જન્માષ્ટમીના દિવસે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના એક દંપતીએ સોશિયલ મીડિયા ભગવાન શ્રીકૃષ્ણ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી. જે વિષયમાં મંગળવારે (23 ઓગસ્ટ) મોટી સંખ્યામાં સ્થાનિક હિન્દુઓએ ભેગા થઈને તેમની વિરુદ્ધ સ્થાનિક કલેકટર તથા DSPને આવેદન આપ્યા હતા.
સ્વાભાવિક રીતે જ કૃષ્ણ ભગવાન વિરુદ્ધ સોશિયલ મીડિયા પર આપત્તીજનક ટિપ્પણી થતા કૃષ્ણ ભક્તોની લાગણી દુભાઇ હતી. જે સંદર્ભે મોટી સંખ્યામાં લોકો વલસાડ સર્કિટ હાઉસ પર એકત્ર થયા હતા અને આપત્તીજનક ટિપ્પણી કરનાર દંપતી સામે કાયદેસર કાર્યવાહી કરવા કલેકટર અને ડીએસપીને આવેદનપત્ર આપ્યું હતું.
દંપત્તિએ કરી હતી શ્રીકૃષ્ણ પર આપત્તિજનક ટિપ્પણી
આખો ઘટનાક્રમ એ રીતે છે કે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના તુંબી ગામે રહેતા વિરલભાઈ પટેલ અને તેમની પત્ની મયુરીબેન પટેલે જન્માષ્ટમીના દિવસે સોશિયલ મીડિયા પર ભગવાન શ્રીકૃષ્ણ વિશે ખૂબ જ આપત્તિજનક લખાણો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં સ્ટેટસ ઉપર મુક્યા હતા. સોશિયલ મીડિયા પર તેમણે કરેલ લખાણમાં ‘શ્રીકૃષ્ણને ભગવાન કેવી રીતે કહેવાય’ એવાં સવાલો ઉઠાવ્યા હતાં.
તે ઉપરાંત ગોપીઓ અને કૃષ્ણની લીલા બાબતે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તળાવમાં સ્નાન કરતી ગોપીઓ સાથેના સંવાદ બાબતે કૃષ્ણે કરેલ કૃષ્ણલીલા સંદર્ભે પણ આ દંપતીએ ખૂબ જ આપત્તિજનક લખાણ લખી સમગ્ર હિન્દૂ સમાજની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી હતી.
હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાતા અપાયું આવેદન
વિશ્વભર અને ખાસ કરીને ભારતભરતમાં પૂજનીય એવા ભગવાન શ્રીકૃષ્ણ પર આવી નિમ્ન કક્ષાની ટિપ્પણીઓ બાદ હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાઈ હતી અને તેમનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. ધરમપુરના દંપતીની આ અયોગ્ય હરકતના કારણે લોકો વચ્ચે ધાર્મિક વૈમનસ્ય ભેળવવાની સંભાવના ઉભી થઇ હતી.
જે બાદ સ્થાનિક હિન્દૂ આગેવાનોએ ભેગા થઈને કલેકટર તથા DSPને આ દંપતી વિરુદ્ધ આવેદન આપીને પગલાં લેવા માટે વિનંતી કરી હતી.
ઑપઇન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં આવેદન આપવા જનાર હિન્દૂ આગેવાને જણાવ્યું કે, “હિન્દુઓના આરાધ્ય શ્રીકૃષ્ણનું આવું અપમાન હિંદુઓ કોઈપણ કાળે સાંખી લેશે નહિ. અમે અન્યોની જેમ રસ્તા પર ઉતરીને સરકારી સંપત્તિઓને નુકશાન કરવામાં નથી માનતા એટલે જ અમે ન્યાય માટે આવેદન આપવાનો બંધારણીય રસ્તો પસંદ કર્યો છે.” તેમને આગળ કહ્યું હતું કે આ દંપતી વિરુદ્ધ જલ્દીમાં જલ્દી કાર્યવાહી થવી જોઈએ જેથી સમાજમાં એક દાખલો બેસે.