અમેરિકામાં ફરી એકવાર ઇમિગ્રેશન નીતિને લઈને મોટો ફેરફાર સામે આવ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસને વિશ્વભરના અમેરિકી દૂતાવાસો અને વાણિજ્ય દૂતાવાસોમાં ઇમિગ્રન્ટ વિઝા માટેના ઇન્ટરવ્યુ અસ્થાયી રીતે અટકાવીને અથવા ફરીથી નક્કી કરીને અરજદારોને રાહ જોવાની સ્થિતિમાં મૂકી દીધા છે. પહેલેથી ઇન્ટરવ્યુની તારીખ મેળવી ચૂકેલા કેટલાક અરજદારોને ઈમેલ કરીને તેમની એપોઇન્ટમેન્ટ ફરીથી નક્કી કરવાની જાણ કરવામાં આવી છે. જોકે, નવી તારીખ ક્યારે મળશે અથવા આ પ્રક્રિયા કેટલો સમય ચાલશે તેની ચોક્કસ સમયમર્યાદા અમેરિકી સરકારે જાહેર કરી નથી.
સવાલ એ છે કે આખરે અમેરિકાએ આવું કેમ કર્યું? શું બધા પ્રકારના અમેરિકી વિઝા પર આની અસર પડશે? અને ટ્રમ્પ પ્રશાસનની આ કાર્યવાહી પાછળ માત્ર અધિકારીઓની તાલીમ છે કે પછી અમેરિકાની સમગ્ર ઇમિગ્રેશન નીતિમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે?
ઇમિગ્રન્ટ વિઝા માટેની તપાસ હવે વધુ કડક થશે
અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે આ નિર્ણયને વિશ્વભરના કોન્સ્યુલર અધિકારીઓ માટે શરૂ કરાયેલા એક ખાસ તાલીમ કાર્યક્રમ સાથે જોડ્યો છે. વિભાગનું કહેવું છે કે અધિકારીઓને દરેક વિઝા અરજદારનું વધુ વ્યાપક અને એકસરખી રીતે મૂલ્યાંકન કરવા માટે ‘ઇન-ડેપ્થ’ તાલીમ આપવામાં આવી રહી છે. ખાસ કરીને અરજદાર ભવિષ્યમાં અમેરિકાની સરકારી સહાય પર નિર્ભર થઈ શકે છે કે નહીં, એટલે કે ‘પબ્લિક ચાર્જ’ બની શકે છે કે નહીં, તેની તપાસ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
અહીં સમજવાની બાબત એ છે કે અમેરિકી ઇમિગ્રેશન કાયદામાં ‘પબ્લિક ચાર્જ’ પહેલેથી જ એક મહત્વપૂર્ણ ખ્યાલ છે. કોઈ ઇમિગ્રન્ટ ભવિષ્યમાં ચોક્કસ પ્રકારની સરકારી સહાય પર નિર્ભર થવાની સંભાવના ધરાવે છે એવું માનવામાં આવે તો તેની વિઝા પાત્રતા પર અસર પડી શકે છે. ટ્રમ્પ પ્રશાસન હવે કોન્સ્યુલર અધિકારીઓને આ માપદંડને વધુ કડક અને સુસંગત રીતે લાગુ કરવા માટે તાલીમ આપી રહ્યું છે.
અચાનક ઇન્ટરવ્યુ રોકવાની જરૂર કેમ પડી?
આ પ્રશ્નનો સીધો જવાબ અમેરિકી સરકારના નિવેદનમાં જ મળે છે. અધિકારીઓને નવી પ્રક્રિયા સમજાવવી અને દરેક અરજદારનું મૂલ્યાંકન એકસરખી રીતે થાય તે સુનિશ્ચિત કરવા માટે વૈશ્વિક તાલીમ શરૂ કરવામાં આવી છે. આ તાલીમ દરમિયાન વિઝા સેવાઓની એપોઇન્ટમેન્ટમાં ફેરફાર કરવામાં આવશે.

અર્થાત્ હાલનો નિર્ણય કાયમી વિઝા પ્રતિબંધ નથી. પરંતુ તેની અસર એ છે કે જે લોકો ઇમિગ્રન્ટ વિઝા મેળવવાની પ્રક્રિયાના અંતિમ તબક્કે પહોંચી ચૂક્યા હતા, તેમને પણ રાહ જોવી પડી શકે છે. કેટલાક અરજદારોની વર્ષોથી ચાલી રહેલી પ્રક્રિયા હવે વધુ લંબાઈ શકે છે.
શું તમામ અમેરિકી વિઝા પર રોક લાગી છે?
અહીં સૌથી મહત્વની સ્પષ્ટતા જરૂરી છે. હાલની કાર્યવાહી મુખ્યત્વે ઇમિગ્રન્ટ વિઝા સાથે સંબંધિત છે, એવા વિઝા, જેના આધારે વ્યક્તિ અમેરિકામાં કાયમી વસવાટ તરફ આગળ વધે છે.
