Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમેરિકામાં ભારતીય મહિલાઓને કડવો અનુભવ: ગાળાગાળી અને મારામારી કરી, હથિયારો બતાવીને ધમકાવ્યાં

    અમેરિકામાં ભારતીય મહિલાઓને કડવો અનુભવ: ગાળાગાળી અને મારામારી કરી, હથિયારો બતાવીને ધમકાવ્યાં

    ભારતીય મહિલાઓને અમેરિકી મહિલાએ 'આઈ હેટ ઇન્ડિયન્સ' કહીને ધમકી આપી હતી અને અપશબ્દો કહ્યા હતા, જે બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.

    - Advertisement -

    અમેરિકામાં ભારતીય મહિલાઓ સાથે મારામારી અને ગાળાગાળી કરી હુમલો કરવાનો બનાવ સામે આવ્યો છે. જ્યાં ભોજન માટે એક હોટેલમાં આવેલી ચાર ભારતીય-અમેરિકી મહિલાઓ ઉપર મેક્સિકન-અમેરિકન મહિલાએ જાતીય ટિપ્પણી કરીને મારપીટ કરી હતી. ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ પોલીસે આ મામલે કાર્યવાહી કરી હતી. 

    આ ઘટના બુધવાર (24 ઓગસ્ટ 2022)ની છે. ઘટના અમેરિકાના ડેલ્લાસની હોવાનું કહેવાય છે. જ્યાં ભારતીય અને અમેરિકન મહિલાઓ ડિનર માટે ગયાં હતાં, જ્યાં તેમને એકબીજા સાથે ભારતીય ઉચ્ચારમાં વાતચીત કરતાં જોઈને એક અમેરિકી મહિલા આવીને કારણ વગર ગાળાગાળી કરવા માંડી હતી અને એક ભારતીય મહિલા પર હાથ પણ ઉઠાવ્યો હતો. આ ઘટનાનો વિડીયો કોઈકે ઉતારી લીધો હતો અને વાયરલ કરી દીધો હતો. 

    વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે મેક્સિકન-અમેરિકન મહિલા ભારતીય મહિલાઓ સાથે ગાળાગાળી કરી રહી છે અને તેમને ભારત પરત જવા માટે કહી રહી છે. આરોપી મહિલાએ એક ભારતીય મહિલાને તમાચો પણ મારી દીધો હતો તો ‘આઈ હેટ યૂ ઇન્ડિયન્સ, ગો બેક’ના નારા પણ લગાવ્યાં હતાં. 

    - Advertisement -

    આરોપી મહિલા બૂમો પાડતાં કહે છે કે, હું મેક્સિકન-અમેરિકન છું. હું અહીં જન્મી છું, પણ જ્યાં પણ જાઉં છું ત્યાં દરેક જગ્યાએ તમે ભારતીય જ જોવા મળો છો. ભારતમાં સારી જિંદગી હોય તો તમે અહીં શા માટે આવો છો? તમને સારું જીવન જોઈતું હતું તો તમે અહીં આવી ગયા. જે બાદ તે ‘આઈ હેટ યૂ ઇન્ડિયન્સ, ગો બેક’ કહીને મહિલાઓને અપશબ્દો કહેતી સંભળાય છે અને પછી મારપીટ કરવા માંડે છે. તેણે ગોળી મારવાની પણ ધમકી આપી હતી. 

    આ વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને એક યુઝરે લખ્યું કે, “આ ઘટના ડેલ્લાસની છે. જ્યાં મારી માતા અને તેનાં મિત્રો ડિનર માટે ગયાં હતાં. યુઝરે જણાવ્યું કે, તેઓ પાર્કિંગ તરફ પરત ફરી રહ્યાં હતાં, ત્યારે કોઈ મેક્સિકન-અમેરિકન મહિલા આવી ગઈ અને તમામ વિરુદ્ધ જાતીય ટિપ્પણી કરવા માંડી હતી. જોકે, ભારતીય મહિલાઓ તેને આમ વર્તન ન કરવા માટે કહેતી રહી પરંતુ તેણે ચાલુ જ રાખ્યું હતું. 

    આ વિડીયો સોશિયલ મીડિયા પર ફરતો થયા બાદ ટેક્સાસ પોલીસે આરોપી મહિલા એસ્મેરાલ્ડા ઓપ્ટ્નની ગુરુવારે (25 ઓગસ્ટ 2022) ધરપકડ કરી લીધી હતી. તેની સામે જાતીય હુમલા અને આતંકવાદી હુમલાની ધમકી આપવાની કલમો લગાડવામાં આવી છે. આ ઉપરાંત, તેને 10 હજાર અમેરિકન ડોલરનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. 

    સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા બાદ અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયે આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી, ઉપરાંત એશિયન મૂળની અમેરિકન નેતા રીમા રસૂલે પણ ટ્વિટ કર્યું હતું. તેમણે કહ્યું કે, આ ભયાનક અનુભવ હતો. મહિલા પાસે બંદૂક પણ હતી અને તે ભારતીય મૂળની મહિલાઓને શૂટ કરવા માંગતી હતી. આ મહિલાને તેમના અંગ્રેજી બોલવાના ઉચ્ચારણથી વાંધો હતો. આરોપી મહિલા વિરુદ્ધ આ ધૃણાસ્પદ ગુના બદલ કેસ ચલાવવામાં આવે તેવી પણ તેમણે માંગ કરી હતી. 

    ઉલ્લેખનીય છે કે આ પ્રકારની આ અઠવાડિયામાં બીજી ઘટના બની છે. આ પહેલાં કેલિફોર્નિયામાં કૃષ્ણ નામના એક ભારતીય વ્યક્તિ પર ગૌમૂત્ર અને ગાયના ગોબરને લઈને ટિપ્પણી કરવામાં આવી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં