‘હેરી પોટર’નાં લેખિકા જેકે રોલિંગને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે. લેખિકાએ ટ્વિટર પર આ ધમકીનો સ્ક્રીનશોટ શૅર કર્યો છે. લેખિકાએ તાજેતરમાં જ સલમાન રશ્દી પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરતા એક ટ્વિટ કર્યું હતું અને કહ્યું હતું કે તેઓ આશા રાખે છે કે રશ્દી જલ્દી ઠીક થઇ જાય. જે બાદ તેમને કટ્ટરપંથી તરફથી ધમકી મળી હતી.
Feeling very sick right now. Let him be ok.
— J.K. Rowling (@jk_rowling) August 12, 2022
જોકે રોલિંગે સલમાન રશ્દી પર થયેલા હુમલાને લઈને ટ્વિટ કર્યું હતું કે, ‘આ ભયાનક ખબર છે. હું અસ્વસ્થતા અનુભવી રહી છું. તેઓ સ્વસ્થ થઇ જાય.’ જેના જવાબમાં મીર આસિફ અઝીઝ નામના એક યુઝરે કહ્યું હતું, ‘ચિંતા ન કરો, હવે તારો વારો આવશે.’
જે ટ્વિટર હેન્ડલ જોકે રોલિંગને જાનથી મારી નાંખવાની ધમકી આપી તેણે સલમાન રશ્દી પર હુમલો કરનાર હાદી મતારની પ્રશંસા પણ કરી હતી. તેણે એક ટ્વિટમાં લખ્યું હતું કે, મતાર એક ક્રાંતિકારી શિયા લડવૈયો છે અને તેણે અયોતુલ્લાહના ફતવાનું પાલન કર્યું છે.
લેખિકા જોકે રોલિંગે આ ધમકીઓના સ્ક્રીનશોટ ટ્વિટર ઉપર પોસ્ટ કર્યા હતા અને ટ્વિટરને ટેગ કરીને લખ્યું હતું કે, તેમના તરફથી આ મામલે સહયોગ મળશે કે કેમ. જે બાદ તેમણે થોડી ક્ષણો પછી ફરીથી અપડેટ આપતાં જણાવ્યું હતું કે, પોલીસે આ મામલે સંજ્ઞાન લીધું છે અને કાર્યવાહી કરી રહ્યા છે.
.@TwitterSupport any chance of some support? pic.twitter.com/AoeCzmTKaU
— J.K. Rowling (@jk_rowling) August 13, 2022
જે બાદ લેખિકાએ અન્ય એક સ્ક્રીનશોટ શૅર કર્યો હતો અને ટ્વિટરની ગાઈડલાઈન પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે રિપોર્ટ કરેલા ટ્વિટ પર સોશિયલ મીડિયા કંપનીએ જવાબ આપતાં જણાવ્યું હતું કે, ઉપલબ્ધ માહિતીની તપાસ કરતાં આસિફના ટ્વિટમાં ટ્વિટર ગાઈડલાઈનનું કોઈ ઉલ્લંઘન થતું જણાતું નથી. ટ્વિટર તરફથી મળેલા જવાબની જોકે રોલિંગ તેમજ અન્ય યુઝરો તરફથી પણ ટીકા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ગત 12 ઓગસ્ટના રોજ ભારતીય મૂળના લેખક સલમાન રશ્દી ઉપર અમેરિકાના પશ્ચિમી ન્યયોર્કમાં એક કાર્યક્રમ દરમિયાન જીવલેણ હુમલો થયો હતો. રશ્દી કાર્યક્રમમાં સંબોધન કરવા જઈ રહ્યા હતા, ત્યારે જ હુમલાખોર સ્ટેજ પર ચડી ગયો હતો અને પાછળથી રશ્દી ઉપર ચાકુ વડે હુમલો કરી દીધો હતો. થોડી જ સેકન્ડોમાં તેણે અનેક ઘા માર્યા હતા, જેના કારણે સલમાન રશ્દીને ગળા અને પેટના ભાગે ઇજા પહોંચી હતી. હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.
સલમાન રશ્દી વિરુદ્ધ 1988માં ઈરાનના અયોતુલ્લાહ દ્વારા ફતવો જારી કરવામાં આવ્યો હતો. જોકે, પછીથી ઈરાને પોતાને આ ફતવાથી અલગ કરી લીધું હતું પરંતુ આખરે 30 વર્ષ બાદ એક 24 વર્ષીય હાદી મતાર નામના ઇસમે રશ્દી ઉપર હુમલો કરી દીધો હતો.