કેનેડા, અમેરિકા અને બ્રિટન બાદ હવે ન્યુઝીલેન્ડમાં (New Zealand) ખાલિસ્તાની આતંકવાદીઓ હરકતમાં આવ્યા છે. ભારતમાં પ્રતિબંધિત ખાલિસ્તાની આતંકવાદી સંગઠન ‘શીખ ફોર જસ્ટીસ’ (SFJ) દ્વારા 17 નવેમ્બરના રોજ તથાકથિત ‘જનમત સંગ્રહ’નું (Referendum) આયોજન કર્યું હતું. દરમિયાન ભારત વિરોધી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા અને ખાલિસ્તાનના (Khalistan) ઝંડા પણ ફરકાવવામાં આવ્યા. આ બધા વચ્ચે ન્યુઝીલેન્ડના સ્થાનીય લોકોએ ખાલિસ્તાનીઓનો વિરોધ નોંધાવ્યો. ન્યુઝીલેન્ડના એક નાગરિકે ‘જનમત સંગ્રહ’ના સ્થાન પર જઈને ખાલિસ્તાનીઓનો છડેચોક વિરોધ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર પોતાની ધરતી પર ભારત વિરોધી ગતિવિધિઓ જોઇને ન્યુઝીલેન્ડના નાગરિકોમાં આક્રોશ અને નારાજગી જોવા મળી. ખાલિસ્તાન સમર્થન પ્રદર્શન દરમિયાન ન્યુઝીલેન્ડના લોકો તેમનો વિરોધ કરતા જોવા મળ્યા. આ દરમિયાન ન્યુઝીલેન્ડનો એક નાગરિક ‘જનમત સંગ્રહ’વાળા સ્થાને પહોંચી ગયો હતો અને ખાલિસ્તાનીઓને ભાંડયા હતા. તેમણે માઈક પર ખાલિસ્તાનીઓને તેમના દેશ પરત જવા કહ્યું હતું. આ સાથે જ તેમણે ખાલિસ્તાનના ઝંડા ફરકાવવા લઈને પણ વિરોધ નોંધાવ્યો હતો.
ગો બેક…અમે અમારા દેશમાં અમારો ધ્વજ ફરકાવીએ છીએ, પીળો પાકિસ્તાની ઝંડો નહીં
નોંધનીય છે કે પત્રકાર મોચા બેજિરગન દ્વારા X પર પોસ્ટ કરવામાં આવેલા વિડીયોમાં તે ન્યુઝીલેન્ડના નાગરિકને બહાદૂરીપૂર્વક એકલા હાથે ખાલિસ્તાનીઓનો વિરોધ કરતા જોઈ શકાય છે. તેઓ એક હાથમાં મોબાઈલ ફોન અને એક હાથમાં માઈક લઈને કહી રહ્યા છે કે, “તમારી હિંમત કેવી રીતે થઈ? શું વિચારો છો કે તમે આ દેશમાં આવી શકો છે, જ્યાંના સૈનિક આ દેશને છોડીને વિદેશી ધરતી પર દફનાવવામાં આવ્યા છે, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયાની ધરતી પર દફનાવવામાં આવ્યા છે. તેઓ આ દેશ માટે ગયા હતા, તેમણે લોહી વહાવ્યું અને દેશ માટે પ્રાણ આપી દીધા. તમને લાગે છે કે તમે અહીં આવીને બીજા દેશનો ઘૃણાજનક પીળો ઝંડો ફરકાવશો? તમારી હિંમત કેવી રીતે થઈ? શું સમજો છો તમે તમારી જાતને?”
ન્યુઝીલેન્ડના નાગરિકે ખાલિસ્તાનીઓનો વિરોધ કરતા કહ્યું કે, “તમારા દેશ પાછા જાઓ, ત્યાં જઈને જેમ કરવું હોય તેમ કરો. તમે લોકો અહીંયા અતિક્રમણ કરી રહ્યા છો, અમારા દેશમાં તમારું સ્વાગત નથી, તમે આવકાર્ય નથી. અમે માત્ર લાલ, સફેદ અને ભૂરા રંગનો ઝંડો ફરકાવીએ છીએ જે અમારા દેશ ન્યુઝીલેન્ડનો છે. તમે બધા તમારા દેશ પાછા જાઓ. અહીં ન્યુઝીલેન્ડનો ઝંડો ફરકશે, પીળો પાકિસ્તાની નહીં.”
