મહારાષ્ટ્રના રાયગઢમાં એક સંદિગ્ધ બોટ મળી આવી છે. જેમાંથી એકે-47 રાઇફલ અને કેટલાક કારતૂસ મળી આવ્યા છે. ઉપરાંત, બોટમાંથી વિસ્ફોટક પદાર્થો પણ જપ્ત કરવામાં આવ્યા છે. હથિયારો અને વિસ્ફોટકો હારેલી બોટ મળ્યા બાદ મુંબઈ પોલીસ સતર્ક થઇ છે તેમજ એટીએસની પણ એક ટીમ તપાસ માટે રવાના કરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, આ બોટ હરિહરેશ્વર બીચ પરથી મળી આવી છે. ઉપરાંત, ભરદખોલમાંથી એક લાઈફ બોટ મળી આવી હતી. જોકે આ બંને બોટની આસપાસથી કોઈ મળી આવ્યું નથી. બોટ મળી આવ્યા બાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઉપરાંત મેરીટાઈમ બોર્ડ અને કોસ્ટ ગાર્ડને પણ જાણ કરવામાં આવી છે.
પોલીસે સ્થળે પહોંચીને સ્થાનિક લોકોની પૂછપરછ શરૂ કરી દીધી હતી. મહારાષ્ટ્રના રાયગઢમાં જે જગ્યાએ આ સંદિગ્ધ બોટ મળી છે તે મુંબઈથી 200 કિલોમીટર અને પુણેથી 170 કિલોમીટર દૂર છે.
આ મામલે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, ઘટનામાં કોઈ આતંકી એંગલ સામે આવ્યો નથી. હોડી હાલમાં જ અહીં પહોંચી છે. તમામ પાસાંની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસને હાઈ-એલર્ટ પર રહેવા માટે જણાવવામાં આવ્યું છે. નોંધનીય છે કે દેવેન્દ્ર ફડણવીસ પાસે ગૃહમંત્રાલયનો પણ કાર્યભાર છે.
Three AK 47 rifles were found on the boat. The boat in a half-broken condition came towards Kokan coast due to high tide. Central agencies have been informed. No possibilities of any consequences would be taken lightly: Maharashtra Dy CM Devendra Fadnavis https://t.co/rUlcGukfxZ
— ANI (@ANI) August 18, 2022
મહારાષ્ટ્ર ડેપ્યુટી સીએમ ફડણવીસે આ હોડી ઓસ્ટ્રેલિયન નાગરિકની હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે, તે મસ્ક્ત થઈને યુરોપ જઈ રહી હતી. દરમ્યાન, ગત 26 જૂનના રોજ બપોરઆ સમયે મધદરિયે બોટનું એન્જીન ખરાબ થઇ ગયું હતું. જોકે એક કોરિયન હોડીની મદદથી લોકોને બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ બોટ છૂટી ગઈ હતી.
આ બોટ ભરતીના કારણે કોંકણ તટ તરફ આવી પહોંચી હતી. જોકે, તેમણે જણાવ્યું હતું કે તેમ છતાં તમામ બાજુઓથી તપાસ કરવામાં આવી રહી છે અને તહેવારોની સિઝન જોતાં પોલીસતંત્રને હાઈ-એલર્ટ કરી દેવામાં આવ્યું છે તેમજ તંત્રને સતર્ક રહેવા માટેની સૂચના આપવામાં આવી છે.
બોટ અંગે જાણકારી આપતાં તેમણે જણાવ્યું હતું કે બોટનું નામ ‘Ladyhan’ છે અને એક ઓસ્ટ્રલિયન મહિલા તેની માલિક હોવાનું જાણવા મળ્યું છે. તેનો પતિ જેમ્સ હર્બર્ટ બોટનો કેપ્ટન હોવાનું જાણવા મળ્યું છે.
દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, હાલ આ મામલે એટીએસ તપાસ કરી રહી છે. જરૂર પડ્યે વધારાનું પોલીસબળ પણ લગાવવામાં આવશે. તેમણે કહ્યું કે, સાવચેતીના ભાગરૂપે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યાં છે. ઉપરાંત, આ મામલે તેઓ કેન્દ્રીય એજન્સીઓના પણ સંપર્કમાં હોવાનું જણાવ્યું હતું.