ISROએ સર્જ્યો વધુ એક વિક્રમ, અમેરિકન સેટેલાઇટ ‘બ્લુબર્ડ બ્લૉક-2’નું સફળ લૉન્ચિંગ કર્યું

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને (ISRO) આજે ફરી એકવાર વૈશ્વિક સ્તરે ભારતનો ડંકો વગાડ્યો છે. ઈસરોના સૌથી શક્તિશાળી રોકેટ LVM3-M6એ અમેરિકાના કમ્યુનિકેશન સેટેલાઈટ ‘બ્લુબર્ડ બ્લોક-2’ને તેની નિર્ધારિત ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે.

આ મિશનમાં રોકેટે આશરે 6,100 કિલોગ્રામ વજન ધરાવતા સેટેલાઈટને અંતરિક્ષમાં મોકલ્યો છે, જે LVM3 રોકેટ દ્વારા અત્યાર સુધીનો સૌથી વધુ પેલોડ છે. આ બ્લુબર્ડ સેટેલાઈટ દુનિયાનો એવો પ્રથમ સેટેલાઈટ છે જે સીધો તમારા સ્માર્ટફોન પર હાઈ-સ્પીડ બ્રોડબેન્ડ ઈન્ટરનેટ પહોંચાડશે. આ માટે કોઈ સ્પેશિયલ ટાવર કે એન્ટેનાની જરૂર નહીં પડે.

આ સેટેલાઈટમાં 223 ચોરસ મીટરનું વિશાળ એન્ટેના છે, જે લો-અર્થ ઓર્બિટમાં (LEO) અત્યાર સુધીનું સૌથી મોટું કોમર્શિયલ એન્ટેના માનવામાં આવે છે. અમેરિકાની કંપની ‘AST સ્પેસમોબાઈલ’ દ્વારા નિર્મિત આ સેટેલાઈટ 4G અને 5G વોઈસ, વિડીયો અને ડેટા સર્વિસ સીધી મોબાઈલ પર આપશે.

તે દુનિયાના એવા અંતરિયાળ વિસ્તારોમાં પણ નેટવર્ક પહોંચાડશે જ્યાં ટાવર લગાવવા મુશ્કેલ છે. આ એક સંપૂર્ણ કોમર્શિયલ મિશન હતું, જે ISROની વ્યવસાયિક શાખા NSIL (ન્યુસ્પેસ ઇન્ડિયા લિમિટેડ) દ્વારા પાર પાડવામાં આવ્યું છે. આ જ LVM3 રોકેટ ભવિષ્યમાં ભારતના પ્રથમ માનવ મિશન ‘ગગનયાન’ માટે ઉપયોગમાં લેવાશે. તેની આ સતત સફળતા ભારતીય અવકાશયાત્રીઓની સુરક્ષા માટે ખૂબ જ સકારાત્મક સંકેત છે.