આને અમેરિકાના દરેક પ્રકારના વિઝા માટે સંપૂર્ણ પ્રતિબંધ તરીકે જોવો યોગ્ય નથી. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે અગાઉ પણ સ્પષ્ટ કર્યું છે કે ‘પબ્લિક ચાર્જ’ સંબંધિત આ પ્રકારની કાર્યવાહી ઇમિગ્રન્ટ વિઝા અરજદારો માટે છે અને ટૂરિસ્ટ વિઝા જેવા નોન-ઇમિગ્રન્ટ વિઝા તેના દાયરામાં આવતા નથી.
એટલે અમેરિકામાં થોડા દિવસો માટે ફરવા, બિઝનેસ અથવા અન્ય નોન-ઇમિગ્રન્ટ હેતુથી જતાં દરેક ભારતીયના વિઝા ઇન્ટરવ્યુ અત્યારે બંધ થઈ ગયા છે એવો અર્થ કાઢવો ખોટો હશે.
ટ્રમ્પની ‘America First’ ઇમિગ્રેશન નીતિનો બીજો અધ્યાય
આ નિર્ણયને માત્ર અધિકારીઓની તાલીમ તરીકે જોવાથી સમગ્ર ચિત્ર સમજાશે નહીં. ટ્રમ્પ પ્રશાસન પોતાના બીજા કાર્યકાળમાં ઇમિગ્રેશનને લઈને શરૂઆતથી જ કડક વલણ અપનાવી રહ્યું છે. ગેરકાયદે ઇમિગ્રેશન સામે કાર્યવાહી સાથે હવે કાયદેસર ઇમિગ્રેશનની પણ વધુ કડક તપાસ થઈ રહી છે.
સ્ટેટ ડિપાર્ટમેન્ટે આ વર્ષની શરૂઆતમાં જ કેટલાક દેશોના નાગરિકોના ઇમિગ્રન્ટ વિઝા અંગે ‘પબ્લિક બેનિફિટ્સ’ પર નિર્ભરતાના જોખમને ધ્યાનમાં રાખીને અલગ પ્રક્રિયા શરૂ કરી હતી. તેમાં અનેક દેશોના નાગરિકોના ઇમિગ્રન્ટ વિઝા ઇશ્યૂ પર રોક લગાવવામાં આવી હતી, જ્યારે ટૂરિસ્ટ વિઝા તેના હેઠળ આવતા નહોતા.
હવે વિશ્વભરના કોન્સ્યુલર અધિકારીઓ માટેની નવી તાલીમ એ જ દિશામાં આગળનું પગલું હોવાનું દેખાય છે. અમેરિકા આવનાર વ્યક્તિ માત્ર વિઝાની શરતો પૂરી કરે છે કે નહીં એટલું નહીં, પરંતુ તે અમેરિકન સરકાર પર ભવિષ્યમાં કેવો આર્થિક બોજ બની શકે છે તેની પણ વધુ કડક તપાસ થશે.
ભારતીયો માટે તેનો શું અર્થ?
ભારતીયો માટે સૌથી મોટી ચિંતા એ છે કે અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીયો શિક્ષણ, નોકરી અને પરિવાર આધારિત ઇમિગ્રેશનના માર્ગે જતાં હોય છે. ખાસ કરીને ગ્રીન કાર્ડ અથવા પરિવાર આધારિત ઇમિગ્રન્ટ વિઝા માટે પ્રક્રિયામાં રહેલા લોકોને આ પ્રકારના વિલંબની અસર થઈ શકે છે.
જોકે, અત્યારે એવું કહેવું વહેલું છે કે આ નિર્ણય ખાસ ભારતીયોને નિશાન બનાવીને લેવામાં આવ્યો છે. હાલની જાહેરાત વૈશ્વિક સ્તરે કરવામાં આવી છે અને તેનું કારણ કોન્સ્યુલર અધિકારીઓની તાલીમ તથા વિઝા અરજીઓની વધુ કડક તપાસ હોવાનું અમેરિકી સરકાર કહી રહી છે.
હા, ભારતીય અરજદારો માટે એક વાત ચોક્કસ છે કે જો પહેલેથી ઇમિગ્રન્ટ વિઝા ઇન્ટરવ્યુ નક્કી હતું અને તેને ફરીથી શેડ્યૂલ કરવામાં આવ્યું છે તો નવી તારીખ માટે રાહ જોવી પડી શકે છે અને હાલ અમેરિકી સરકારે નવી તારીખો માટે કોઈ નિશ્ચિત સમયમર્યાદા આપી નથી.
આથી ટ્રમ્પ પ્રશાસનના તાજા નિર્ણયને માત્ર વિઝા ઇન્ટરવ્યૂ થોડા દિવસ માટે અટક્યા એટલી નાની ઘટના માનવી યોગ્ય નથી. અમેરિકા હવે દેશમાં કોણ પ્રવેશ કરે, તે કયા હેતુથી આવે અને ભવિષ્યમાં અમેરિકાની સરકારી વ્યવસ્થા પર તેની કેટલી નિર્ભરતા રહી શકે, આ ત્રણેય બાબતોની વધુ કડક ચકાસણી તરફ આગળ વધી રહ્યું છે. આ નવી નીતિ ખરેખર કેટલી કડક બનશે અને ઇમિગ્રન્ટ વિઝાની પ્રક્રિયા સામાન્ય સ્થિતિમાં ક્યારે પરત ફરશે, તેના પર હવે વિશ્વભરના અરજદારોની નજર છે.


