છેલ્લા એક દાયકામાં ભારતે વિજ્ઞાનની દુનિયામાં હરણફાળ ભરી છે. ચંદ્રયાન-3ની (Chandrayaan-3) સફળતા બાદ ISROના (Indian Space Research Organisation) વૈજ્ઞાનિકો અન્ય અનેક મિશનો પર કામ કરી રહ્યા છે અને સફળતાપૂર્વક તેને પૂર્ણ પણ કરી રહ્યા છે. તેમાંનું જ એક મિશન છે GSAT-N2 સેટેલાઈટ. ભારતનું સૌથી જટિલ અને અત્યાધુનિક કોમ્યુનિકેશન સેટેલાઈટ (Communication Satellite) GSAT-N2ને ઈલોન મસ્કની કંપની (Elon Musk) સ્પેસએક્સે (SpaceX) લૉન્ચ કર્યું છે. સ્પેસએક્સના ફાલ્કન-9 રોકેટમાં તેને પૃથ્વીની ભ્રમણકક્ષાએ પ્રક્ષેપિત કરવામાં આવ્યું છે. હવે તેનું સંપૂર્ણ નિયંત્રણ ISRO પાસે છે.
GSAT-N2 સેટેલાઈટ લૉન્ચિંગ એ ISROની વ્યાપારી શાખા ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ (NSIL) અને ઈલોન મસ્કની સ્પેસએક્સ વચ્ચેના કરારનો એક ભાગ છે. રોકેટે ઉડાન ભર્યાના 30 મિનિટ બાદ NSILએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી હતી. જેમાં જણાવાયું હતું કે, GSAT-N2ને સફળતાપૂર્વક પૃથ્વીની કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યું છે. સાથે જ ISROની માસ્ટર કંટ્રોલ ફેસિલિટીએ ઉપગ્રહનું નિયંત્રણ પણ સંભાળી લીધું છે. સ્પેસએક્સે તેનો એક વિડીયો પણ પોસ્ટ કર્યો છે.
Deployment of @NSIL_India GSAT-N2 confirmed pic.twitter.com/AHYjp9Zn6S
— SpaceX (@SpaceX) November 18, 2024
આ આખું મિશન ડિજિટલ ઇન્ડિયાની દુનિયામાં ભારત તરફથી માંડવામાં આવેલું એક ઐતિહાસિક પગલું સાબિત થવા જઈ રહ્યું છે. ઈલોન મસ્કની કંપની અને ISROના સંયુક્ત ઉપક્રમે આ સેટેલાઈટને લૉન્ચ કરવામાં આવ્યું છે. જેનો સંપૂર્ણ લાભ ભારતને મળશે. ત્યારે આ મિશન શું છે અને દેશને તેનાથી શું ફાયદો થશે, એ પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે. આપણે આ વિશેષ લેખમાં આ મિશનની વિશેની માહિતી અંગે ચર્ચા કરીશું.
શું છે GSAT-N2 સેટેલાઈટ?
GSAT-N2 એક અત્યાધુનિક કોમ્યુનિકેશન સેટેલાઈટ છે. હાઈસ્પીડ ઈન્ટરનેટની વધતી જતી માંગને જોતાં આ સેટેલાઈટને ડિઝાઇન કરવામાં આવ્યું હતું. આ સેટેલાઈટના કારણે દેશભરમાં ઈન્ટરનેટની દુનિયામાં ક્રાંતિ આવશે. ખાસ કરીને તેવા વિસ્તારો કે, જ્યાં દાયકાઓથી નેટવર્ક અને ઈન્ટરનેટ નથી પહોંચ્યું, ત્યાં પણ આ સેટેલાઈટની મદદથી ઈન્ટરનેટ સેવા પ્રદાન કરવામાં આવશે. આ સેટેલાઈટનું વજન 4700 કિલોગ્રામ હોવાનું કહેવાય રહ્યું છે, ઉપરાંત તે 14 વર્ષ સુધી એક્ટિવ રહીને ભારતના લોકોને હાઈસ્પીડ ઈન્ટરનેટ કનેક્ટિવિટી પણ પ્રદાન કરતું રહેશે.
આ મિશનને લઈને ISROએ જણાવ્યું છે કે, GSAT-N2 સેટેલાઈટમાં બહુવિધ સ્પોટ બીમ છે અને તેને નાના યુઝર ટર્મિનલ્સ દ્વારા મોટા યુઝર બેઝને સપોર્ટ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ISRO અનુસાર, GSAT-N2માં 32 યુઝર બીમ છે. ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં 8 નેરો સ્પોટ બીમ અને 24 વાઈડ સ્પોટ બીમ બાકીના ભારતને આવરી લે છે. આ બીમને સમગ્ર ભારતમાં હબ સ્ટેશનો દ્વારા સપોર્ટ કરવામાં આવશે. સેટેલાઈટનું કેએ-બેન્ડ હાઈ-થ્રુપુટ કોમ્યુનિકેશન પેલોડ આશરે 48 Gbpsની હાઈસ્પીડ ઈન્ટરનેટ સેવાઓ પ્રદાન કરશે.
શા માટે સ્પેસએક્સ દ્વારા કરાયું લૉન્ચિંગ?
અહીં ખૂબ મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે, ISRO દુનિયાની સૌથી સફળ સ્પેસ એજન્સી હોવા છતાં શા માટે સ્પેસએક્સની સુવિધાનો ઉપયોગ કરવામાં આવ્યો. તો તેનો સરળ ઉત્તર એ છે કે, ISRO તાજેતરમાં અન્ય પણ ઘણા મિશનો પર કામ કરી રહ્યું છે. તે ઉપરાંત આ સેટેલાઈટનું વજન પ્રમાણમાં ખૂબ વધુ છે. તેનું વજન 4700 કિલોગ્રામ છે. ભારતનું સૌથી શક્તિશાળી રોકેટ LVM-3 લગભગ 4000 કિલોગ્રામ સુધીનું સેટેલાઈટ અંતરીક્ષમાં લૉન્ચ કરવા સક્ષમ છે. આ પણ એક કારણ છે કે, ISROએ સ્પેસએક્સની સુવિધાનો ઉપયોગ કર્યો છે. જોકે, ભારત પોતાના ભારે ઉપગ્રહોને લૉન્ચ કરવા માટે યુરોપીય એજન્સી એરિયનસ્પેસ પર નિર્ભર હતું, પરંતુ હવે ઈલોન મસ્કની સ્પેસએક્સ સાથે કરાર કરવામાં આવ્યો છે.
દેશને શું થશે ફાયદો અને શું છે GSAT-N2ની ખાસિયતો?
GSAT-N2 ઉપગ્રહને ખાસ કરીને દૂરના અંતરિયાળ વિસ્તારોમાં કોમ્યુનિકેશન સિસ્ટમ સુધારવા માટે બનાવવામાં આવ્યો છે. પહેલાં આ સેટેલાઈટને GSAT-20 નામ આપવામાં આવ્યું હતું, પરંતુ ISROએ તેમાં સુધારો કરીને તેને નવું નામ GSAT-N2 આપ્યું છે. ISROએ કહ્યું છે કે, તે અનિવાર્યપણે દૂરના અને અંતરિયાળ વિસ્તારોમાં બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સુવિધા પ્રદાન કરશે. તે 48 GB પ્રતિ સેકન્ડની સ્પીડે ઈન્ટરનેટ સેવા પ્રદાન કરી શકવા માટે સક્ષમ છે. ISROએ જણાવ્યું છે કે, આગામી થોડા દિવસોમાં જ આ સુવિધાને દેશ માટે શરૂ કરી દેવામાં આવશે.
આ સેટેલાઈટની મદદથી આંદામાન-નિકોબારના ટાપુઓ, જમ્મુ-કાશ્મીર અને લક્ષદ્વીપ સહિતના અનેક અંતરિયાળ વિસ્તારોમાં હાઈસ્પીડ ઈન્ટરનેટ અને કોમ્યુનિકેશન સર્વિસિસ આપવામાં આવશે. આ સેટેલાઈટની મદદથી કોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રકચર પણ ખૂબ મજબૂત થશે. કારણ કે, જંગલ વિસ્તાર કે અંતરિયાળ વિસ્તારમાં પણ કોઈ નાગરિક સરળતાથી કોમ્યુનિકેટ કરી શકશે. આ સેટેલાઈટ દ્વારા કેન્દ્ર સરકારની ‘સ્માર્ટ સિટી’ પહેલને પણ પ્રોત્સાહન મળશે, કારણ કે કોમ્યુનિકેશન સિસ્ટમ મજબૂત થશે.
સૌથી મહત્વની વાત તો એ છે કે, આ સેટેલાઈટ દ્વારા વિમાનમાં પણ હાઈસ્પીડ ઈન્ટરનેટની સેવાનો આનંદ માણી શકાશે. વર્તમાન સમયમાં જ્યારે પણ ઇન્ટરનેશન ફ્લાઇટ ભારતના એરસ્પેસમાં દાખલ થાય છે કે તરત જ તેને ઈન્ટરનેટ સેવા બંધ કરવાની ફરજ પડે છે. કારણ કે, ભારતમાં આવી સેવાઓની પરવાનગી આપવામાં આવતી નહોતી. પરંતુ, તાજેતરમાં જ ભારત સરકારે વિમાનમાં મુસાફરી દરમિયાન ઈન્ટરનેટ સુવિધા આપવાના નિયમોના સંશોધન કર્યું છે.
હવે નવા નિયમો અનુસાર, 3 હજાર મીટરથી વધુની ઊંચાઈ પર ફ્લાઇટમાં વાઇફાઈ સુવિધા આપવામાં આવી શકે છે. જોકે, યાત્રિકો આ સેવાનો ઉપયોગ ત્યારે જ કરી શકશે, જ્યારે ફ્લાઇટમાં ઇલેક્ટ્રોનિક ડિવાઇસના ઉપયોગની મંજૂરી મળી શકશે. પરંતુ, ટૂંક સમયમાં જ આ બધી કાર્યવાહીઓ હાથ ધરવામાં આવશે. થોડા દિવસો બાદ સેટેલાઈટ ઓપરેશનલ મોડમાં આવશે, જે પછી દેશભરમાં હાઈસ્પીડ ઈન્ટરનેટની સુવિધા મળી શકશે. દેશના કોઈપણ ખૂણે, કોઈપણ વિસ્તારમાં નાગરિકો સરળતાથી કોમ્યુનિકેટ કરી શકશે અને હાઈસ્પીડ ઈન્ટરનેટનો આનંદ માણી શકશે. ડિજિટલ ઇન્ડિયાની દુનિયામાં આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.