હોમપેજગુજરાતAAPના કાર્યકરોને 'સામાન્ય માણસો' તરીકે રજૂ કર્યા, હેડલાઇનમાં લખ્યું– 'જનતા આ વખતે ભાજપનો...

AAPના કાર્યકરોને ‘સામાન્ય માણસો’ તરીકે રજૂ કર્યા, હેડલાઇનમાં લખ્યું– ‘જનતા આ વખતે ભાજપનો ખેલ પાડી દેશે’: યુટ્યુબ ચેનલ ‘નિર્ભય ન્યૂઝ’નું કારસ્તાન

આ બંને થ્રેડમાં આપેલા સ્ક્રીનશોટ્સ અને સાઇડ-બાય-સાઇડ ફોટા સાથેની તુલનાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે કેવી રીતે એ જ શખ્સોને વારંવાર અલગ-અલગ કપડાંમાં ‘સામાન્ય ગુજરાતી’ તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારો, તેમના પતિ અને કાર્યકર્તાઓને ભાજપ વિરુદ્ધ બોલવા માટે કેમેરા અને પ્લેટફોર્મ આપવામાં આવ્યા છે.

- Advertisement -

2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતના રાજકારણમાં પ્રવેશ કર્યો ત્યારથી અમુક યુટ્યુબ ચેનલો સતત AAPના સમાચારો હાઈલાઈટ કરવામાં લાગેલી રહે છે. આમ આદમી પાર્ટીના નેતાઓના એજન્ડા કઈ રીતે આગળ વધે, તેમના સમાચારો કઈ રીતે પહોંચે એ માટે સતત પ્રયાસો ચાલતા રહેતા હોય છે. હવે આમાંની અમુક ચેનલો ચલાવતા સ્વઘોષિત પત્રકારો સ્ક્રિપ્ટેડ ઇન્ટરવ્યુ લેવા માંડ્યા છે, જેથી ચિત્ર એવું રજૂ કરી શકાય કે આમ આદમી પાર્ટી જમીન પર મજબૂત છે. પરંતુ આના માટે સામાન્ય માણસો મળી રહ્યા નથી એટલે આમ આદમી પાર્ટીના જ માણસોને એકઠા કરીને તેમને સામાન્ય જનતામાં ખપાવીને સનસનીખેજ હેડલાઈનો સાથે વિડીયો રિપોર્ટ ફરતા કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં આજતકનાં પૂર્વ રિપોર્ટર અને હાલ ‘નિર્ભય ન્યુઝ’ ચલાવતાં ગોપી ઘાંઘરનું આવું કારસ્તાન પકડાયું છે.

જાણીતા ફેક્ટચેકર અને એક્ટિવિસ્ટ વિજય ગજેરા ઉર્ફે વિજય પટેલે હમણાં X પર વિગતવાર આ બાબતનો ભાંડો ફોડ્યો છે. તેમણે થ્રેડમાં પુરાવા સહિત સમજાવ્યું કે સ્ક્રિપ્ટ ઇન્ટરવ્યુ દ્વારા ભાજપવિરોધી માહોલ બનાવવાનો અને AAP તરફી વાતાવરણ સર્જવાનો આ સમગ્ર ખેલ કઈ રીતે ચાલતો હતો. વિજય પટેલે કહ્યું કે આ માત્ર ચૂંટણીને પ્રભાવિત કરવાનો જ નહીં પરંતુ ગુજરાતની જનતાને ગુમરાહ કરવાનો પણ સ્પષ્ટ પ્રયાસ છે.

અહીંથી આગળની માહિતી વિજય ગજેરાએ પોસ્ટ કરેલા થ્રેડના આધારે.

- Advertisement -

માત્ર બે દિવસ પહેલાં જ ગોપી ઘાંઘરની નિર્ભય ન્યુઝ ચેનલે બે યુટ્યુબ શોર્ટ્સ અપલોડ કર્યા હતા. આ શોર્ટ્સમાં ટાઇટલ આપવામાં આવ્યું હતું કે, ‘જનતા ભાજપના નેતાઓને પીટવા માંગે છે.’ પરંતુ જ્યારે ગજેરાએ તપાસ શરૂ કરી ત્યારે જાણવા મળ્યું કે આ ‘સામાન્ય લોકો’ નહીં, પરંતુ આમ આદમી પાર્ટીના (AAP) નેતાઓ અને કાર્યકર્તાઓ છે.

વિજય ગજેરાએ યુટ્યુબ પર એક પૂર્ણ વિડીયો પણ શોધી કાઢ્યો હતો. આ વિડીયોમાં નિર્ભય ન્યુઝે દર્શાવ્યું હતું કે અમદાવાદના નિકોલ વિસ્તારના લોકો ભાજપ વિરુદ્ધ બોલી રહ્યા છે. પરંતુ વાસ્તવમાં જે બોલી રહી હતી તે બંને મહિલાઓ નિકોલ સીટ પરથી આમ આદમી પાર્ટીની ઉમેદવાર છે.

ગોપી ઘાંઘરની ચેનલને ‘સામાન્ય વ્યક્તિ’ તરીકે ઇન્ટરવ્યુ આપનાર શખ્સ વાસ્તવમાં આમ આદમી પાર્ટીની એક મહિલા ઉમેદવારનો પતિ અને નિકોલનો આમ આદમી પાર્ટીનો નેતા છે. આ એક સંયોગ નથી. એક વધુ AAP નેતા પણ ત્યાં જોવા મળ્યો અને તે AAP નેતાઓ સાથે જે ટી-શર્ટ પહેરીને ફોટો પડાવી રહ્યો હતો, તે જ ટી-શર્ટ પહેરીને ઇન્ટરવ્યુમાં પહોંચી ગયો હતો. 

