મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં (Maharashtra Assembly Elections) મહાયુતિ (Mahayuti) (ભાજપ, શિંદે જુથની શિવસેના અને અજીત પવારની NCP)એ પ્રચંડ વિજય મેળવીને ઇતિહાસ રચી દીધો છે. 288 બેઠકો ધરાવતી મહારાષ્ટ્ર વિધાનસભામાં મહાયુતિએ 200થી વધુ બેઠકો જીતી લીધી છે. ભાજપે એકલા હાથે 130 બેઠકો પર લીડ મેળવી છે, જ્યારે શિંદે જુથની શિવસેના 55 અને અજીત પવારની NCP 40 બેઠકો પર આગળ છે. પરંતુ, આ ઐતિહાસિક આંકડા બાદ હવે મહાવિકાસ અઘાડીમાં દુઃખનું મોજું ફરી વળ્યું છે. ઉદ્ધવસેનાના સંજય રાઉત બાદ હવે NCP (શરદ પવાર)ના ઉમેદવાર ફહાદ અહેમદની પત્ની સ્વરા ભાસ્કરે પણ EVM તરફ ઈશારો કરીને વિલાપ શરૂ કરી દીધો છે.
હાર બાદ બોખલાયેલા વિપક્ષી નેતાઓ EVM, સરકાર અને ચૂંટણી પંચ પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે. તે જ અનુક્રમે હવે સમાજવાદી પાર્ટીમાંથી NCP-શરદ પવારમાં જોડાયેલા ફહાદ અહેમદની પત્ની અને અભિનેત્રી સ્વરા ભાસ્કરે તો EVMના ચાર્જને લઈને પણ સવાલો ઊભા કર્યા છે અને EVM ખરાબ હોવાનો વર્ષો જૂનો વિલાપ પણ શરૂ કરી દીધો છે. તે સિવાય શિવસેના-UBTના નેતા સંજય રાઉત પહેલાં જ સિસ્ટમને દોષ આપી ચૂક્યા છે.
સ્વરા ભાસ્કરે EVM પર ઉઠાવ્યા સવાલો
ચૂંટણીના પરિણામો વચ્ચે અણુશક્તિ નગર બેઠક પર સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદ પર હાર મંડરાઈ રહી છે. 19મા રાઉન્ડની મતગણતરીમાં ફહદ અહેમદ 3378 મતોથી પાછળ ધકેલાઇ ગયા છે. જ્યારે NCP નેતા સના મલિક તેમના કરતા આગળ વધી ગયા છે. આ સ્થિતિને જોતાં હમણાં સુધી શાંત રહેલી ફહાદ અહેમદની પત્ની સ્વરા ભાસ્કરે EVMની કાર્યપ્રણાલી પર સવાલો શરૂ કરી દીધા છે.
સ્વરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું છે કે, “આખો દિવસ મતદાન બાદ પણ EVM મશીન 99% ચાર્જ કઈ રીતે હોય શકે છે? ઇલેક્શન કમિશન જવાબ આપે. અણુશક્તિ વિધાનસભામાં જેવી 99% ચાર્જ મશીનો ખોલવામાં આવ્યાં કે તરત જ ભાજપ સમર્થિત NCPને મત મળવા લાગ્યા. આખરે આવું કેમ?”
पूरा दिन वोट होने के बावजूद EVM मशीन 99% कैसे चार्ज हो सकती है ? इलेक्शन कमीशन जवाब दे.. @ECISVEEP @SpokespersonECI
— Swara Bhasker (@ReallySwara) November 23, 2024
अणुशक्ति नगर विधानसभा में जैसे ही 99% चार्ज मशीने खुली उसके बीजेपी समर्थित एनसीपी को वोट मिलने लगे आख़िर कैसे ? @NCPspeaks
સાથે એ પણ નોંધવા જેવું છે કે, હારને નજર સમક્ષ આવતી જોઈને શિવસેના (UBT) નેતા સંજય રાઉત પણ રઘવાયા થઈ ગયા હતા. શિવસેના (ઉદ્ધવ જૂથ) નેતા સંજય રાઉતે દર વખતની જેમ જનાદેશ માનવાના સ્થાને ગોળગોળ વાતો કરવા માંડી હતી. તેમણે કહ્યું હતું કે, “અમે આ જનતાનો આદેશ છે તેવું માનવા જ તૈયાર નથી અને ભાજપે ગડબડ કરી છે.” રાઉતે વધુમાં કહ્યું હતું કે, “મહારાષ્ટ્રની જનતાનું મન અમને ખબર છે. આ મહારાષ્ટ્રની જનતાનો નિર્ણય ન હોય શકે. હું એટલું જ કહીશ કે આ જનતાનો નિર્ણય નથી.”
99%વાળું તૂત અગાઉ પણ નીકળ્યું હતું, ચૂંટણી પંચ કરી ચૂક્યું છે સ્પષ્ટતા
સ્વરા ભાસ્કરે જે EVM મશીનને લઈને સવાલો ઊભા કર્યા છે, તેના જવાબો ચૂંટણી પંચ પહેલાં જ આપી ચૂક્યું છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે સિસ્ટમમાં કે પ્રક્રિયામાં કોઈ ખામી નથી અને હાર ન પચાવી શકવાના કારણે સ્વરા અને તેમના પતિએ ડ્રામા શરૂ કર્યો છે.
હરિયાણા ચૂંટણી પછી આવા સવાલો સર્જાતા ચૂંટણી પંચે સમજાવ્યું હતું કે, EVMમાં જે વૉટિંગ નંબર બતાવવામાં આવે તે અને બેટરી ચાર્જ લેવલ વચ્ચે લિંક હોય છે. અધિકારીઓએ સમજાવ્યું હતું કે, EVMના કંટ્રોલ યુનિટમાં આલ્કલાઇન બેટરીનો ઉપયોગ કરવામાં આવે છે અને ચૂંટણી માટે EVMનો ઉપયોગ શરૂ કરવામાં આવે તે પહેલાં તેની અંદર નવી બેટરી નાખવામાં આવે છે અને તે કામ ઉમેદવારો કે તેમના એજન્ટોની હાજરીમાં થાય છે.
બેટરી 7.5થી 8 વૉલ્ટ વચ્ચેનો વોલ્ટેજ પૂરો પાડે છે. જ્યારે વોલ્ટેજ 7.4 હોય ત્યારે બેટરી કેપિસિટી 99% દર્શાવવામાં આવે છે. EVMના ઉપયોગ સાથે બેટરી ચાર્જ વપરાય તેમ-તેમ તે નીચે આવતું જાય છે. EVM ત્યાં સુધી કામ કરે છે, જ્યાં સુધી બેટરીમાં 5.8 વૉલ્ટ ન હોય. 10% પર પહોંચવા પહેલાં કંટ્રોલ યુનિટ લૉ બેટરી વૉર્નિંગ આપવા માંડે છે.
ચૂંટણી પંચે એ પણ સમજાવ્યું હતું કે, પરિણામના દિવસે બેટરીની કેપેસિટી મૉકપોલ, પોલ અને બેટરીના શરૂઆતના વોલ્ટેજ પર પણ આધાર રાખે છે, જે 7.5થી 8 વૉલ્ટની વચ્ચે હોય છે.