દિલ્હીના ઉપરાજ્યપાલે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા મોકલવામાં આવેલ 47 જેટલી ફાઈલો પરત મોકલી દીધી છે. તેનું કારણ એ જણાવવામાં આવ્યું છે કે આ ફાઈલો ઉપર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જગ્યાએ મુખ્યમંત્રી કાર્યાલયના કર્મચારીઓએ હસ્તાક્ષર કર્યા હતા.
Delhi LG Secretariat has returned 47 files, not signed by CM. These files, signed by the staff of the CMO, include those related to Education Department and Waqf Board amongst others.
— ANI (@ANI) August 27, 2022
ઉપરાજ્યપાલે પરત કરેલી ફાઈલોમાં દિલ્હીના શિક્ષણ વિભાગ તેમજ વક્ફ બોર્ડને લગતી ફાઈલો સામેલ હતી. એક સપ્તાહ પહેલાં દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ મુખ્યમંત્રી કેજરીવાલને પત્ર લખીને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી મંજૂરી અને અભિપ્રાય માટે આવતી ફાઈલ તેમના હસ્તાક્ષર વગર જ મોકલવામાં આવતી હોવા અંગે ધ્યાન દોર્યું હતું. જોકે, તેમ છતાં પણ સુધારો કરવામાં ન આવતાં ઉપરાજ્યપાલે ફાઈલ પરત કરી દીધી હતી.
રિપોર્ટ અનુસાર, ઉપરાજ્યપાલે મુખ્યમંત્રીને પત્ર લખીને વ્યવસ્થિત શાસન ચાલી શકે તે માટે દરેક ફાઈલ ઉપર હસ્તાક્ષર કરીને મોકલવા માટે સૂચન કર્યું હતું. ઉપરાંત, તેમણે મુખ્યમંત્રીને મોટાભાગની સરકારી કચેરીઓમાં પ્રચલિત ઈ-ઓફિસ સિસ્ટમ પણ લાગુ કરવાની સલાહ આપી હતી, જેથી કાર્યાલયોમાં ફાઈલો મોકલવામાં સરળતા રહે.
ઉપરાજ્યપાલે સીએમ કેજરીવાલને લખેલા પત્રમાં કહ્યું હતું કે, “છેલ્લા થોડા મહિનાઓથી ધ્યાનમાં આવ્યું છે કે નિયમિત પ્રક્રિયાના ભાગરૂપે મારા અભિપ્રાય કે મંજૂરી માટે મોકલવામાં આવતી ફાઈલો ઉપર તમારા હસ્તાક્ષર હોતા નથી અને તેને સ્થાને જુનિયર સેક્રેટરી કે એડિશનલ સેક્રેટરી દ્વારા માત્ર ‘મુખ્યમંત્રીએ અનુમતિ આપી દીધી છે’ તેવી નોંધ લખીને મોકલી દે છે. તેમજ આ પાછળનાં કારણો પણ જણાવવામાં આવ્યાં નથી.” ઉપરાજ્યપાલે સુદ્રઢ અને વ્યવસ્થિત શાસન ચાલતું રહે તે માટે મુખ્યમંત્રીને દરેક ફાઈલ પર હસ્તાક્ષર કરીને મોકલવા માટે કહ્યું હતું.
જોકે, તેમ છતાં અરવિંદ કેજરીવાલના કાર્યાલયે ઉપરાજ્યપાલ પાસે મુખ્યમંત્રીના હસ્તાક્ષર વગર ફાઈલો મોકલવાનું ચાલુ જ રાખ્યું છે. ઉપરાજ્યપાલ ભવન દ્વારા જણાવવામાં આવ્યું કે, કેજરીવાલનું આ વર્તન ભૂતકાળના મુખ્યમંત્રીઓ કરતાં તદ્દન વિપરીત છે. કારણ કે 2013 સુધી મુખ્યમંત્રીઓ દરેક ફાઈલ પર હસ્તાક્ષર કરતા હતા.
રિપોર્ટ અનુસાર, સરકારમાં કોઈ વિભાગની કોઈ ફાઈલ સીધી ઉપરાજ્યપાલ પાસે મોકલવામાં આવી શકતી નથી. દિલ્હીમાં સીએમ કેબિનેટના અધ્યક્ષ છે, જેથી વિભાગો કે સરકારની કોઈ પણ યોજના કે નિર્ણય અંતિમ મંજૂરી માટે કેબિનેટ પાસે જાય છે અને પછી ફાઈલ એલજી પાસે મોકલવામાં આવે છે, કારણ કે તેઓ શીર્ષસ્થ અધિકારી છે. જેથી, મુખ્યમંત્રી કાર્યાલય મારફતે ઉપરાજ્યપાલ પાસે પહોંચતી ફાઈલ પર મુખ્યમંત્રીના હસ્તાક્ષર હોય તે ખૂબ જરૂરી છે. અન્ય રાજ્યોમાં મુખ્યમંત્રી જ સરકારના વડા હોય છે, જેથી ફાઈલો એલજી પાસે મોકલવામાં આવતી નથી.