હોમપેજમંતવ્યચોરી કરતા પકડાયા તોપણ પેપર પૂરું થશે, પક્ષ સાંભળવામાં આવશે અને 'સપોર્ટ'...

ચોરી કરતા પકડાયા તોપણ પેપર પૂરું થશે, પક્ષ સાંભળવામાં આવશે અને ‘સપોર્ટ’ પણ મળશે: સાહિલ વાકોડે કેસ પછી IIT બૉમ્બે શું કરવા જઈ રહી છે?

એક વિદ્યાર્થીના કેસમાંથી જો સંસ્થા એ શીખે કે ભવિષ્યમાં કોઈ વિદ્યાર્થી મુશ્કેલીમાં ન પડે તો તે એક બાબત છે. પરંતુ જો સંદેશ એવો જાય કે નિયમ તોડ્યા પછી પણ સંસ્થા તમારા માટે નિયમો નરમ કરી દેશે તો એ શિક્ષણ નહીં, શિસ્તના ધીમે-ધીમે વિઘટનની શરૂઆત ગણાશે.

- Advertisement -

પરીક્ષામાં ચીટિંગ કરતા પકડાય એટલે સામાન્ય રીતે શું થવું જોઈએ? નિયમ તૂટ્યો છે એટલે કાર્યવાહી થવી જોઈએ. જે વિદ્યાર્થી મહેનત કરીને પ્રામાણિકતાથી પરીક્ષા આપી રહ્યો છે, તેની મહેનતનું મૂલ્ય જળવાઈ રહે એ માટે પરીક્ષાની શિસ્ત કડક હોવી જોઈએ. પરંતુ IIT બૉમ્બેમાં સાહિલ વાકોડેના કેસ પછી જે નવી વ્યવસ્થા સામે આવી રહી છે, તેમાં ચીટિંગ કરતા પકડાયેલા વિદ્યાર્થીની આસપાસ આખી પ્રક્રિયા જ કંઈક જુદી રીતે ગોઠવાઈ રહી છે.

તેને નવું આન્સર બુકલેટ આપીને પેપર પૂરું કરવા દેવામાં આવશે, નિરીક્ષક સંબંધિત સામગ્રી જપ્ત કરીને ઘટનાની નોંધ કરશે પરંતુ વિદ્યાર્થી સાથે શક્ય તેટલી ઓછી વાત કરશે, આગળની કાર્યવાહી ડિસિપ્લિનરી એક્શન કમિટી કરશે અને પરીક્ષા પૂરી થયા બાદ વિદ્યાર્થીને પોતાની વાત નોંધાવવાની તક પણ મળશે. વાત અહીં પૂરી થતી નથી. પરીક્ષા હૉલ છોડ્યા બાદ ચીટિંગ કરતા પકડાયેલો વિદ્યાર્થી એકલો ન રહે તે માટે ક્વિક રિસ્પોન્સ ટીમ એટલે કે QRTને તેની જાણ કરવામાં આવશે, તેનું નામ, રોલ નંબર અને કોર્સ જેવી વિગતો પણ તેની સાથે શેર કરવામાં આવશે અને તેને ‘સપોર્ટ’ આપવામાં આવશે!

આ તો ચીટિંગને નોર્મલાઇઝ કરવાની વાત થઈ. સવાલ એ નથી કે વિદ્યાર્થી સાથે સંવેદનશીલતા રાખવી કે નહીં. ચોક્કસ રાખવી જોઈએ. કોઈ વિદ્યાર્થી આત્મહત્યા સુધી ન પહોંચે એ માટે સંસ્થા પાસે પૂરતી માનસિક સહાય અને દેખરેખ હોવી જોઈએ. પરંતુ એનો અર્થ એવો કેવી રીતે થઈ શકે કે ચીટિંગ સામેની કાર્યવાહી જ ઢીલી કરી નાખવામાં આવે? પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીને પેપર પૂરું કરાવવું, નિરીક્ષકને તેની સાથે ઓછામાં ઓછી વાત કરવા કહેવું, પછી તેની પોતાની વાત સાંભળવી અને પરીક્ષા પૂરી થયા બાદ તેને એકલો ન રહેવા દેવાની વ્યવસ્થા કરવી, આ આખી પ્રક્રિયામાં એક વસ્તુ સૌથી વધુ વિચિત્ર છે. નિયમ તોડનાર વિદ્યાર્થીને નિયમનો સામનો કરાવવાને બદલે આખી વ્યવસ્થા જાણે તેની આસપાસ સુરક્ષાકવચ ઊભું કરી રહી છે.

આ ફેરફારો સાહિલ વાકોડેના કેસ બાદ IIT બૉમ્બેમાં રચાયેલી આઠ સભ્યોની કમિટીની ઇન્ટરિમ પ્રક્રિયામાંથી આવ્યા છે. ચાર વિદ્યાર્થીઓ અને ચાર ફેકલ્ટી સભ્યોની આ કમિટીએ પરીક્ષાની વર્તણૂક અંગેના નિયમોની સમીક્ષા કરી છે. સાહિલ પરીક્ષા દરમિયાન મોબાઇલ સાથે પકડાયા બાદ થયેલી સમગ્ર ઘટનાએ IIT બૉમ્બેમાં વિરોધ અને ચર્ચા ઊભી કરી હતી. ત્યારબાદ જે વાત સામે આવી રહી છે તેમાં પરીક્ષા દરમિયાન ચોરી પકડવાની પદ્ધતિથી લઈને વિદ્યાર્થીને પરીક્ષા બાદ ‘સપોર્ટ’ આપવા સુધીની આખી પ્રક્રિયાને ફરી ગોઠવવામાં આવી રહી છે. અહીં સવાલ એ નથી કે સાહિલના કેસની આસપાસ શું રાજકીય કે સામાજિક દબાણ ઊભું થયું. સવાલ એટલો છે કે એક ઘટનાના પડઘા પછી પરીક્ષાની શિસ્તને કેટલા અંશે બદલી શકાય?

- Advertisement -

આમાં સૌથી રસપ્રદ ફેરફાર નિરીક્ષકની ભૂમિકા અંગે છે. સામાન્ય સમજ એવી હોય કે પરીક્ષા હૉલમાં ગેરરીતિ પકડાય તો નિરીક્ષક કાર્યવાહી કરશે. પરંતુ નવી વ્યવસ્થામાં નિરીક્ષકનું કામ મુખ્યત્વે ચોરી રોકવા, સંબંધિત સામગ્રી જપ્ત કરવા અને બનેલી ઘટનાની નોંધ કરવા પૂરતું રહેશે. ત્યાર પછીનું કામ ડિસિપ્લિનરી એક્શન કમિટી કરશે. એટલે જે વ્યક્તિએ વિદ્યાર્થીને ગેરરીતિ કરતા પોતાની આંખે જોયો, તેને આગળની કાર્યવાહીથી શક્ય તેટલું દૂર રાખવાની વ્યવસ્થા છે! અહેવાલમાં તો સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે નિરીક્ષકે ચીટિંગ કરતા પકડાયેલા વિદ્યાર્થી સાથે શક્ય તેટલી ઓછી વાતચીત કરવી જોઈએ. હવે વિચારો, પરીક્ષા હૉલમાં નિયમનો ભંગ થયો છે અને નિયમ લાગુ કરનાર વ્યક્તિને જ કહેવામાં આવે છે કે ઓછું બોલો, ઘટના નોંધો અને આગળની જવાબદારી કોઈ બીજી કમિટી સંભાળશે.

પછી આવે છે વિદ્યાર્થીને પોતાનો પક્ષ રજૂ કરવાની તક. સાંભળવામાં કદાચ આ વ્યવસ્થિત લાગે, પરંતુ અહીં પણ પ્રશ્ન છે કે પરીક્ષા હૉલમાં ચોરી પકડાઈ ત્યારે પ્રથમ દૃષ્ટિએ જે બન્યું તેની કાર્યવાહી અને પછીની શિસ્તભંગની પ્રક્રિયા વચ્ચે સંતુલન ક્યાં છે? વિદ્યાર્થીને પોતાની વાત કહેવાની તક હોવી જોઈએ કે નહીં એ મુદ્દો નથી. મૂળ પ્રશ્ન એ છે કે ચીટિંગ કરતા પકડાયા પછી પણ પેપર પૂર્ણ કરવાની છૂટ કેમ? જો ગેરરીતિની ઘટના એટલી ગંભીર નથી કે પરીક્ષા રોકી દેવામાં આવે તો પછી પરીક્ષા હોલમાં ચોરી સામેના બધા નિયમો શા માટે છે?

આ સાથે IIT બૉમ્બે જુલાઈ 2026માં લાવવામાં આવેલા કડક દંડના નિયમોને પણ હાલ પાછળ લઈ જઈ રહી છે. જુલાઈના નિયમો પ્રમાણે પરીક્ષા હૉલમાં મોબાઇલ સાથે પકડાયેલા વિદ્યાર્થીને એક સેમેસ્ટર માટે સસ્પેન્ડ કરવાની અને ‘ફેલ એન્ડ રિપીટ’ એટલે કે FR ગ્રેડ આપવાની જોગવાઈ હતી. પરીક્ષા દરમિયાન બીજા વિદ્યાર્થી સાથે વાત કરતા પકડાયેલા વિદ્યાર્થી માટે પણ સીધા FR ગ્રેડની જોગવાઈ હતી. હવે નવી સજા-વ્યવસ્થા તૈયાર ન થાય ત્યાં સુધી 2015ના જૂના નિયમો તરફ પાછા જવાની વાત છે, જેમાં એક સેમેસ્ટરની સસ્પેન્શન જેવી કાર્યવાહી નહોતી અને એક ગ્રેડ ઘટાડવાની જોગવાઈ હતી. એટલે થોડા મહિનાઓ પૂર્વે નિયમ કડક બનાવ્યા અને હવે એક વિદ્યાર્થીની ઘટના બાદ ફરી વધુ હળવા નિયમો તરફ વળવાની પ્રક્રિયા શરૂ થઈ.

આ બધાની વચ્ચે IIT બૉમ્બે પરીક્ષા હૉલમાં CCTV મોનિટરિંગ, મોબાઇલ, સ્માર્ટવૉચ અને ઇયરફોન જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર પ્રતિબંધ, બેગ, પુસ્તકો અને નોટ્સને પરીક્ષા બિલ્ડિંગમાં ન લાવવાની વ્યવસ્થા, એક સમયે એક જ વિદ્યાર્થીને બાયો-બ્રેક માટે બહાર જવાની મંજૂરી અને પરીક્ષા શરૂ થયાના 30 મિનિટ પછી પ્રવેશ બંધ કરવા જેવા નિયમો પણ રાખી રહ્યું છે. એટલે ચોરી રોકવા માટે નજર વધુ કડક રહેશે, પરંતુ ચોરી કરતા પકડાયા પછીની પ્રક્રિયા વધુ નરમ હશે. આ વિરોધાભાસ સમજવો મુશ્કેલ છે.

અને આ આખી ચર્ચામાં સૌથી મોટો સવાલ ટોળાશાહીનો છે. કોઈ વિદ્યાર્થી સાથે ખરેખર અન્યાય થયો હોય તો તેની તપાસ અને યોગ્ય કાર્યવાહી સંસ્થાની જવાબદારી છે. પરંતુ વિદ્યાર્થીઓના વિરોધ, દેખાવો અથવા પરિવાર તરફથી ઊભા થયેલા જાહેર દબાણના આધારે પરીક્ષા વ્યવસ્થાના મૂળભૂત નિયમો બદલવા લાગીએ તો આવતીકાલે દરેક નિયમ સામે ભીડ ઊભી થઈ શકે છે. આજે માંગ છે કે ચોરી પકડાયા પછી પણ પેપર પૂરું કરવા દો. કાલે કોઈ કહેશે કે પરીક્ષામાં પુસ્તકો સાથે બેસવા દો. પરમ દિવસે કોઈ કહેશે કે મોબાઇલ રાખવાની છૂટ આપો. શું દરેક માંગણી પાછળ ભીડ ઊભી થાય એટલે યુનિવર્સિટી નિયમ બદલતી જશે?

આખરે વાત મહેનત કરતા વિદ્યાર્થીઓની છે. જે વિદ્યાર્થી નિયમોનું પાલન કરીને મહિનાઓ સુધી તૈયારી કરે છે, પરીક્ષા હૉલમાં મોબાઇલ બહાર મૂકે છે, કોઈની મદદ લેતો નથી અને પોતાની ક્ષમતા પ્રમાણે પેપર લખે છે, તેના હિતનું શું? ચોરી કરનારને પેપર પૂરું કરવાની છૂટ આપવી માત્ર ચોરી કરનાર પ્રત્યેની નરમાઈ નથી. તે નિયમ પાળનાર વિદ્યાર્થીની મહેનત સાથે પણ અન્યાય બની શકે છે.

વિદ્યાર્થીની જિંદગી અને તેની માનસિક સ્થિતિને ગંભીરતાથી લેવી જોઈએ, તેમાં કોઈ બેમત નથી. પરંતુ સંવેદનશીલતા અને શિસ્ત એકબીજાના વિરોધી નથી. IIT જેવી સંસ્થાની જવાબદારી એ છે કે વિદ્યાર્થીને મુશ્કેલીમાં હોય ત્યારે મદદ મળે અને સાથે જ પરીક્ષામાં પ્રામાણિકતાના ધોરણ પણ અડગ રહે. ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીને મદદ કરવી એક વાત છે, પરંતુ ચોરી પકડાયા પછી પણ તેને પેપર પૂરું કરાવવું, નિરીક્ષકને દૂર રાખવો, તેની દેખરેખ રાખવી અને આખી પ્રક્રિયાને તેની આસપાસ ગોઠવી દેવી બીજી વાત છે.

એક વિદ્યાર્થીના કેસમાંથી જો સંસ્થા એ શીખે કે ભવિષ્યમાં કોઈ વિદ્યાર્થી મુશ્કેલીમાં ન પડે તો તે એક બાબત છે. પરંતુ જો સંદેશ એવો જાય કે નિયમ તોડ્યા પછી પણ સંસ્થા તમારા માટે નિયમો નરમ કરી દેશે તો એ શિક્ષણ નહીં, શિસ્તના ધીમે-ધીમે વિઘટનની શરૂઆત ગણાશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં