લેખક સલમાન રશ્દી પર અમેરિકાના ન્યૂયોર્કમાં એક કાર્યક્રમ દરમિયાન હુમલો થયો હતો. પશ્ચિમી ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં તેઓ ભાષણ આપવા માટે જતા હતા ત્યારે પાછળથી તેમના ગળામાં ચાકુ વડે હુમલો કરી દેવામાં આવ્યો હતો. જે બાદ તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. તેમને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
રિપોર્ટ અનુસાર, સલમાન રશ્દી હાલ વેન્ટીલેટર ઉપર છે અને તેમની સર્જરી કરવાની તૈયારી ચાલી રહી છે. જે બાદ તેઓ એક આંખ ગુમાવી શકે છે. હુમલાથી તેમના લીવરને પણ નુકસાન થયું છે. તેઓ હાલ બોલી શકે તેમ નથી તેમ પણ જાણવા મળ્યું છે.
બીજી તરફ, પોલીસે હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. તેની ઓળખ હાદી મતાર તરીકે થઇ છે. તે ન્યૂજર્સીનો રહેવાસી હોવાનું કહેવાય છે. જોકે, હાલ તેની વિરુદ્ધ કોઈ કલમ લગાવવામાં આવી નથી. સલમાન રશ્દીની સ્થિતિને આધારે કાર્યવાહી કરવામાં આવશે. હાલ તે હિરાસતમાં છે. પોલીસને આશંકા છે કે તેણે એકલાએ જ આ હત્યાને અંજામ આપ્યો છે, પરંતુ હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.
રિપોર્ટ અનુસાર, હુમલાખોર લગભગ 20 મિનિટ સુધી સલમાન રશ્દીને ચાકુ મારતો રહ્યો હતો. તેણે 10 થી 15 વખત ચાકુ માર્યું હતું. તે કૂદીને સ્ટેજ પર ચડી ગયો હતો અને ગળાના ભાગે અને પેટના ભાગે ચાકુ મારી દીધું હતું.
દર્શકોમાંથી એક મહિલાએ જણાવ્યું કે, તેણે કાળા રંગના કપડાં પહેર્યાં હતાં અને માસ્ક પણ પહેરી રાખ્યું હતું. પહેલાં અમે વિચાર્યું કે આ શું થઇ રહ્યું છે, પરંતુ થોડી સેકન્ડ પછી બધું સ્પષ્ટ થઇ ગયું. ત્યાં હાજર લોકોએ હુમલો કરનારને પકડી લીધો હતો અને પોલીસને સોંપી દીધો હતો.
સલમાન રશ્દી તેમના પુસ્તક ‘ધ સૈટેનિક વર્સીઝ’ માટે વધુ જાણીતા બન્યા હતા. જોકે, તેમના આ પુસ્તકને લઈને તેમની ઉપર ફતવો પણ જારી કરવામાં આવ્યો હતો. 1988માં ઈરાન સહિત ઘણા દેશોમાં આ પુસ્તક પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. કારણ કે પુસ્તકમાંની કેટલીક સામગ્રીને મુસ્લિમો ‘ઇશનિંદા’ માનતા હતા. જેના એક વર્ષ બાદ ઇરાનના આયાતુલ્લાહ રૂહોલ્લાહ ખુમૈનીએ રશ્દી વિરુદ્ધ ફતવો જારી કર્યો હતો અને રશ્દીને મારનારને 30 લાખ ડોલર આપવાની ઘોષણા કરી હતી. જોકે, ઈરાને ત્યારબાદ આ ફતવાથી પોતાની અલગ કરી લીધું હતું, પરંતુ રશ્દી વિરોધી ભાવના યથાવત રહી.
જોકે, ત્યારે સલમાન રશ્દીએ આ ધમકીઓને અવગણીને કહ્યું હતું કે, લોકોને તેમને મારીને ઇનામ લેવામાં શું રસ હશે? તેમણે આ વિશે એક સંસ્મરણ પણ લખીને પ્રકાશિત કર્યું હતું.