ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામી મમતા બેનર્જીને મળ્યા છે. પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) આ સમયે ભારતીય રાજકારણના અપ્રસ્તુત ચહેરાઓનું મનગમતું સ્થળ હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને એવા નેતાઓ કે જેઓ ભાજપમાં હાંસિયામાં ધકેલાઈ ગયા છે. આ યાદીમાં નવું નામ સુબ્રમણ્યમ સ્વામીનું હોય તેવું માનવામાં આવી રહ્યું છે. તેઓ ગુરુવારે (18 ઓગસ્ટ 2022) કોલકાતા સચિવાલયમાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને મળ્યા હતા. સુબ્રમણ્યમ સ્વામી મમતા બેનર્જીને મળ્યા તેને લઈને ભારતીય રાજનીતિના ગલીયારાઓમાં અવનવી અટકળો ચાલુ થઇ ગઈ છે.
મમતાને હિંમતવાન અને કરિશ્માઈ નેતા ગણાવતા સ્વામીએ ટ્વીટ કરીને આ બેઠકની માહિતી આપી હતી. મુલાકાતની તસવીર શેર કરતાં તેમણે લખ્યું હતું કે, ‘આજે હું કોલકાતામાં હતો. ત્યાં હું મમતા બેનર્જીને મળ્યો. તેઓ હિંમતવાન અને પ્રભાવશાળી નેતા છે. મેં માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPI-M) સામેની તેમની લડાઈની પ્રશંસા કરી, જેમણે સામ્યવાદીઓનો સફાયો કરી દીધો હતો.”
Today I was in Kolkata and met the charismatic Mamata Banerjee. She is a courageous person. I admired her fight against the CPM in which she decimated the Communist pic.twitter.com/Gejytxpl4o
— Subramanian Swamy (@Swamy39) August 18, 2022
મુલાકાત બાદથી જ રાજકીય વર્તુળોમાં સ્વામીના ટીએમસીમાં સામેલ થવાની અટકળો ચાલી રહી છે. જોકે, સ્વામીએ પૂર્વે જ આવા અહેવાલોને નકારી દીધા છે. તેમણે કહ્યું હતું કે તેમને ટીએમસીમાં જોડાવાની કોઈ જરૂર નથી, કારણ કે તેઓ પહેલેથી જ મમતા બેનર્જી સાથે છે. આ પહેલાં પણ તેઓ અનેક અવસરો પર મમતા બેનર્જીનાં વખાણ કરી ચૂક્યા છે. 1 જુલાઈ, 2022ના રોજ મમતાને “શાણા નેતા” ગણાવતા તેમણે કહ્યું હતું કે, “આપણે વૈચારિક મતભેદો હોવા છતાં પ્રતિભાને ઓળખવી પડશે.”
Electricity is the best in Kolkata,we get uninterrupted supply for months and months.Hardly there is any power cut
— Shams Intekhab Iqbal (@IntekhabShams) July 1, 2022
નોંધનીય છે કે ગયા વર્ષે નવેમ્બરમાં પણ સુબ્રમણ્યમ સ્વામી ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીને મળ્યા હતા. બંને નેતાઓની આ મુલાકાત દિલ્હીમાં થઈ હતી. તે સમયે તેમણે TMC સુપ્રીમોની જેપી (જયપ્રકાશ નારાયણ), મોરારજી દેસાઈ, રાજીવ ગાંધી, ચંદ્રશેખર અને પીવી નરસિમ્હા રાવ સાથે સરખામણી કરતા ટ્વિટ કર્યું હતું. આ ટ્વીટમાં કહેવામાં આવ્યું હતું કે મમતા બેનર્જીમાં મોટા નેતાઓના ગુણ છે.
Of the all the politicians I have met or worked with, Mamata Banerjee ranks with JP, Morarji Desai, Rajiv Gandhi, Chandrashekhar, and P V Narasimha Rao who meant what they said and said what they meant. In Indian politics that is a rare quality
— Subramanian Swamy (@Swamy39) November 24, 2021
સુબ્રમણ્યમ સ્વામીએ લખ્યું હતું કે, “હું જે નેતાઓને મળ્યો છું અને તેમની સાથે કામ કર્યું છે તેવા જયપ્રકાશ નારાયણ (જેપી), મોરારજી દેસાઈ, રાજીવ ગાંધી, ચંદ્રશેખર અને પીવી નરસિમ્હા રાવ, મમતા બેનર્જી આ તમામ સાથે મેળ ખાય છે. આ નેતાઓની કથની અને કરણી એક જ છે. ભારતીય રાજકારણમાં આ દુર્લભ છે.”
ભાજપના પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીના પહેલા યશવંત સિન્હા અને શત્રુઘ્ન સિંહા જેવા બીજેપી નેતાઓ પણ મોદી સરકાર પર બળાપો કાઢતા TMCમાં જોડાઈ ચૂક્યા છે. વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બન્યા બાદ યશવંત સિન્હાએ ટીએમસીમાંથી રાજીનામું આપી દીધું હતું, જ્યારે શત્રુઘ્ન સિંહા આસનસોલ પેટાચૂંટણી જીતીને લોકસભામાં પહોંચવામાં સફળ થયા છે. આવી સ્થિતિમાં સ્વામી જે રીતે છેલ્લા કેટલાક સમયથી જાહેરમાં મમતા બેનર્જીના વખાણ કરી રહ્યા છે તે જોતા એવું વ્યક્ત કરવામાં આવી રહ્યું છે કે તેઓ પણ ટીએમસીમાં જાય તેવી શક્યતા છે.