“HOW DARE YOU!” screamed a New Zealand man protesting against the crowd gathered at the Khalistan “referendum” in Auckland. He appeared offended by the overwhelming presence of Khalistan flags compared to New Zealand’s.
— Mocha Bezirgan 🇨🇦 (@BezirganMocha) November 17, 2024
“Go back to your own country! Don’t bring your foreign… pic.twitter.com/TAqEtQiZCx
સ્થાનિક ભારતીયો પણ ખાલિસ્તાનીઓના વિરોધમાં
બીજી તરફ આ સમગ્ર ઘટનાક્રમને લઈને ન્યુઝીલેન્ડમાં વસતા ભારતીયોએ પણ ચિંતા જાહેર કરી છે. અહીં વસતા કેટલાક શીખ સમુદાયના લોકોએ પોતાને આ બધાથી અલગ રાખ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યાં વસતા ભારતીયોનું કહેવું છે કે આ પ્રકારની ગતિવિધિઓથી સામાજિક સૌહાર્દ બગડી શકે અને મતભેદ ઉભા થઇ શકે તેમ છે. આ મામલે ન્યુઝીલેન્ડ ઇન્ડિયન સેન્ટ્રલ એસોસિએશનના અધ્યક્ષ નરેન્દ્ર ભાનાએ પ્રતિક્રિયા આપતા દેશમાં વસતા ભારતીયોને શાંતિભંગ કરતા ‘વિદેશી પરિબળો’ વિરુદ્ધ એકતા અને સતર્કતા દાખવવા આહ્વાન કર્યું હતું.
તેમણે કહ્યું હતું કે, “ન્યુઝીલેન્ડમાં વસતા ભારતીય સમુદાયે આ પ્રકારના બહારના તમામ પ્રભાવોનો અસ્વીકર કરવા માટે એકજુથ થવું જોઈએ. ભારતીયોએ ન્યુઝીલેન્ડના મુલ્યો, વિવિધ સંસ્કૃતિઓ અને સન્માનનીય બાબતોના અભિન્ન અંગ સ્વરૂપ ન હોય તેવી બાબતોથી પોતાને દૂર રાખીને તેવા પરિબળોથી અંતર જાળવી રાખવું જોઈએ.”
ભારત અને ન્યુઝીલેન્ડના સંબંધો, વિદેશમંત્રી પહેલા જ કરી ચૂક્યા છે વિરોધ
નોંધવું જોઈએ કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના સંબંધો સકારાત્મક અને સૌહાર્દપૂર્ણ છે. ભારતીય વિદેશમંત્રી એસ જયશંકર અને ન્યુઝીલેન્ડના વિદેશમંત્રી વિંસ્ટન પીટર્સ વચ્ચે ચાલુ વર્ષમાં અનેક મુલાકાતો થઈ ચૂકી છે. બંને દેશો વચ્ચે શિક્ષણ, ટેકનોલોજી, કૃષિ, ગતિશીલતા અને હિંદ-પ્રશાંત ક્ષેત્રની શાંતિ માટે ઊંડાણમાં ચર્ચાઓ-ક્રિયાઓ થઇ છે. આ મહિનાની શરૂઆતમાં જ તેઓ બંને મળ્યા હતા. તેવામાં ગત 6 નવેમ્બરના રોજ એસ જયશંકર દ્વારા ખાલિસ્તાનીઓનો વિરોધ કરીને તેમને સ્ટેન્ડ ન આપવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ન્યુઝીલેન્ડમાં આ પ્રકારની ગતિવિધિઓથી વેલિંગ્ટન અને દિલ્હી વચ્ચેના સંબંધો પર અસર પડી શકે છે.