દિલ્હીના (Delhi) પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના (AAP) કન્વીનર અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) દિવાળીને લઈને દિલ્હીવાસીઓને ફટાકડા (Firecrackers) ન ફોડવાનો સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું છે કે, ફટાકડા ફોડવાથી પ્રદૂષણ (Pollution) થાય છે. ઉપરાંત તેમણે કહ્યું હતું કે, દિવાળી તો પ્રકાશનો પર્વ છે, તેથી દિવાઓ સળગાવવા જોઈએ, પરંતુ ફટાકડા ના ફોડવા જોઈએ. આ ઉપરાંત તેમણે વડાપ્રધાન મોદી અને આયુષ્માન ભારત યોજનાને લઈને પણ નિવેદન આપ્યું હતું
બુધવારે (30 ઑક્ટોબર) AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી. દરમિયાન તેમણે RSSના વડા મોહન ભાગવતના દિવાળી પરના નિવેદન પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ પણ કહે છે કે, પ્રદૂષણ ના કરો. તેમણે કહ્યું કે, “દિવાળી પર ફટાકડા ન ફોડો. ફટાકડા ફોડવાથી પ્રદૂષણ થાય છે. તમે આવું કરીને કોઈ અહેસાન નથી કરી રહ્યા. આપણે આપણાં પર જ અહેસાન કરી રહ્યા છીએ. જે પણ પ્રદૂષણ થશે તેને આપણાં નાના બાળકો જ સહન કરશે.”
#WATCH | Delhi: On ban over firecrackers in Delhi, AAP National Convenor Arvind Kejriwal says "…Even the Supreme Court and High Court say that in view of the pollution, we should not burst crackers, we should light diyas. This is the festival of lights and not firecrackers. It… pic.twitter.com/R7LVunG8OK
— ANI (@ANI) October 30, 2024
તેમણે વધુમાં કહ્યું કે, “ફટાકડા ન ફોડવા પર કોઈ હિંદુ અને મુસલમાન જેવું નથી. બધાના શ્વાસો જરૂરી છે અને બધાના જીવન જરૂરી છે. તહેવારની સાચી ભાવના ધુમાડો કરવામાં નહીં, પણ પ્રકાશ પાથરવામાં છે.” આ ઉપરાંત તેમણે પરંપરા કરતાં આરોગ્ય પર વધુ ભાર આપવાની વાત પણ કરી હતી.
AAPના કાર્યકર્તાઓએ જ કર્યો હતો ધુમાડો
નોંધવા જેવું એ છે કે, 13 સપ્ટેમ્બરના રોજ દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટે કેજરીવાલના શરતી જામીન મંજુર કર્યા હતા. જામીન મળ્યા બાદ જામીનની ઉજવણી કરવા AAP કાર્યકર્તાઓએ જ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાન, તથા આમ આદમી પાર્ટીના દિલ્હી કાર્યાલયે ફટાકડા ફોડીને ધુમાડો કર્યો હતો. જે બાદ સરકારે મુકેલ પ્રતિબંધનો ભંગ કરવા બદલ ફટાકડા ફોડનારા અજાણ્યા AAP કાર્યકરો વિરુદ્ધ સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં FIR પણ નોંધવામાં આવી છે.
આ ઘટનાના થોડા દિવસો પહેલાં, દિલ્હી સરકારે રાજધાનીમાં વાયુ પ્રદૂષણના મુદ્દાનો હવાલો આપીને 1લી જાન્યુઆરી 2025 સુધી તમામ પ્રકારના ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધની જાહેરાત કરી દીધી હતી. રાજ્યના પર્યાવરણમંત્રી ગોપાલ રાયે જણાવ્યું હતું કે, હવા (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, 1981 હેઠળ લાગુ કરાયેલ પ્રતિબંધ, ‘ગ્રીન’ ફોરક્રેકર્સ સહિતના તમામ ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગને આવરી લે છે.