Tuesday, November 19, 2024
More

    ઈલોન મસ્કની સ્પેસએક્સે સફળતાપૂર્વક લૉન્ચ કર્યો ISROનો GSAT-N2 સેટેલાઈટ

    ચંદ્રયાન-3ની સફળતા બાદ ISROએ (Indian Space Research Organisation) ક્યારેય પાછળ ફરીને જોયું નથી. તે જ અનુક્રમે હવે ભારત ડિજિટલ ઇન્ડિયા (Digital India) તરફ વધુ એક ડગ માંડતું જોવા મળી રહ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, ઈલોન મસ્કની (Elon Musk) કંપની સ્પેસએક્સે (SpaceX) ઇન્ડિયન સ્પેસ એજન્સી ISROના સેટેલાઈટ GSAT-N2ને સફળતાપૂર્વક લૉન્ચ કર્યો છે. આ ઓપરેશન સ્પેસએક્સ અને ISROનો સંયુક્ત ઓપરેશન માનવામાં આવી રહ્યું છે, જેના માટે ભૂતકાળમાં કરાર પણ કરવામાં આવ્યા હતા.

    સ્પેસએક્સના શક્તિશાળી રોકેટ ફાલ્કન 9એ ફ્લોરિડાના કાનાવેરલ સ્પેસ સ્ટેશનથી ભારતીય સેટેલાઈટને લૉન્ચ કર્યો છે. GSAT-N2 સેટેલાઈટ દ્વારા દેશની બ્રોડબેન્ડ સેવાઓને પ્રગતિ મળી શકશે. આ પહેલી વાર બન્યું છે કે, ઇસરોએ પોતાના સેટેલાઈટને અંતરીક્ષમાં લૉન્ચ કરવા માટે સ્પેસએક્સની સુવિધાનો ઉપયોગ કર્યો હોય.

    GSAT-N2 સેટેલાઈટને ખાસ કરીને હાઈસ્પીડ ઈન્ટરનેટ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. તેના સફળ લૉન્ચિંગ બાદ દેશભરમાં ઈન્ટરનેટની સ્પીડમાં અનેક ગણો વધારો આવશે. આ ઉપરાંત વિમાનમાં પણ હાઈસ્પીડ ઈન્ટરનેટની સેવાઓ મળી શકશે. દેશના કોઈપણ ખૂણે ઈન્ટરનેટ સરળતાથી પહોંચી શકશે.