ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરનું નિર્માણકાર્ય હાલ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. હાલ ડિસેમ્બર 2023 સુધીમાં રામમંદિરનું નિર્માણ પૂર્ણ કરવાની ગણતરી છે. દરમ્યાન, હવે રામલલાના ગૃહપ્રવેશની પણ તારીખ નક્કી કરી દેવામાં આવી હોવાનું મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 14 જાન્યુઆરી 2024ના દિને ભગવાન શ્રીરામને નવનિર્મિત રામમંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. વિશ્વ હિંદુ પરિષદે જણાવ્યું છે કે, ભગવાનને જલ્દીથી જલ્દી ગર્ભગૃહમાં બિરાજમાન કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. ડિસેમ્બર 2023 સુધીમાં ગર્ભગૃહનું નિર્માણકાર્ય પૂર્ણ થઇ જશે.
અહેવાલો અનુસાર, ગત રવિવારે રામમંદિર નિર્માણ સમિતિની બે દિવસીય બેઠક પૂર્ણ થઇ હતી. બેઠક નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં ટ્રસ્ટના પદાધિકારીઓ તેમજ એન્જીનીયરો હાજર રહ્યા હતા. આ બેઠકમાં મંદિર નિર્માણની પ્રગતિ તેમજ અન્ય બાબતોને લઈને ચર્ચા થઇ હતી તો એન્જીનીયરોએ પથ્થરોની આપૂર્તિ, રીર્ટનીંગ વૉલ વગેરેને લઈને રિપોર્ટ પણ રજૂ કર્યો હતો.
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા મંદિર નિર્માણની કેટલીક તસ્વીરો પણ શૅર કરવામાં આવી છે. જે અનુસાર, મંદિર નિર્માણ માટે બનાવવામાં આવી રહેલા ચબૂતરાનું કામ પૂર્ણતાને આરે છે. જેના નિર્માણમાં 17 હજારથી વધુ પથ્થરો વાપરવામાં આવ્યા છે. જેની ઊંચાઈ જમીનથી 21 ફુટ જેટલી ઊંચી છે. આ ઉપરાંત, મંદિરમાં ઉપયોગમાં લેવામાં આવનાર પથ્થરો પણ તૈયાર કરીને મૂકી દેવામાં આવ્યા છે.
अयोध्या जी में भगवान श्रीराम की जन्मभूमि पर बन रहे भव्य मंदिर पर चल रहे निर्माण के कुछ चित्र प्रस्तुत हैं।
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) August 20, 2022
Some pictures from construction activity at the site of Shri Ram Janmbhoomi Mandir in Ayodhya ji. pic.twitter.com/B5FlYBAY8i
ઉલ્લેખનીય છે કે રામમંદિરના નિર્માણમાં ઉપયોગ થનાર પથ્થરોનું નક્શીકામ બહુ પહેલાં શરૂ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યા બાદ રામમંદિર પ્રોજેક્ટમાં થોડો વિસ્તાર કરવામાં આવ્યો, જેના કારણે વધુ પથ્થરોની જરૂર હતી. જેથી વધુ પથ્થરોના નક્શીકામ માટે કારીગરોને લગાડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે પાંચસો વર્ષની લડાઈ બાદ વર્ષ 2019ની 9 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં ચુકાદો આપી વિવાદિત જમીનનો તમામ હિસ્સો મંદિર નિર્માણ માટે રામલ્લા વિરાજમાનને ફાળવવાનો ચુકાદો આપ્યો હતો. તત્કાલીન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બંધારણીય ખંડપીઠે 5-0થી આ ચુકાદો પસાર કર્યો હતો.
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર નામનું ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું, જે મંદિરનું સંચાલન કરશે. રામમંદિરનું ભૂમિપૂજન 5 ઓગસ્ટ 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. હાલ મંદિરનું નિર્માણકાર્ય તેજ ગતિથી ચાલી રહ્યું છે અને ડિસેમ્બર સુધીમાં મંદિર સામાન્ય લોકો માટે દર્શન માટે ખોલી દેવામાં આવશે તેવી ગણતરી છે. હવે રામલલાના ગૃહપ્રવેશની તારીખ પણ સામે આવી છે. જોકે, મંદિર પરિસરનું નિર્માણ ચાલુ જ રહેશે, જે 2025 સુધીમાં પૂર્ણ થઇ શકે છે.