મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના (Bageshwar Dham) પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ (Dhirendra Krishna Shastri) ગુરુવાર, 21 નવેમ્બરે ‘હિંદુ એકતા યાત્રા’ (Hindu Ekta Yatra) પ્રારંભ કરી હતી. આ યાત્રાનો ઉદ્દેશ્ય સનાતન ધર્મની એકતાને પ્રોત્સાહન આપવાનો છે તથા જાતિ-જ્ઞાતિના ભેદભાવો દૂર કરવાનો છે. સમગ્ર દેશમાં આ યાત્રાની ચર્ચા ચાલી રહી હતી પરંતુ જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંઘના (Digvijay Singh) પુત્ર જયવર્ધન સિંઘ (Jayvardhan Singh) આ યાત્રામાં સામેલ થયા ત્યારે તેની ચર્ચાઓ વધુ તીવ્ર બની હતી.
એક તરફ જયવર્ધને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે આ યાત્રામાં ભાગ લઈને સનાતન ધર્મ અને હિંદુ એકતા માટે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું. તો બીજી તરફ તેમના પિતા દિગ્વિજય સિંઘ ‘ભગવા આતંકવાદ’ (Bhagwa Aatankwad) પરના નિવેદનો આપવા માટે કુખ્યાત છે. ત્યારે આ આ યાત્રામાં ભાગ લીધા બાદ જયવર્ધન અને તેમના પિતાની વિરોધાભાસી વિચારધારા અંગે ચર્ચાઓ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે યાત્રામાં સામેલ થઈને જયવર્ધન સિંઘે કહ્યું હતું કે, “આ યાત્રા કોઈ પક્ષની નથી પરંતુ સનાતન ધર્મની છે. જ્ઞાતિવાદ નાબૂદ કરીને સમાજને એક કરવાની જરૂર છે. જો સંતો સનાતન બોર્ડ બનાવવાની વાત કરે છે તો આ વિચાર સાચી દિશામાં છે. અમે સનાતનના ભક્ત છીએ અને હંમેશા રહીશું.”
‘ભારત સ્વાભાવિક જ હિંદુ રાષ્ટ્ર’
આગળ જયવર્ધન સિંઘે કહ્યું હતું કે આ યાત્રા હિંદુઓને એક કરવાનો પ્રયાસ છે, જેમાં તમામ સમાજોને સમાન સન્માન મળવું જોઈએ. જયવર્ધને સનાતનને ભારતનો આત્મા ગણાવ્યો હતો. દરમિયાન તેમણે કહ્યું હતું કે, “દરેક ધર્મ કોઈને કોઈ જગ્યાએથી શરૂ થયો છે, અને હિંદુ ધર્મની શરૂઆત ભારતમાંથી થઈ છે. તેથી ભારત સ્વાભાવિક રીતે હિંદુ રાષ્ટ્ર છે.”
જયવર્ધન સિંઘના પિતા દિગ્વિજય સિંઘ વારંવાર ‘ભગવા આતંકવાદ’ અંગે નિવેદન આપતા હોય છે ત્યારે પિતા-પુત્રની વિચારધારાનો વિરોધાભાસ ચર્ચામાં આવ્યો છે. નોંધનીય છે કે જાતિ આધારિત ભેદભાવ પર સવાલ ઉઠાવતા જયવર્ધને કહ્યું, “આપણા કર્મ સૌથી મહત્વપૂર્ણ છે. ભગવાન કૃષ્ણએ પણ કહ્યું છે કે કર્મથી સમાજનું કલ્યાણ થશે. જો આપણે જ્ઞાતિ-જાતિની સીમાઓ ખતમ કરીશું તો સમાજ અને દેશ બંનેની પ્રગતિ થશે.”
21 નવેમ્બરે શરૂ કરી ‘હિંદુ એકતા યાત્રા’
ધીરેન્દ્ર શાસ્ત્રીએ 21મી નવેમ્બરે બાગેશ્વર ધામથી આ યાત્રા શરૂ કરી હતી, જે 160 કિલોમીટરનું અંતર કાપીને 29મી નવેમ્બરે ઓરછામાં સમાપ્ત થશે. યાત્રા શરૂ કરતા તેણે કહ્યું હતું કે, “આ યાત્રા સનાતન ધર્મનો પ્રચાર કરવા અને હિંદુઓને એક કરવા માટે છે. જાતિ, બોલી અને ભાષાના વિભાજનને દૂર કરવા આપણે એકતાના માર્ગે ચાલવું પડશે.”
શાસ્ત્રીએ એમ પણ કહ્યું હતું કે હિંદુ ધર્મને બચાવવા અને ભારતને ‘વિશ્વગુરુ’ બનાવવા માટે આ જરૂરી છે. તેમણે તમામ ધર્મો અને સમુદાયોને આ યાત્રાનો હિસ્સો બનવા આમંત્રણ આપ્યું હતું. ધીરેન્દ્ર શાસ્ત્રી અને જયવર્ધન સિંઘના નિવેદનોએ હિંદુ એકતા અને જાતિવાદ સામે ઊભા રહેવાના સંદેશને નવી દિશા આપી છે.