આ લોકો સામાન્ય નાગરિકો નહોતા, પરંતુ આમ આદમી પાર્ટીની (AAP) નિકોલની સમગ્ર ટીમ હતી. આ સંપૂર્ણપણે સ્ક્રિપ્ટેડ ઇન્ટરવ્યુ હતું જે ગુજરાતની જનતાને મૂર્ખ બનાવવા અને ગુમરાહ કરવા માટે તૈયાર કરવામાં આવ્યું હતું.

વિજય ગજેરાએ ગુજરાતી પત્રકારોને સીધો સવાલ પૂછ્યો છે કે શું આ પત્રકારત્વમાં સ્વીકાર્ય છે? આગળ કહ્યું કે આ સ્પષ્ટપણે ચૂંટણીને પ્રભાવિત કરવાનો અને ગુજરાતની જનતાને ભ્રમિત કરવાનો પ્રયાસ છે. આવા પૈસા લઈને ચલાવવામાં આવતા પ્રોપગેન્ડા માટે કાનૂની કાર્યવાહી પણ થવી જોઈએ.

માણાવદરને લઈને પણ નિર્ભય ન્યુઝમાં સ્ક્રિપ્ટેડ ઇન્ટરવ્યુ

આગળ તપાસ કરતાં જાણવા મળ્યું કે આવા ખેલ બીજે પણ કરવામાં આવ્યા હતા. જૂનાગઢના માણાવદરનો એક વિડીયો ‘નિર્ભય ન્યુઝ’ પર પ્રકાશિત થયો હતો. અહીં પણ આમ આદમી પાર્ટીના માણસોને જ સામાન્ય માણસો તરીકે રજૂ કરવામાં આવ્યા.

તાજેતરમાં નિર્ભય ન્યુઝે એક વિડીયો અપલોડ કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગુજરાતના માણાવદરના સામાન્ય લોકો ભાજપ વિરુદ્ધ છે. પરંતુ વાસ્તવિકતા તદ્દન વિરુદ્ધ છે. વિજય ગજેરાએ સ્ક્રીનશોટ્સ સાથે સાબિત કર્યું છે કે આ વિડીયોમાં જે લોકો ભાજપ વિરુદ્ધ બોલી રહ્યા છે, તેઓ સામાન્ય નાગરિકો નથી, પરંતુ AAP IT Cellના સક્રિય સભ્યો અને કાર્યકર્તાઓ છે.

વિજય ગજેરાએ વિગતે જણાવ્યું કે વિડીયોમાં પહેલી વ્યક્તિ જે ભાજપ વિરુદ્ધ બોલે છે તે AAP મેમ્બર છે. બીજી વ્યક્તિની પણ તપાસ કરતા તે AAP વોલન્ટિયર જ નીકળી. આગળ વધતાં તેમણે કહ્યું કે વિડીયોમાં દરેક વ્યક્તિ આમ આદમી પાર્ટીની જ છે. બધા AAP IT Cellના લોકો છે. વિજય ગજેરાએ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે, “AAP અને ગોપી ઘાંઘરની નિર્ભય ન્યુઝને લાગે છે કે તેઓ આવા સ્ક્રિપ્ટેડ ઇન્ટરવ્યુઓ દ્વારા ગુજરાતીઓને બેવકૂફ બનાવી શકશે, પરંતુ તેઓ ભૂલી જાય છે કે અમે અહીં છીએ તેમના પ્રોપગેન્ડાને એક્સપોઝ કરવા માટે.”

વિજય ગજેરાના આ ઘટસ્ફોટથી એક વાત સ્પષ્ટ થાય છે કે નિર્ભય ન્યુઝ અને ગોપી ઘાંઘર સિસ્ટમેટિક રીતે AAPના પ્રોપગેન્ડા માટે કામ કરી રહ્યા છે. તેઓ ચૂંટણીને પ્રભાવિત કરવા માટે સ્ક્રિપ્ટેડ વિડીયો બનાવીને ભાજપ વિરુદ્ધ નકારાત્મક માહોલ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આમ તો ચેનલનું કન્ટેન્ટ જોઈને પણ ઘણોખરો ખ્યાલ આવી જાય એમ છે કે તેનો ઝુકાવ કઈ તરફ છે, પરંતુ હવે પુરાવાઓ સાથે વિગતો સામે આવી રહી છે..

વિજય ગજેરાના આ આ બંને થ્રેડમાં આપેલા સ્ક્રીનશોટ્સ અને સાઇડ-બાય-સાઇડ ફોટા સાથેની તુલનાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે કેવી રીતે એ જ શખ્સોને વારંવાર અલગ-અલગ કપડાંમાં ‘સામાન્ય ગુજરાતી’ તરીકે રજૂ કરવામાં આવી રહ્યા હતા. આમ આદમી પાર્ટીના ઉમેદવારો, તેમના પતિ અને કાર્યકર્તાઓને ભાજપ વિરુદ્ધ બોલવા માટે કેમેરા અને પ્લેટફોર્મ આપવામાં આવ્યાં અને એવું દર્શાવવામાં આવ્યું કે આ સામાન્ય માણસોનો અવાજ છે. પરંતુ હકીકત શું હતી એ સામે આવી ગઈ.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં