અમદાવાદની કચેરીમાં હિંદુ યુવતી-મુસ્લિમ યુવક વકીલના વેશમાં લગ્ન નોંધણી કરાવવા પહોંચતાં હોબાળો, હિંદુ સંગઠનોની કાર્યવાહીની માંગ

અમદાવાદમાં જિલ્લા રજિસ્ટ્રાર અને લગ્ન નોંધણી કચેરી ખાતે એક હિંદુ યુવતી અને મુસ્લિમ યુવક વકીલના વેશમાં લગ્નની નોંધણી કરાવવા પહોંચતાં હોબાળો મચી ગયો હતો. હિંદુ સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકરો સ્થળ પર પહોંચી ગયા હતા, બીજી તરફ યુવતીના પરિજનોએ પણ આ મામલે કાર્યવાહીની માંગણી કરી છે.

ઘટના મંગળવારની (3 માર્ચ) છે. અમદાવાદ મેટ્રો કોર્ટના પરિસરમાં સ્થિત કચેરીએ ગાંધીનગરના કારોલીની હિંદુ યુવતી અને કઠવાડાનો મુસ્લિમ યુવક લગ્ન નોંધણી માટે પહોંચ્યાં હતાં. પરંતુ બંને વકીલના ડ્રેસમાં આવ્યાં હોવાનો આરોપ છે.

પરિસરમાં હાજર વકીલોએ તેમને જોતાં વિરોધ નોંધાવ્યો અને સ્થાનિક પોલીસ મથકે પણ જાણ કરી હતી. ત્યારબાદ હિંદુ સંગઠનો પણ પહોંચ્યાં હતાં.

સંગઠનોનો આરોપ છે કે મેરેજ રજિસ્ટ્રાર પોતે મુસ્લિમ હોવાથી પક્ષપાતી વલણ દાખવે છે અને બંધબારણે આ રીતે લગ્નની નોંધણી કરાવી દે છે. વકીલોએ એવો પણ આરોપ લગાવ્યો કે કચેરી 11 વાગ્યે શરૂ થાય છે પણ યુવક મુસ્લિમ હોવાથી વિરોધના ડરે બંનેને વકીલના ડ્રેસમાં સાડા નવ વાગ્યે જ પહોંચાડી દેવામાં આવ્યાં હતાં.

દિવ્ય ભાસ્કરના રિપોર્ટ અનુસાર, યુવતીના કાકાએ જણાવ્યું હતું કે તેમની દીકરીને થોડા દિવસ પહેલાં ભગાડી લઈ જવામાં આવી હતી. તેની ઉપર મુસ્લિમ યુવકે દબાણ કર્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, ઉપરાંત પોલીસ મથકે અરજી પણ આપવામાં આવી છે. તેમણે દીકરી પરત સોંપવામાં આવે તેવી માંગ કરી છે.