ઝારખંડમાં એક તરફ મુખ્યમંત્રી હેમંત સોરેન પર સદસ્યતા સમાપ્ત થવાનું જોખમ તોળાઈ રહ્યું છે ત્યાં હવે રાજ્યમાં રિસોર્ટ પોલિટિક્સની એન્ટ્રી છે. આજે બપોરે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના નિવાસસ્થાનેથી ઝારખંડના કોંગ્રેસ અને જેએમએમના ધારાસભ્યોને લઈને બે બસ રવાના થઇ હતી. આ ધારાસભ્યો એક રિસોર્ટમાં શિફ્ટ થઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
રિપોર્ટ અનુસાર, કોંગ્રેસના અને જેએમએમના ધારાસભ્યો ઝારખંડના ખૂંટી જિલ્લામાં એક રિસોર્ટમાં જઈ રહ્યા છે. આજે સવારે તમામ ધારાસભ્યો બિસ્તર લઈને મુખ્યમંત્રી હેમંત સોરેનના નિવાસસ્થાને મળ્યા હતા, જે બાદ બસ અને ગાડીઓમાં ધારાસભ્યોને ખૂંટી રવાના કરવામાં આવ્યા હતા. ધારાસભ્યો સાથે મુખ્યમંત્રી હેમંત સોરેન પણ જઈ રહ્યા છે.
Two buses, carrying Jharkhand MLAs, left from CM Hemant Soren’s residence earlier this afternoon after a meeting of the UPA legislators.
— ANI (@ANI) August 27, 2022
Pics from inside the buses. pic.twitter.com/nGodgPV7FY
જેએમએમ, આરજેડી અને કોંગ્રેસના કુલ 44 ધારાસભ્યો ત્રણ વોલ્વો બસમાં બેસીને રવાના થયા છે. તેમની સાથે કાફલામાં પોલીસના વાહનો પણ છે. જોકે, સરકારે કહ્યું છે કે આ ધારાસભ્યો પિકનિક મનાવવા માટે જઈ રહ્યા છે. ઝારખંડના મંત્રીએ કહ્યું કે, ધારાસભ્યો નજીકના ખૂંટી જિલ્લામાં આવેલ રિસોર્ટમાં પિકનિક મનાવવા માટે જઈ રહ્યા છે. અન્ય એક મંત્રીએ કહ્યું કે, ધારાસભ્યો ઉજાણી માટે જઈ રહ્યા છે અને સાંજ સુધીમાં પરત ફરશે. જોકે, મીડિયામાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આ ધારાસભ્યોને પાડોશી રાજ્યો છત્તીસગઢ કે પશ્ચિમ બંગાળ મોકલવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે ખાણ લીઝ મામલે મુખ્યમંત્રી હેમંત સોરેન સામે આરોપો લાગ્યા બાદ હવે તેમની વિધાનસભાની સદસ્યતા જવાનું જોખમ છે. જો ધારાસભ્ય પદેથી બરખાસ્ત થાય તો તેમણે મુખ્યમંત્રી પદેથી પણ રાજીનામું આપવું પડશે. ચૂંટણી પંચે ઝારખંડના રાજ્યપાલ સમક્ષ હેમંત સોરેનની સદસ્યતા સમાપ્ત કરવાની ભલામણ કરી છે. હવે રાજભવન આગળ શું પગલું લેશે તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે.
અહેવાલો અનુસાર, ઝારખંડના રાજ્યપાલ આજે ચૂંટણી પંચને રિપોર્ટ સોંપી મુખ્યમંત્રી હેમંત સોરેનની સદસ્યતા સમાપ્ત કરવા અંગે જાણ કરી શકે છે.
રાજકીય અસ્થિરતા વચ્ચે ઝારખંડમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને સતત બેઠકોનો દોર ચાલુ જ રહ્યો છે અને મહાગઠબંધનના ધારાસભ્યો મળીને આગળ શું કરવું તેની રણનીતિ ઘડી રહ્યા છે. જોકે, આજે સવારે બેઠકમાં આવતાં પહેલાં તમામ ધારાસભ્યોને સામાન પણ લાવવા માટે કહેવામાં આવ્યું હતું. જે બાદ તમામ રવાના થયા હતા.
81 સભ્યોની ઝારખંડ વિધાનસભામાં હેમંત સોરેનની પાર્ટી પાસે 30 ધારાસભ્યો છે. ઉપરાંત કોંગ્રેસના 18, આરજેડી, સીપીએમ અને એનસીપીના એક-એક એમ મળીને સરકારમાં કુલ 51 ધારાસભ્યોનું સમર્થન છે. વિપક્ષમાં ભાજપના 26, સહયોગી પાર્ટી ઓલ ઝારખંડ સ્ટૂડન્ટ યુનિયનના 2 અને અન્ય બે ધારાસભ્યોનું સમર્થન છે. ઝારખંડમાં સરકાર બનાવવા માટે 41 ધારાસભ્યોની જરૂર પડે છે. પોતાની સરકાર તૂટતી બચાવવા હવે સરકારે ધારાસભ્યોને બસમાં અજ્ઞાત સ્થળે મોકલી આપતાં ફરી રાજકારણમાં રિસોર્ટ પોલિટિક્સની એન્ટ્રી થઇ છે.