સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં આવેલી એક હોટલ હયાત ઉપર હુમલો થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. ઇસ્લામિક આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલા અલ-શબાબના આતંકવાદીઓએ હોટલ હયાત ઉપર હુમલો કરીને તેના પર કબજો જમાવી લીધો છે. આ હુમલામાં 10 લોકોનાં મોત થયાં છે, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ હોવાનું જણાવવામાં આવી રહ્યું. અહેવાલો મુજબ હજુ પણ સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે.
આ હુમલો મુંબઈની તાજ હોટલ જેવો જ છે. શુક્રવારે (19 ઓગસ્ટ 2022)ના રોજ ઇસ્લામિક આતંકવાદીઓએ ધડાધડ ગોળીઓ વરસાવતા રાજધાનીની પ્રખ્યાત હોટેલ હયાતમાં પ્રવેશ્યા હતા. ત્યારબાદ હોટલને કબ્જામાં લીધી હતી. અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે ઓછામાં ઓછા આઠ લોકો માર્યા ગયા છે.
સોમાલિયાની સેના હજુ પણ આ આતંકવાદીઓ સામે લડી રહી છે. આતંકીઓ ઉપર સતત ગોળીબાર અને બોમ્બ ફેંકવામાં આવી રહ્યા છે. મોહમ્મદ અબ્દીકાદિર નામના અધિકારીએ એએફપીને જણાવ્યું હતું કે. “સુરક્ષા દળોએ ઇમારતમાં ફસાયેલા બાળકો સહિત અનેક નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે.”
#UPDATE Somali forces are still battling Al-Shabaab fighters who stormed the popular Hayat hotel in a hail of gunfire and bomb blasts.
— AFP News Agency (@AFP) August 20, 2022
“The security forces rescued dozens of civilians including children who were trapped in the building,” official Mohamed Abdikadir tells AFP
આ અગાઉ અલ-શબાબ સાથે જોડાયેલી એક વેબસાઇટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઇસ્લામિક આતંકવાદીઓનું એક જૂથ હોટલમાં બળજબરીથી ઘૂસી ગયું હતું અને ગોળીબાર કર્યો હતો. આતંકવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવેલી હયાત હોટલ રાજધાનીની એક પ્રખ્યાત હોટલ છે અને સોમાલી સરકાર અવારનવાર ત્યાં બેઠકોનું આયોજન કરે છે.
સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો અને તસવીરો પણ વાયરલ થઈ રહી છે, જેને હોટલ હયાતના માનવામાં આવી રહ્યા છે. જેમાં ધુમાડો નીકળતી હોટલમાંથી લોકો બહાર ભાગતા જોવા મળી રહ્યા છે, સાથે જ પાછળથી કેટલાક ધડાકા પણ સંભળાઈ રહ્યા છે.
એક પોલીસ અધિકારીએ રોઇટર્સ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે આતંકવાદીઓ દ્વારા હોટેલ હયાતમાં પહેલા 2 ગાડીઓમાં બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. એક કાર હોટલ પાસે બેરિયર સાથે અથડાઈ અને બીજી હોટલના ગેટ સાથે ભટકાઈ હતી. આ પછી આતંકીઓ ફાયરિંગ કરતા કરતા હોટલમાં ઘૂસી ગયા હતા. તેઓ હોટલના ઉપરના માળે છુપાયેલા હોવાનની આશંકા છે.
અલ-શબાબ દક્ષિણ અને મધ્ય સોમાલિયાના મોટાભાગના હિસ્સાપર કબજો ધરાવે છે. તેઓ સરકાર સામે સતત સશસ્ત્ર સંઘર્ષ ચલાવી રહ્યા છે અને ત્યાંના લોકો પર હુમલાઓ અને નરસંહાર કરતા રહે છે. તેમના આતંકવાદીઓએ ગત અઠવાડિયામાં સોમાલિયા-ઇથોપિયા સરહદ પર પણ અનેક હુમલાઓ કર્યા છે.
આ અઠવાડિયે યુએસએ અલ-શબાબના આતંકવાદીઓ પર હવાઈ હુમલામાં ઘણા ઉગ્રવાદીઓને મારી નાખ્યા હતા. યુએસ આફ્રિકા કમાન્ડ (AFRICOM) એ પુષ્ટિ કરી છે કે આ અઠવાડિયે સોમાલિયામાં યુએસ હવાઈ હુમલામાં અલ-શબાબના એક ડઝનથી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા.