દિલ્હીમાં નામ બદલીને સગીર છોકરી સાથે મિત્રતા કરવાનો અને ભાંડો ફૂટી ગયા બાદ તેને હેરાન કરવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં આસ મોહમ્મદે આશુ રાણા નામ ધારણ કરીને એક સગીર છોકરી સાથે મિત્રતા કરી હતી. છોકરીને ખબર પડ્યા બાદ તેણે વાત કરવાની બંધ કરી દેતા આસ મોહમ્મદે બોગસ અકાઉન્ટ બનાવીને તેને પરેશાન કરવાની શરૂ કરી દીધી હતી અને તેને બદનામ કરી હતી.
આ મામલે દિલ્હી પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બાદ પોલીસે એફઆઈઆર દાખલ કરીને આરોપીની ધરપકડ કરી લીધી હતી. તેણે પોતાની ઓળખ છુપાવીને 12મા ધોરણમાં ભણતી એક સગીર છોકરી સાથે મિત્રતા કરી હતી. એટલું જ નહીં, તેણે પોતાને સેનાનો કર્મચારી ગણાવ્યો હતો. જોકે, વાસ્તવમાં તે ભારતીય સેનામાં કોન્ટ્રાકટ આધાર પર રસોઈયા તરીકે કામ કરે છે.
One Aas Mohammad (21) arrested for harassing a minor girl after befriending her on Tiktok using an alias of Ashu Rana. Mohammad worked as a cook on contract basis in Indian army, cops say.
— Raj Shekhar Jha (@tweetsbyrsj) September 5, 2022
આસ મોહમ્મદે આશુ રાણાના નામથી આઈડી બનાવ્યું હતું અને સોશિયલ મીડિયા પર સગીર સાથે મિત્રતા કરી હતી. જે બાદ બંનેએ મોબાઈલ નંબરની પણ આપ-લે કરી હતી. જે બાદ તે બંને ચારથી પાંચ વખત મળ્યા પણ હતા. જોકે, છોકરીની માતાને આ બાબતની જાણ થતાં તેમણે આરોપી અંગે તપાસ કરતાં તેની સાચી ઓળખ અંગે જાણકારી મળી હતી. જે બાદ સગીરે તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું.
છોકરીએ વાત કરવાનું બંધ કરી દેતાં આસ મોહમ્મદે તેને હેરાન કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર જુદાં-જુદાં ફેક અકાઉન્ટ બનાવ્યાં હતાં અને તેના ફોટોગ્રાફ સાથે વલ્ગર મેસેજ પોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું. જે બાબતની જાણ પીડિતા અને તેના પરિવારને થતાં તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ લખાવી હતી.
પોલીસ ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું છે કે, આરોપી આસ મોહમ્મદે તેને હેરાન-પરેશાન કરી છે અને તેને બદનામ કરવાની કોશિશ પણ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, આરોપીએ ફેક અકાઉન્ટ બનાવીને પીડિતાને બદનામ કરવાનું શરૂ કરી દીધું હતું અને તેના મિત્રો અને શિક્ષકોનો સંપર્ક કરીને ફેક સોશિયલ મીડિયા પ્રોફાઈલ બનાવી હતી અને તેમની પાસેથી પૈસા પણ માંગ્યા હતા. કોઈ પૈસા ન આપે તો તેમને છોકરીનો ફોટો મોકલી અભદ્ર મેસેજ કરતો અને અપશબ્દો પણ કહેતો હતો.
પોલીસે આ મામલે આઈપીસીની કલમ 419 (કોઈ અન્ય વ્યક્તિનું રૂપ ધારણ કરી છેતરપિંડી કરવી), 500 (બદનક્ષી), 354-D (સ્ટોકિંગ), 509 (મહિલાનું અપમાન) તેમજ પોક્સો અને આઇટી એક્ટની કલમ હેઠળ કેસ દાખલ કર્યો છે. પોલીસે આ મામલે કાર્યવાહી કરી 3 સપ્ટેમ્બરના રોજ આરોપીની ધરપકડ કરી લીધી હતી.
ઉલ્લેખનીય છે કે આ થોડા દિવસો પહેલાં દિલ્હીમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં એક સગીર હિંદુ છોકરી ઉપર અમાનત અલી નામના ઈસમે ગોળીબાર કરી દીધો હતો. સગીરે તેની સાથે સોશિયલ મીડિયા પર વાત ન કરતાં તે ગુસ્સે ભરાયો હતો અને બે સાગરીતો સાથે મળીને તે શાળાએથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે ગોળી મારી દીધી હતી.