ખંભાત પોલીસે એક પોલીસકર્મી પર હુમલો કરવા મામલે 6 મુસ્લિમ શખ્સો સામે નામજોગ ગુનો દાખલ કરીને ચારની ધરપકડ કરી લીધી છે. 6 સિવાય બાકીના 20થી 25 ઇસમોનાં ટોળાં સામે પણ FIR નોંધવામાં આવી છે. આરોપ છે કે આરોપીઓએ ટોળું રચીને પૂર્વનિયોજિત કાવતરાના ભાગરૂપે પોલીસ મથકે એકઠા થઈને હોબાળો કર્યો અને એક પોલીસકર્મીને ગાળો આપીને, નગ્ન કરીને ઢોર માર માર્યો હયો. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
રવિવારે (17 નવેમ્બર) ઘટેલી આ ઘટનાને લઈને પોલીસે 6 મુસ્લિમ શખ્સો વિરુદ્ધ નામજોગ ગુનો દાખલ કર્યો છે. જેમાં ઝુબૈર લિયાકત મલેક, શકીલ ભઠીયારો (ચાંદમિયાંનો પુત્ર), ઝુબૈર ભઠીયારો, આદિલ શેખ, સોહેલ સિદ્દિક શેખ અને માજિદ અકીકવાળોનો સમાવેશ થાય છે. તે સિવાય તેમની સાથે આવેલા 20-25 માણસોના ટોળાં સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 189(2), 191(2), 190, 121, 115(2), 352, 221, 223, 61(2) હેઠળ FIR નોંધી છે. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.
પોલીસ સ્ટેશને પહોંચી કર્યો હોબાળો, કોન્સ્ટેબલને નગ્ન કરી માર્યો માર
ફરિયાદી, પીડિત પોલીસકર્મી કોન્સ્ટેબલ અલ્કેશભાઈ શુક્રવારે (22 નવેમ્બર) ખંભાત સિટી પોલીસ સ્ટેશમમાં પોતાની ફરિયાદ દાખલ કરી હતી. FIR અનુસાર, આ ઘટના રવિવારે (17 નવેમ્બર) બનવા પામી હતી. ઘટનાની વિગતો એવી છે કે, રવિવારના દિવસે ખંભાત શહેરના ચકડોળ ગ્રાઉન્ડમાં નગરપાલિકા દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બાળકો મસ્તી-મજા માટે એકઠાં થયાં હતાં. તે દરમિયાન ચકડોળમાં બેઠેલાં નાની ઉંમરનાં ચાર બાળકોએ કાગળના ટુકડા હવામાં ઉડાડ્યા હતા. આ ટુકડાઓમાં ઉર્દૂમાં કોઈ લખાણ લખેલું હતું, જેને મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોએ કુરાનની આયાત સમજી લઈને ભારે હોબાળો કર્યો હતો.
ફરિયાદમાં કહેવાયું છે કે, મુસ્લિમ સમુદાયના ટોળાંએ પોલીસ સ્ટેશને આવીને પોલીસ મથકનો ઘેરાવો કર્યો હતો. જે બાદ પોલીસે તરત જ તે ચાર સગીર બાળકોની અટકાયત કરી હતી અને તેમને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લવાયાં હતાં. તે દરમિયાન અચાનક જ ઝુબૈર મલેક, શકીલ ભઠીયારો, ઝુબૈર ભઠીયારો, આદિલ શેખ, સોહેલ સિદ્દિક શેખ અને માજિદ સહિતના 20-25 લોકો પોલીસ સ્ટેશન ઘસી આવ્યા હતા. આરોપ છે કે, તેઓ પૂર્વનિયોજિત કાવતરાના ભાગરૂપે ટોળું એકઠું કરીને આવ્યા હતા અને પોલીસ સાથે હોબાળો કરવા લાગ્યા હતા.
ફરિયાદ અનુસાર, ટોળાંએ ‘ચાર શકમંદોને અમને સોંપી દો, ફેંસલો અમે કરી નાખીશું. આજે એમને પૂરા કરી નાખવાના છે’ કહીને હોબાળો શરૂ કરી દીધો હતો. જે બાદ પોલીસકર્મીઓએ તેમને સમજાવતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસ કોન્સ્ટેબલ અલ્કેશભાઈ પર હુમલો કરી દીધો હતો. આરોપ છે કે, ટોળાંએ ખરાબ ગાળો આપીને પોલીસકર્મીનો કોલર પકડ્યો હતો અને કપડાં ફાડીને તેમને નગ્ન કરીને માર પણ માર્યો હતો.
ફરિયાદી પોલીસકર્મીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી ટોળાંએ તેમનો કોલર પકડીને છાતીમાં લાત મારી હતી અને કપડાં પણ ફાડી નાખ્યાં હતાં. જે બાદ ત્યાં હાજર અન્ય પોલીકર્મીઓએ ટોળાંને વિખેરવા માટે પ્રયાસો કર્યા હતા. વધુમાં જણાવાયું છે કે, અન્ય સ્થળોની પોલીસ ફોર્સ ઘટનાસ્થળે આવી જતાં તમામ આરોપીઓ વિખેરાઈ ગયા હતા અને પોલીસ સ્ટેશનથી ભાગી ગયા હતા. ત્યારબાદ ઘટનાના પાંચ દિવસે પોલીસકર્મીએ પોતે ફરિયાદી બનીને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
‘બાળકોએ ઈરાદાપૂર્વક નહોતું કર્યું કૃત્ય, ચારની થઈ છે ધરપકડ’- પોલીસ
આ સમગ્ર ઘટનાને લઈને ઑપઇન્ડિયા સાથે વાતચીતમાં ખંભાત પોલીસે જણાવ્યું કે, ચાર બાળકો શાળામાં ભણતા વિદ્યાર્થીઓ છે અને પસ્તીની દુકાનમાંથી તેમણે પુસ્તકો ખરીદ્યાં હતાં. તે દરમિયાન તેમને ઉર્દૂ ભાષાનું પણ એક પુસ્તક મળ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, તમામ બાળકોને જાણ પણ નહોતી કે, તે પુસ્તક શાનું છે. બાળકોએ તે પુસ્તકના કાગળના ટુકડા કરીને પોતાની બેગમાં ભરી રાખ્યા હતા. જે બાદ મેળામાં ચકડોળ દરમિયાન તેમણે માત્ર મોજ-મસ્તી માટે તે કાગળના ટુકડા ઉડાવ્યા હતા.
પોલીસ અનુસાર, આ કૃત્ય બાળકોએ ઈરાદાપૂર્વક નહોતું કર્યું, જોકે, બાળકોને તો તે પુસ્તક વિશે પણ કોઈ ખ્યાલ પણ નહોતો. તેમ છતાં મુસ્લિમ ટોળાંએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીને નાની ઉંમરના બાળકોનો હવાલો માંગ્યો હતો. પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસકર્મી પર હુમલો કર્યાના આરોપસર 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બાકીના આરોપીઓને શોધવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.