સમગ્ર ઘટના 17 નવેમ્બર બપોરની છે. બપોરે લગભગ સાડા ત્રણ વાગ્યે ભારતીય કોસ્ટ ગાર્ડના ICG અગ્રીમ પાસે એક ઈમરજન્સી કોલ આવ્યો હતો. મદદ માટે આવેલો આ કોલ ભારતીય ફિશિંગ બોટ કાલભૈરવ માટે કરવામાં આવ્યો હતો. આ બોટમાં સવાર માછીમારો નો ફિશિંગ ઝોન (NFZ) પાસે માછલીઓ પકડી રહ્યા હતા.
અહેવાલો અનુસાર આ મામલે કોસ્ટ ગાર્ડ વિભાગે માહિતી આપતા કહ્યું હતું કે, “બપોરે 15:30 વાગ્યે, પેટ્રોલિંગ પર રહેલા ICG જહાજને NFZ નજીક કાર્યરત એક ભારતીય માછીમારી બોટ તરફથી એક ઈમરજન્સી કોલ મળ્યો હતો. કોલમાં જણાવવામાં આવ્યું હતું કે અન્ય ભારતીય માછીમારી બોટ ‘કાલભૈરવ’ને PMSAના જહાજ દ્વારા અટકાવવામાં આવી છે અને બોટમાં સવાર સાત ભારતીય ક્રૂ મેમ્બરોને પકડી લેવામાં આવ્યા છે.”
@IndiaCoastGuard rescued 07 fishermen apprehended by Pakistan Maritime Security Agency (PMSA) near the #India #Pakistan maritime boundary on 17 Nov 24. #ICG swiftly responded to a distress call, intercepted PMSA, and ensured the safe return of the crew. #ICG remains committed to… pic.twitter.com/pP1GiTS8SC
— Indian Coast Guard (@IndiaCoastGuard) November 18, 2024
આ પછી ભારતીય કોસ્ટ ગાર્ડ તરત જ એક્શનમાં આવ્યું અને તેના જહાજને ભારત-પાકિસ્તાન મેરીટાઇમ બાઉન્ડ્રી (IMBL) નજીકના સ્થાન પર મોકલ્યું હતું. બે-અઢી કલાક સુધીની સમજાવટ અને ધમકી બાદ ભારતીય માછીમારોને છોડી દેવામાં આવ્યા હતા. પરંતુ ‘કાલભૈરવ’ નાવ તૂટી ગઈ હતી તેથી તે સમુદ્રમાં ડૂબી ગઈ.
ભારતીય કોસ્ટ ગાર્ડે સમુદ્રમાં બચાવ માટે ગયેલા જહાજ અને બચાવવામાં આવેલા માછીમારોના ફોટોસ અને વિડીયો તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કર્યો હતો. કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે, “ICG જહાજ સાત માછીમારોને બહાર કાઢવામાં સફળ રહ્યું હતું, જેમની તબીબી સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું. દુર્ભાગ્યવશ, ભારતીય માછીમારી બોટ કાલભૈરવ ઘટના દરમિયાન ક્ષતિગ્રસ્ત થઇ અને ડૂબી ગઈ હતી.”
નોંધનીય છે કે ભારતીય જહાજ સોમવાર 18 નવેમ્બરે ગુજરાતના ઓખા બંદરે પરત ફર્યું હતું. જે પછી ICG, ગુજરાત પોલીસ, ગુપ્તચર એજન્સીઓ અને ફિશરીઝ વિભાગ દ્વારા PMSA જહાજ અને IFB કાલભૈરવ વચ્ચે થયેલી આ અથડામણ મામલે સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે માછીમારોની પૂછપરછ પણ કરી હતી.