આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા અને બેફામ-અપમાનજનક નિવેદનો જાણે એકબીજાના પર્યાય બની ચૂક્યા છે. પહેલાં ગોપાલ ફેસબુક લાઈવના માધ્યમથી આવી ટિપ્પણીઓ કરતા હતા અને હવે એ જ કામ તેમણે જાહેરમંચ પરથી ચાલુ કર્યું છે. તાજેતરમાં જ તેમણે ભગવાન શ્રીકૃષ્ણને રાક્ષસો સાથે સરખાવ્યા હતા, જેના કારણે હિંદુ સંગઠનોએ વિરોધ પણ નોંધાવ્યો હતો અને હવે આ મામલે એક એફઆઈઆર પણ દાખલ થઇ છે.
હાલમાં જ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ (ફરી) ગુજરાત આવ્યા હતા. અહીં બે દિવસ દરમિયાન તેમણે દ્વારકા, રાજકોટ, સુરત જેવા શહેરોમાં કાર્યક્રમો કર્યા હતા. દરમિયાન, દ્વારકા ખાતે આયોજિત એક સભામાં સંબોધન કરતા ‘આપ’ના ગોપાલ ઇટાલિયાએ ભગવાન શ્રીકૃષ્ણ વિશે ઘસાતું બોલી નાંખ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “ભગવાન શ્રીકૃષ્ણ અને ભાજપના રાક્ષસોથી બચાવવા માટે કેજરીવાલ અર્જુન બનીને આવ્યા છે.”
આ સંબોધનના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ઇટાલિયાની ટીકા પણ ખૂબ થઇ હતી તો હિંદુ સંગઠનોએ કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી. આખરે ઇટાલિયા સામે ભાવનગરમાં હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ એક એફઆઈઆર દાખલ થઇ છે.
ગોપાલ ઇટાલિયા સામે ધાર્મિક ભાવનાઓ ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો હોય તેવો આ પ્રથમ કિસ્સો નથી. હિંદુવિરોધી નિવેદનો સાથે ગોપાલ ઇટાલિયાને જૂનો સબંધ રહ્યો છે. અગાઉ પણ તેઓ ઘણી વખત હિંદુ પરંપરાઓ વિરુદ્ધ કે કથાકારો વિરુદ્ધ અત્યંત વાંધાજનક ટિપ્પણીઓ કરી ચૂક્યા છે. જોકે, સોશિયલ મીડિયા પર ખૂબ વિરોધ થયા બાદ ઇટાલિયાએ આ બધું માંડી વાળ્યું અને હવે તો તેઓ મંદિરે ફરીને પોતાને હિંદુવાદી સાબિત કરવા માટે મથી રહ્યા છે. જોકે, પ્રજાની યાદશક્તિ બહુ મજબૂત હોય છે.
ગુજરાતમાં 2015ના અરસામાં અનામત આંદોલન શરૂ થયું ત્યારે હાર્દિક પટેલ સાથે ઘણા યુવાન ચહેરાઓ જાણીતા બની ગયા હતા અને સોશિયલ મીડિયા પર સારું ફેન-ફોલોઇંગ મેળવી લીધું હતું. ગોપાલ ઇટાલિયાને પણ આ આંદોલન જ ફળ્યું હતું. આમ આદમી પાર્ટીમાં આવ્યા તે પહેલાં તેઓ ફેસબુક પર ઘણા સક્રિય હતા અને નિયમિત લાઈવ કરીને રાજ્યની રાજકીય પરિસ્થિતિ અને સામાજિક મુદ્દાઓ પર ટિપ્પણી કરતા હતા.
એવા જ એક વિડીયોમાં ઇટાલિયાએ અગાઉ સત્સંગ, કથા વગેરેમાં ભાગ લેનારાઓને હિજડા કહ્યા હતા. તેઓ આ વિડીયોમાં સત્યનારાયણ કથા અને ભાગવત કથા વગેરેને બિનઉત્પાદક, બિનવૈજ્ઞાનિક અને ફાલતૂ પ્રવૃતિઓ ગણાવતાં કહે છે કે, ધાર્મિક પરંપરાઓના નામે અનુસરવામાં આવતી આવી ફાલતૂ પ્રવૃતિઓમાં લોકોના પૈસા અને સમય વેડફાય છે અને તેમને ખબર જ નથી કે તેમાંથી શું મળવાનું છે. છતાં હજારો લોકોના સમય અને પૈસા પણ બગાડે છે.
Scratch an AApiya & you’ll find a Hindu hater.
— Mr Sinha (@MrSinha_) June 24, 2021
AAP Gujarat President @Gopal_Italia saying those who attend Satnsang/Kathas/Bhajan programs are Hijdas… 🤡 pic.twitter.com/a2eX9AvD31
કથામાં હજારો વર્ષો જૂની કેસેટો વગાડવામાં આવતી હોવાનું કહીને ગોપાલ ઇટાલિયા ઉમેરે છે કે, આ ફાલતૂ પ્રવૃત્તિઓ પાછળ આપણા પાંચ પૈસા પણ બગડે તો આપણને જીવવાનો હક નથી. તેઓ આગળ ભગવાન રામ અને માતા સીતાનો પણ ઉલ્લેખ કરીને કહે છે કે, લાકડાના ભારાવાળા કઠિયારા કે રામસીતાના વનવાસ, આ બધી દિશામાં આપણે નથી જવાનું. સત્યનારાયણની કથામાં જઈને લીલાવતી અને કલાવતી વિશે જાણીને શું કરશું? એ તો કેસેટો વર્ષોથી ઘસાઈ ગઈ છે.”
