરંતુ ‘અવરોધ પક્ષ’ બની ગયો છે

લોકશાહીમાં વિપક્ષની બંધારણીય ભૂમિકા સ્પષ્ટ કરતા વડા પ્રધાને ખેદ વ્યક્ત કર્યો કે મુખ્ય વિપક્ષી દળ આજે ‘વિરોધ પક્ષ’ને બદલે ‘અવરોધ પક્ષ’ બની ગયો છે. તેમણે કહ્યું કે સંસદની કાર્યવાહી ખોરવવી કે લોકશાહી પ્રક્રિયામાં અડચણ ઊભી કરવી એ બંધારણીય જવાબદારી નિભાવવાનો વિકલ્પ નથી. તેમણે વિધાનસભાઓ અને સંસદમાં મહિલાઓને પૂરતું પ્રતિનિધિત્વ આપતા કાયદાઓને અટકાવવા બદલ પણ વિપક્ષને જવાબદાર ઠેરવ્યો અને દેશની ‘નારી શક્તિ’ને ખાતરી આપી કે તેમને ન્યાય અને સમાન તક આપતા કોઈ તાકાત રોકી શકશે નહીં.

મતદાનની ફરજ અને પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોનું સન્માન

નાગરિકોને સીધી અપીલ કરતા પીએમ મોદીએ કહ્યું કે લોકશાહીને મજબૂત કરવા માટે મતદાન કરવું એ આપણી સૌથી મોટી ફરજ અને જવાબદારી છે. તેમણે દરેક નાગરિકને રાષ્ટ્રીય, રાજ્ય અને સ્થાનિક ચૂંટણીઓમાં મતદાન કરવાની એક પણ તક ન ચૂકવા આગ્રહ કર્યો. નાની ઉંમરથી જ આ ફરજની ભાવના કેળવાય તે માટે તેમણે સૂચન કર્યું કે શાળાઓ અને કૉલેજોમાં બંધારણ દિવસ નિમિત્તે 18 વર્ષ પૂર્ણ કરીને પ્રથમ વખત મતદાર બનનારા યુવાનોનું સન્માન કરવું જોઈએ, જેથી તેઓ પોતાને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભાગીદાર માને.

વિચારોમાં ‘રાષ્ટ્ર પ્રથમ’ અને કાર્યોમાં ‘કર્તવ્ય’

લેખના અંતમાં વડા પ્રધાને 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ બનાવવા માટે દેશવાસીઓને બે સરળ છતાં અત્યંત શક્તિશાળી સિદ્ધાંતો અપનાવવા આહ્વાન કર્યું છે: વિચારોમાં ‘રાષ્ટ્ર પ્રથમ’ અને કાર્યોમાં ‘કર્તવ્ય’. તેમણે કહ્યું કે સ્વચ્છ ભારતથી લઈને પર્યાવરણ સંરક્ષણ સુધીના અનેક જનઆંદોલનોમાં કર્તવ્યની આ ભાવના જોવા મળી છે. અંતે વડા પ્રધાને કહ્યું કે બંધારણની શક્તિ અને આ માર્ગદર્શક સિદ્ધાંતોના આધારે આપણે આવનારી પેઢીઓ માટે સુરક્ષિત, સમૃદ્ધ અને ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરી શકીએ છીએ.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં