આતંકવાદી ફારૂક અહેમદ ડાર ઉર્ફે આતંકી બિટ્ટા કરાટેની પત્ની સહિત 4ને સરકારી નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. આતંકવાદી સૈયદ સલાહુદ્દીનના પુત્ર સામે પણ આવી જ કાર્યવાહી કરવામાં આવી છે. આ બે સહિત કુલ 4 સરકારી અધિકારીઓનું નીલંબન કરવામાં આવ્યું છે.
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આતંકી ઈકોસિસ્ટમમાં તેમની સંડોવણીને લઈને આ કાર્યવાહી કરી છે. બરતરફ કરાયેલા લોકોમાં વૈજ્ઞાનિકો અને પ્રોફેસરો પણ સામેલ છે.
#BREAKING: J&K Government has dismissed wife of JKLF terrorist Bitta Karate, Assabah-ul-Arjamand Khan, from service as per Article 311 of the Constitution of India. She gave false information for passport and was in touch with ISI paid elements abroad. Long awaited positive step. pic.twitter.com/DYHgeBjfG9
— Aditya Raj Kaul (@AdityaRajKaul) August 13, 2022
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આતંકી બિટ્ટા કરાટેની પત્ની, જેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી છે તેનું નામ અર્જુમંદ ખાન છે. તે કાશ્મીર એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (KAS)માં ગ્રામીણ વિકાસ વિભાગમાં વરિષ્ઠ અધિકારી તરીકે કામ કરતી હતી. તે આતંકવાદી સંગઠન જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)ની મદદગાર હતી.
અર્જુમંદ ખાન ઉપરાંત જમ્મુ અને કાશ્મીર ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ (JKEDI)માં મેનેજર તરીકે કામ કરતા સૈયદ અબ્દુલ મુઈદને પણ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. અબ્દુલ મુઈદના પિતા સૈયદ સલાહુદ્દીન આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના લીડર છે.
આ સિવાય કાશ્મીર યુનિવર્સિટીમાં કામ કરતા બે વૈજ્ઞાનિકો મુહીદ અહેમદ ભટ અને કાશ્મીર યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર માજીદ હુસૈન કાદરીને પણ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. આ તમામ પર બંધારણની કલમ 311 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
આ પહેલા પણ થઇ હતી કાર્યવાહી
આ પહેલા પણ કાશ્મીરમાં આતંકી સંગઠનો સાથે સાંઠગાંઠના કારણે સરકારી કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા હતા. આ વર્ષે માર્ચમાં 5 સરકારી કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. જેમાં કોમ્પ્યુટર ઓપરેટર, શિક્ષકો અને પોલીસ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.
એપ્રિલ 2022માં પણ કાશ્મીર લો કોલેજના પાકિસ્તાન તરફી પ્રોફેસર શેખ શૌકતને બરતરફ કરવામાં આવ્યા હતા.
બિટ્ટા કરાટેને ઓળખો
જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)ના આતંકવાદી બિટ્ટા કરાટેને ‘કાશ્મીરી પંડિતોનો કસાઈ’ પણ કહેવામાં આવે છે. તે જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી અને મહેબૂબા મુફ્તીની બહેન રૂબિયા સઈદના અપહરણ સાથે પણ જોડાયેલો હતો. તે સમયે સઈદ કેન્દ્ર સરકારમાં ગૃહમંત્રી હતા અને આ ઘટના બાદ સરકારે ઘૂંટણિયે પડીને રુબિયાની મુક્તિ માટે આતંકવાદીઓને મુક્ત કર્યા હતા.
તેણે એક વખત કેમેરામાં કાશ્મીરી પંડિતોની હત્યાની કબૂલાત પણ કરી છે. તેણે કહ્યું હતું કે, 1990માં તેણે ઓછામાં ઓછા 20 અથવા કદાચ 30 થી 40 કાશ્મીરી પંડિતોની હત્યા કરી હતી. તેણે દાવો કર્યો હતો કે તેનું લક્ષ્ય ક્યારેય ચૂક્યું નથી. તે તેના નિશાનના માથામાં કે હૃદયમાં જ ગોળી મારતો હતો. તેની નિર્દયતા પ્રખ્યાત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ‘માં પણ બતાવવામાં આવી છે.
હિઝબુલ મુજાહિદ્દીનનો નેતા છે સૈયદ સલાહુદ્દીન
હિઝબુલ મુજાહિદ્દીનનો લીડર સૈયદ સલાહુદ્દીન કાશ્મીરમાં અનેક આતંકી ઘટનાઓ માટે જવાબદાર છે. આ ઘટનાઓમાં કાશ્મીરી હિન્દુઓની સાથે અનેક સૈનિકો, પોલીસકર્મીઓ અને અર્ધલશ્કરી દળોના જવાનોએ જીવ ગુમાવ્યા છે. સલાહુદ્દીન 2016માં પંજાબમાં પઠાણકોટ એરબેઝ હુમલાનો માસ્ટરમાઇન્ડ છે.
1946માં જન્મેલ સલાહુદ્દીન શ્રીનગરની એસપી કોલેજમાંથી સ્નાતક અને 1971માં કાશ્મીર યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ છે. તેણે મુસ્લિમ યુનાઈટેડ ફ્રન્ટની ટિકિટ પર અમીરાકદલ મતવિસ્તારમાંથી 1987માં જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી. પણ હારી ગયો. તેના આતંકવાદી સંગઠન ISIS સાથે પણ સંબંધ હોવાનું કહેવાય છે.