ત્યારબાદ ગોપાલ ઇટાલિયા એ જ વિડીયોમાં કથા, પારાયણ અને સત્સંગમાં જતા લોકોને લઈને કહે છે કે, તેઓ ત્યાં જઈને હિજડાની જેમ તાળીઓ પાડે છે. તેઓ કહે છે કે આવા લોકોની કોઈ જરૂર નથી. એટલું જ નહીં, સાધુઓ અને કથાકારો વિશે પણ ટિપ્પણી કરીને કહે છે કે, કોઈ બાવ-બાવી કે સાધુ બકવાસ કરે છે અને આપણે તાળીઓ પાડીએ છીએ અને શરમ પણ નથી આવતી.
આ સિવાય, અન્ય એક વિડીયોમાં પણ તેમણે કથાકારોનું અપમાન કરીને કહ્યું હતું કે, જ્યાં જુઓ ત્યાં કથા, ધૂન, વાર્તા-પારાયણો અને ભૂવા-ડાકલાના બેનરો લાગ્યાં છે અને તેઓ ફાટીને ધૂમાડે ગયા છે. ઇટાલિયાએ કથાકારોને સ્પોન્સર કરીને લવારબાજી કરતા હોવાનું કહીને કહ્યું હતું કે લોકોને ત્યાં જઈને કશું જ મળવાનું નથી.
This is an old video of AAP Gujarat President Gopal Italiya.
— Vijay Patel🇮🇳 (@vijaygajera) June 23, 2021
I don’t know why AAP is against H!ndus always?
What is the problem they have with
H!ndus?pic.twitter.com/mcV4d7YfoP
વિડીયો જ નહીં, આ હિંદુવિરોધી ટિપ્પણીઓ, છીછરી મજાક અને કથાકારો-સાધુઓ વગેરેનું અપમાન કર્યું હોય તેવી ગોપાલ ઇટાલિયાની અનેક ફેસબુક પોસ્ટ મળી જશે. એવી જ એક પોસ્ટમાં તેમણે કર્મકાંડને ‘ધતિંગ’ ગણાવ્યાં હતાં તો હવન અને મંત્રોની પણ મજાક ઉડાડી હતી.
મકરસક્રાંતિના દિવસે દાન આપવાની હિંદુ ધર્મમાં પરંપરા છે. ઇટાલિયા આ પરંપરાની પણ મજાક ઉડાડી ચૂક્યા છે. તેમણે એક પોસ્ટ કરીને મકરસક્રાંતિના દિવસને ‘માગણસંક્રાંતિ’ ગણાવ્યો હતો. એટલું જ નહીં, તેમણે ગૌરક્ષકો વિશે ટિપ્પણી કરીને તેમને ‘ગૌરાક્ષસો’ ગણાવ્યા હતા.
આ માત્ર થોડાં ઉદાહરણો છે. ગોપાલ ઇટાલિયાએ કથાકારો, હિંદુ પરંપરાઓ, માન્યતાઓ ઉપર પ્રહારમાં કશું જ બાકી રાખ્યું ન હતું.
ગોપાલ ઈટાલિયા આ બાબતો પર ટિપ્પણી કરીને લોકોને પોતાના હકો અને અધિકારો માટે લડવાનું કહેતા હતા. પરંતુ તમારે તમારા હકો મેળવવા માટે લડવું પડે એમાં વચ્ચે ક્યાંય પરંપરાઓ કે ધર્મ આવતો નથી. પરંપરાઓને વળગી રહીને પણ હકોની લડાઈ લડી જ શકાય તેમ છે. તેમ છતાં પરંપરાઓનો વિરોધ કે ટીકા કરવા જ હોય તો પણ ભાષા અને અભિવ્યક્તિ એ પ્રકારનાં હોવા જોઈએ. ગોપાલ ઇટાલિયાની ભાષા અને અભિવ્યક્તિનું સ્તર તદ્દન નીચું અને હલકું હતું. એ જ કારણ છે કે તેમનો વિરોધ પણ બહુ થયો.
શરૂઆતમાં બે-પાંચ હજાર ફોલોઅર્સ વચ્ચે આ પ્રકારનું લખીને વાહવાહી મળતી હતી એટલે ઇટાલિયાને પણ આવું લખવાનું વધુ જોર ચડતું હતું. પરંતુ સક્રિય રાજકારણમાં ડગ માંડ્યા પછી તેમને પણ સમજાયું હશે કે ગુજરાતમાં રહીને ચૂંટણી જીતવી તો દૂરની વાત પરંતુ જો લડવી પણ હોય અને ડિપોઝીટ પણ બચાવવી હોય તો આ પ્રકારે હિંદુઓને બદનામ કરવા, પરંપરાઓ વિશે ઘસાતું બોલવું પોસાય નહીં. એટલે તેમણે બિલકુલ માંડી વાળ્યું હતું અને ‘ક્રાંતિકારી’ વિચારો મૂકી દીધા હતા. એટલું જ નહીં, હવે તો તેઓ પોતે હિંદુવાદી છે તેમ સાબિત કરવા માટે મંદિરોમાં પણ ફરતા થઇ ગયા છે અને કથામાં પણ જાય છે અને ગણેશ મંડપમાં જઈને આરતી પણ બોલે છે.
(પૂરક માહિતી સાભાર: મહેશ પુરોહિત)