Monday, November 25, 2024
More
    હોમપેજગુજરાતકચ્છમાં ફરી ત્રાટક્યા ચોર: રાપરના કાનમેરમાં એક સાથે 8 મંદિરોમાં ચોરી, આ...

    કચ્છમાં ફરી ત્રાટક્યા ચોર: રાપરના કાનમેરમાં એક સાથે 8 મંદિરોમાં ચોરી, આ પહેલાં ચિત્રોડમાં ભાંગ્યા હતા 9 ધર્મસ્થાનો, ઘટના બાદ સ્થાનિકોમાં રોષ

    કચ્છ પૂર્વના રાપર તાલુકાના કાનમેર ગામના લોકો જયારે સવારે ઉઠ્યા, ત્યારે ફરી એક વાર મંદિરો ભંગાયા હોવાની જાણ થઈ હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આ વખતે પણ ચોર મોડી રાત્રે 1થી 2 વાગ્યાના અરસામાં ચોર ત્રાટક્યા હશે. તપાસ કરવામાં આવતા ગામમાં 1-2 નહીં, પરંતુ એક સાથે 8 મંદિરોના તાળા તૂટ્યા હોવાનું સામે આવ્યું.

    - Advertisement -

    કચ્છના રાપર (Kutchch Rapar) તાલુકામાં થોડા દિવસ પહેલાં ચિત્રોડ ગામના અલગ-અલગ 9 મંદિરોમાં ચોરી (Theft in temples) થતા ઓહાપો મચી ગયો હતો. ત્યારે હજુ એ ઘટના પોલીસ માટે વણઉકેલાયી છે ને હવે ઘટનાના છઠ્ઠા દિવસે રાપર તાલુકાના જ કાનમેર ગામે એક સાથે 8 મંદિરોમાં ચોરી થઈ છે. ફરી પાછી થયેલી ચોરીથી આખા વાગડ (Vagad) પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ફરી એક વાર ગાગોદર પોલીસ દોડી ગઈ હતી.

    પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છ પૂર્વના રાપર તાલુકાના કાનમેર ગામના લોકો જયારે સવારે ઉઠ્યા, ત્યારે ફરી એક વાર મંદિરો ભંગાયા હોવાની જાણ થઈ હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આ વખતે પણ ચોર મોડી રાત્રે 1થી 2 વાગ્યાના અરસામાં ત્રાટક્યા હશે. તપાસ કરવામાં આવતા ગામમાં 1-2 નહીં, પરંતુ એક સાથે 8 મંદિરોના તાળા તૂટ્યા હોવાનું સામે આવ્યું. જોત-જોતામાં સમાચાર વાયુ વેગે પ્રસરી ગયા અને લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા.

    ફરી ગાગોદર પોલીસ દોડતી થઈ

    બીજી તરફ ચિત્રોડની જેમ કાનમેર પણ ગાગોદર પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. ઘટનાની જાણ કરવામાં આવતા જ ગાગોદર પોલીસ સ્ટેશનનો સ્ટાફ વહેલી સવારે જ કાનમેર દોડી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા 8 મંદિરોમાં ચોરી થઈ હોવાની પુષ્ટિ થઈ હતી. મહત્વનું છે કે ચિત્રોડમાં થોડા દિવસ પહેલાં 9 મંદિરોમાં (કેટલાક અહેવાલોમાં 11) તસ્કરો ત્રાટક્યા હોવાથી પોલીસની મૂંઝવણ વધી રહી છે. હજુ સુધી પોલીસ કોઈ નક્કર પગેરું નથી શોધી શકી.

    - Advertisement -

    આ મામલે ગાગોદર પોલીસ સ્ટેશનના PSIએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, હાલ ચોરીની ઘટનાઓની તપાસ ચાલુ છે. કાનમેરમાં બે લોકોને રાઉન્ડ-અપ કરવામાં આવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, પોલીસ વહેલામાં વહેલી તકે આ ચોરીનો ભેદ ઉકેલવા માટે કામ કરી રહી છે. વધુ માહિતી મળ્યા બાદ જ આ મામલે કશું કહી શકાશે તેમ તેમણે જણાવ્યું હતું.

    ચિત્રોડમાં એક જ રાતમાં 9થી વધુ મંદિરોમાં ચોરી

    નોંધનીય છે કે, ગાગોદર પોલીસ સ્ટેશનની જ હદમાં આવતા ચિત્રોડ ગામમાં થોડા દિવસ પહેલાં જ તસ્કરો ત્રાટક્યા હતા. ચિત્રોડ અને આસપાસના વિસ્તારોમાં લગભગ 9થી વધુ મંદિરોમાં એકસાથે ચોરી થઈ હતી. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઘટનામાં ચોરોએ ચિત્રોડ, જેઠાસરી અને મેવાસા સહિતના ગામોના હિંદુ મંદિરોને ટાર્ગેટ કર્યા હતા.

    તસ્કરોએ રાત્રે આ ગામોમાં આવેલાં રામ મંદિર, સિદ્ધયાત્રી મંદિર વગેરે નાનાંમોટાં મંદિરોને નિશાન બનાવ્યાં હતાં. જેની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગામલોકો મંદિરે દોડી ગયા હતા અને ત્યારબાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જાણ થતાં જ ગાગોદર પોલીસ મથકના પીઆઈ અને તેમનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યા હતા અને પ્રાથમિક જાણકારી મેળવીને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. પછીથી ગામના એક નાગરિકની ફરિયાદના આધારે પોલીસે ફરિયાદ દાખલ કરી હતી.

    નોંધનીય છે કે, ઘટનાની ગંભીરતા સમજતાં પોલીસ વડાએ કેસની તપાસ કરવા માટે એક SIT રચવાનો નિર્ણય લીધો હતો. જોકે, SIT કોઈ તપાસ કરે તે પહેલાં જ રાપર તાલુકાના જ કાનમેર ગામે એક સાથે 8 મંદિરોમાં ચોરી થવાની ઘટનાએ પોલીસ પ્રશાસનને દોડતું કરી દીધું છે. હાલ પોલીસ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને સ્થાનિક સૂત્રોની મદદથી વધુ વિગતો મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં