
દિલ્હીના ઉત્તમ નગર વિસ્તારમાં હોળીના તહેવાર દરમિયાન સામાન્ય ફુગ્ગાનું પાણી ઉડવાની બાબતમાં તરુણ નામના હિંદુ યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે CCTV સહિત તપાસ કરી નિઝામુદ્દીન નામક વ્યક્તિ સહિત 8ની ધરપકડ કરી હતી. હવે આ નિઝામુદ્દીનનાં મકાન પર બુલડોઝર ફરી વળ્યું છે.
નોંધનીય છે કે હોળી દરમિયાન તરુણની હત્યાના મામલે દિલ્હી પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોને આધારે પોલીસે નિઝામુદ્દીન નામના વ્યક્તિની મુખ્ય આરોપી તરીકે ઓળખ કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે નિઝામુદ્દીન અને તેના સાથીઓએ તરુણ પર જીવલેણ હુમલો કર્યો હતો, જેના પરિણામે તેનું મોત થયું હતું.
હત્યાના મામલે પોલીસ કાર્યવાહીની સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશન ઑફ દિલ્હી (MCD) પણ એક્શનમાં આવ્યું હતું. રવિવારે સવારે MCDની ટીમ પોલીસના મોટા કાફલા સાથે ઉત્તમ નગર પહોંચી હતી. મુખ્ય આરોપી નિઝામુદ્દીનનાં મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર આરોપીનું આ મકાન ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યું હતું અને સરકારી જમીન પર અતિક્રમણ કરવામાં આવ્યું હતું.
ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે MCDના બુલડોઝરે આરોપીના મકાનનો મોટો ભાગ તોડી પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સેંકડો પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા હતા. બુલડોઝર એક્શન સમયે ઉત્તમ નગરના પ્રભાવિત વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસે હાલમાં વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે સતત પેટ્રોલિંગ ચાલુ રાખ્યું છે.

