ભારતના બે રાજ્યો ઉત્તર પ્રદેશ અને આસામમાં ગેરકાયદેસર મદરેસાઓ પર બુલડોઝર ચાલતા હોવાના અહેવાલો અવિરત પણે આવી રહ્યા છે, પરંતુ દેશની રાજધાની દિલ્હીમાં સાવ વિપરીત પરિસ્થિતિઓ જોવા મળી છે. તાજેતરમાં દિલ્હીમાં ગેરકાયદેસર મદરેસાનું કવરેજ કરવા પહોંચેલી મીડિયા ટીમને મદરેસા સંચાલકો અને તેમના મળતિયાઓ દ્વારા બંધક બનાવી લેવામાં આવ્યા હતા. આ મદરેસા LADO (Land And Development Office)ની જમીન પર ગેરકાયદેસર રીતે ઉભું કરવામાં આવ્યું છે. ત્યારે દિલ્હીમાં ગેરકાયદેસર મદરેસાનું કવરેજ કરવા પહોંચેલી મીડિયા ટીમને બંધક બનાવવાનો કિસ્સો આખા દેશમાં પ્રથમ વખત ઘટ્યો છે.
દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં સ્થિત સરકારી જમીન પર ધમધમી રહેલું આ જામિયા અરેબિયા’ નામનું મદરેસા ગેરકાયદેસર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જ્યારે ‘ હેડલાઈન્સ ઈન્ડિયા‘ની એક ટીમ આ મદરેસાના સત્યને ઉજાગર કરવા માટે અહીં પહોંચી ત્યારે શરૂઆતમાં થોડી ચર્ચા થઈ હતી, પરંતુ જ્યારે રિપોર્ટર દ્વારા ઉપરાઉપરી પ્રશ્નો પૂછવામાં આવ્યા તો રિપોર્ટર અને કેમેરામેનને એક રૂમમાં બંધક બનાવી દેવામાં આવ્યા હતા.
યુપી અને આસામમાં મદરેસાઓ પર કડક કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે હાલમાં જ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે આદેશ આપ્યો છે કે રાજ્યના તમામ મદરેસાઓનો સર્વે કરવામાં આવે અને તેનો રિપોર્ટ પ્રશાસનને સુપરત કરવામાં આવે. તે જ સમયે યુપી સરકાર રાજ્યની શિક્ષણ પ્રણાલીના કાયાકલ્પની દિશામાં નવા પ્રયાસો કરી રહી છે. આ સંદર્ભે તમામ જિલ્લાના ડીએમને મદરેસાઓના સર્વેના આદેશ આપવામાં આવ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ માટે 5 ઓક્ટોબર 2022 સુધીની સમયમર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. દરમિયાન જે મદરેસાને માન્યતાઓ નથી મળી તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. મહત્વની બેઠક બાદ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે સર્વેમાં એસડીએમ, બીએસએ (મૂળભૂત શિક્ષણ અધિકારી) અને જિલ્લા લઘુમતી અધિકારી હાજર રહેશે. આ રિપોર્ટ જિલ્લા મેજિસ્ટ્રેટને સુપરત કરવામાં આવશે, જેને તેઓ સરકારને મોકલશે. તે જ સમયે તેનો ઉદ્દેશ્ય મદરેસાની શિક્ષણ પ્રણાલીને વધુ સારી અને આધુનિક બનાવવાનો રહેશે.
નોંધનીય છે કે યુપી સિવાય આસામમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી સરકાર મદરેસાઓને લઈને ગંભીર છે . તાજેતરમાં રાજ્યની હિમંતા બિસ્વા સરમા સરકારે રાજ્યમાં ત્રણ મદરેસા તોડી પાડ્યા હતા. આ તમામ મદરેસાઓનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓના કેન્દ્ર તરીકે થતો હતો. આ મદરેસા સાથે જોડાયેલા ઘણા મૌલવીઓની પોલીસે ધરપકડ કરી હતી. ગોલપારામાં ચોથી મદરેસાને લોકોએ જાતે જ તોડી પાડયું હતું, જેના તાર આતંકવાદી સંગઠન અલકાયદા સાથે જોડાયેલા હતા.