Wednesday, October 30, 2024
More
    હોમપેજદેશઈલોન મસ્કના સેટેલાઇટ ઇન્ટરનેટની ભારતના જિયો અને એરટેલ ટેલિકોમ પર કેવી થશે...

    ઈલોન મસ્કના સેટેલાઇટ ઇન્ટરનેટની ભારતના જિયો અને એરટેલ ટેલિકોમ પર કેવી થશે અસર?: જાણો શું છે સ્ટારલિંક અને કેવી રીતે કરશે કામ

    - Advertisement -

    ઈલોન મસ્ક (Elon Musk) તેની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા સ્ટારલિંક (Starlink) ભારતમાં લોન્ચ કરવા માંગે છે. જોકે, સ્ટારલિંકના ભારતમાં પ્રવેશે દેશના ટેલિકોમ ક્ષેત્ર માટે જટિલ જિયોપોલિટિક્સ (Geopolitics), તકનીકી અને આર્થિક પ્રશ્નો ઉભા કર્યા છે. તાજેતરમાં, ભારત સરકારે હરાજીના (Auction) બદલે વહીવટી માર્ગ દ્વારા સ્પેક્ટ્રમ ફાળવણી ઓફર કરવાનો નિર્ણય કર્યો હતો.

    ઈલોન મસ્ક દ્વારા હરાજીના ફોર્મેટ સામે વાંધો ઉઠાવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારના આ નિર્ણયને સ્થાનિક ઓપરેટરો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, જેમાંથી કેટલાકે તેની સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી. ભારતમાં સ્ટારલિંક આવવાથી ખાસ કરીને દૂરના અને ગ્રામીણ વિસ્તારોમાં કનેક્ટિવિટી પર પરિવર્તનકારી અસર થઈ શકે છે. જોકે, એવી ચિંતા છે કે સ્ટારલિંક દેશના હાલના ટેલિકોમ્યુનિકેશન લેન્ડસ્કેપમાં મુશ્કેલી ઉભી કરી શકે છે.

    વધુમાં, એવી અટકળો છે કે સ્ટારલિંકની કિંમત મોટાભાગના ગ્રાહકો માટે પરવડે તેવી નથી. જો એમ હોય, તો આ પહેલ ભારતમાં ઈન્ટરનેટ માટે વધુ કિંમત ચૂકવી શકે તેવા પસંદગીના કેટલાક લોકો સુધી મર્યાદિત બની શકે છે. હાલમાં, ટેક્સને બાદ કરતાં 100 Mbpsની ન્યૂનતમ સ્પીડ સાથે હાઇ-સ્પીડ ઇન્ટરનેટ ભારતમાં માત્ર ₹600માં ઉપલબ્ધ છે. જો કોઈ પણ કનેક્ટિવિટી વિકલ્પ ઉપલબ્ધ નહીં હોય તો જ આનાથી વધુ કિંમત ગ્રાહકને સ્ટારલિંક તરફ આકર્ષિત શકશે.

    - Advertisement -

    સ્ટારલિંક શું છે?

    સ્ટારલિંક એ ઈલોન મસ્કની માલિકીની કંપની સ્પેસએક્સ દ્વારા સંચાલિત ઉપગ્રહ ઇન્ટરનેટ ગ્રુપ છે. સ્ટારલિંક પરંપરાગત બ્રોડબેન્ડથી અલગ છે, જે ભૂગર્ભ કેબલ અને સેલ ટાવર પર આધાર રાખે છે. સ્ટારલિંક લો અર્થ ઓર્બિટ (LEO) સેટેલાઇટનો ઉપયોગ કરીને અવકાશમાંથી સીધી હાઇ-સ્પીડ ઇન્ટરનેટ સેવા આપે છે. તેની વેબસાઇટ અનુસાર, દરેક LEO ઉપગ્રહ પૃથ્વીની નજીક ભ્રમણ કરે છે, જે અગાઉના સેટેલાઇટ બ્રોડબેન્ડ મોડલમાં ઉપયોગમાં લેવાતા પરંપરાગત જિયોસ્ટેશનરી ઉપગ્રહો કરતાં ઝડપી ગતિ પ્રદાન કરે છે. સ્ટારલિંકની ટેકનોલોજીનો ઉદેશ્ય અંતરિયાળ અથવા ઓછી સેવા ધરવતા વિસ્તારોમાં સેવા આપવાનો છે, જે કોઈ પર્વત અથવા તો ઊંચાઈ પર મુસાફરી કરતી વખતે પણ સંભવિતપણે સારી માત્રામાં ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે.

    સ્ટારલિંક દ્વારા ઈન્ટરનેટનો ઉપયોગ કરવા માટે, ગ્રાહકોએ મૂળભૂત કીટ ખરીદવી પડશે જેમાં સેટેલાઇટ ડીશ અને રાઉટરનો સમાવેશ થાય છે. એકવાર ઇન્સ્ટોલ થઈ ગયા પછી, ડીશ સ્ટારલિંક સેટેલાઇટ નેટવર્ક સાથે કનેક્ટ થશે અને Wi-Fi રાઉટર દ્વારા ઇન્ટરનેટ પહોંચાડશે.

    ભારતની હાલની ઇન્ટરનેટ સેવાઓ પર અસર

    મૂળભૂત રીતે, ભારતીય ટેલિકોમ સેક્ટરમાં તેના હાઇ-સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ સાથે સ્ટારલિંકનો પ્રવેશ દેશમાં ઇન્ટરનેટ સેવાઓની ગતિશીલતાને નવું સ્વરૂપ આપે એવી સંભાવના છે. રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ સહિતના મોટા ટેલિકોમ પ્રોવાઈડર્સે 5G ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારે રોકાણ કર્યું છે અને શહેરો અને નગરોમાં ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ (FWA) સેવાઓ શરૂ કરી છે. ભારતીય ટેલિકોમ કંપનીઓ અનુસાર, સેટેલાઇટ દ્વારા ઉપલબ્ધ ઇન્ટરનેટ કે જે બ્રોડબેન્ડ સર્વિસ પણ આપતા હોય, તેને એ જ સ્પેક્ટ્રમ એલોકેશન પદ્ધતિ અનુસરવી જોઈએ જે જમીન પર ઉપલબ્ધ બ્રોડબેન્ડ અનુસરતી હોય છે.

    ભારતમાં વર્તમાન વ્યવસ્થામાં ટેરેસ્ટ્રીયલ બ્રોડબેન્ડ આપતી કંપનીઓ સ્પર્ધાત્મક હરાજીમાં સ્પેક્ટ્રમ અધિકારો માટે મોટી રકમ ચૂકવે છે. જો સ્ટારલિંક વહીવટી માર્ગ દ્વારા સ્પેક્ટ્રમ ફાળવણી મેળવે છે, તો તેનો અપેક્ષિત ખર્ચ અન્ય કંપનીઓ કરતાં ઓછો હશે. ભારતીય ટેલિકોમ સેક્ટરની કંપનીઓને એ ડર છે કે જો સ્ટારલિંક ઓછા દરે સ્પેક્ટ્રમ ખરીદશે તો ગ્રાહકોને હાલ કરતા ઓછા દરે પોતાની સર્વિસિસ આપશે, જેથી માર્કેટમાં અયોગ્ય હરીફાઈ જેવી સ્થિતિ સર્જાશે.

    ભારતીય સંદર્ભમાં, કેન્યા જેવા આફ્રિકન દેશોના ઉદાહરણોને ધ્યાનમાં લેવા જોઈએ, જ્યાં સ્ટારલિંકની ઓછી કિંમતની સેવાઓના કારણે સ્થાનિક ટેલિકોમ કંપનીઓ પર દબાણ ઉભું થયું અને સ્થાનિક ઓપરેટરો સાથે ભાગીદારી કરવા માટે વિદેશી સેટેલાઇટ પ્રોવાઈડર્સની માંગ ઉભી થઇ. ભારતી એરટેલના સુનીલ મિત્તલ અને રિલાયન્સ જિયોના મુકેશ અંબાણી જેવા ભારતીય ટેલિકોમ નેતાઓએ સેટેલાઇટ સ્પેક્ટ્રમ ફાળવણી માટે હરાજી આધારિત પ્રક્રિયાનું સમર્થન કરે છે.

    ઉલ્લેખનીય છે કે, પાછલા દાયકામાં સ્પેક્ટ્રમ માટે સામૂહિક રીતે ₹4.8 ટ્રિલિયન કરતાં વધુ ચૂકવણી કરનાર ટેલિકોમ કંપનીઓ માટે આર્થિક દાવ ઘણો ઊંચો છે. આ ફંડ્સે સમગ્ર દેશમાં 5G સેવાઓના વિસ્તરણમાં મદદ કરી છે. આ ઓપરેટરો અનુસાર શહેરી બજારોમાં Jio અને Airtelની 5Gના માધ્યમથી FWA દ્વારા વૃદ્ધિની તકો વચ્ચે સ્ટારલિંક તેમની આવકને જોખમમાં મૂકી શકે છે.

    વૈશ્વિક સેટેલાઇટ સ્પેક્ટ્રમ મૂંઝવણ – બ્રાઝિલ અને ‘વહીવટી’ ફાળવણીની ચર્ચા

    એ નોંધવું જોઈએ કે 7-8 ગીગાહર્ટ્ઝથી વધુના શેર કરેલ સ્પેક્ટ્રમ માટે વહીવટી ફાળવણીનો અભિગમ વિશ્વવ્યાપી બન્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ, મેક્સિકો અને બ્રાઝિલ સહિતના કેટલાક દેશોએ સેટેલાઇટ સ્પેક્ટ્રમની હરાજી કરવાનો પ્રયોગ કર્યો છે. જોકે, તેમને હરાજી મોડલની કિંમત નક્કી કરવી અને તેનો અમલ કરવો મુશ્કેલ લાગ્યો. બ્રાઝિલનો અનુભવ સેટેલાઇટ ઇન્ટરનેટ સેક્ટરમાં નિયમનકારી સંઘર્ષના જોખમોને હાઇલાઇટ કરે છે.

    બ્રાઝિલમાં, મસ્કના સ્ટારલિંક પ્રોજેક્ટ અને રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાની સરકાર વચ્ચે એમેઝોનના અંતરિયાળ વિસ્તારોમાં ઈન્ટરનેટ પ્રદાન કરવામાં સ્ટારલિંકની ભૂમિકાને લઈને વિવાદ ઊભો થયો હતો. દરમિયાન આ એવા પર તેના વપરાશકર્તાઓ દ્વારા ગેરકાયદેસર ખાણકામ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ વિવાદના કારણે ઉચ્ચ-એક્સેસ સેટેલાઇટ ઇન્ટરનેટના સંભવિત સામાજિક-રાજકીય અને પર્યાવરણીય પરિણામો સામે આવ્યા, અને રાષ્ટ્રીય સરહદોની અંદર વિદેશી માલિકીની, ઉચ્ચ-ક્ષમતા ધરાવતી ઇન્ટરનેટ પુરી પાડતી કંપનીઓને સંચાલિત કરવાના પડકારોને પણ ઉજાગર કર્યા.

    સ્પર્ધાત્મક લેન્ડસ્કેપ – ભારતને સ્ટારલિંક અથવા સ્થાનિક નવીનતાની જરૂરિયાત?

    એ વિચારવું આવશ્યક છે કે સ્ટારલિંક શું ઑફર કરી શકે છે અને ભારતીય ટેલિકોમ ઉદ્યોગ પર તેની શું સંભવિત અસર પડશે. પરંતુ મુખ્ય પ્રશ્ન એ છે કે: શું ભારતને સ્ટારલિંકની જરૂર છે, અથવા સ્થાનિક પ્રોવાઈડર્સે કનેક્ટિવિટીના અભાવની ભરપાઈ કરી શકે છે? ભારતના 96% થી વધુ ગામો પહેલેથી જ 4G અથવા 5G મોબાઇલ બ્રોડબેન્ડ સેવાઓ સાથે જોડાયેલા છે, જ્યારે બાકીના અંતરિયાળ વિસ્તારોને જાહેર ભંડોળ અને રાજ્યની આગેવાની હેઠળની પહેલ અંતર્ગત આવરી માટે લક્ષ્યાંકિત કરવામાં આવ્યા છે. આ સિદ્ધિ ભારતના યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન (યુએસઓ) ફંડની ભૂમિકા અને દેશના સૌથી દૂરના વિસ્તારોમાં પણ મોબાઈલ ઈન્ટરનેટ લાવવાના સરકારી પ્રયાસોને દર્શાવે છે.

    જો કે, ઘણા ઉદ્યોગ નિષ્ણાતોએ અવલોકન કર્યું છે કે, ભારતની કનેક્ટિવિટી સમસ્યા હવે ભૌગોલિક પહોંચની નથી, પરંતુ ડિજિટલ સાક્ષરતાની છે. જ્યારે શહેરી ભારત 5G અપનાવવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે ગ્રામીણ વિસ્તારો ઉપકરણ ઍક્સેસ, ડિજિટલ સાક્ષરતા અને ઉપયોગની દ્રષ્ટિએ પાછળ છે.

    ટેલિકોમ સેક્ટરમાં અંતર હોવા છતાં, Jio અને Airtelની આગેવાની હેઠળ ભારતમાં સ્થાનિક ઈન્ટરનેટ પ્રોવાઈડર્સે  લગભગ 1,700 શહેરોમાં 30 લાખથી વધુ ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ (FWA) સબ્સ્ક્રાઇબર્સ ઉભા કર્યા છે, જે સંખ્યા 2030 સુધીમાં વધીને 85-100 મિલિયન થવાની સંભાવના છે.

    આગામી માર્ગ – આગળનો રસ્તો – નવીનતા, સ્પર્ધા અને સાર્વભૌમત્વને સંતુલિત કરવા

    ભારતના વિશાળ અને વૈવિધ્યસભર ભૂગોળને સેવા આપવા માટે મસ્કની સ્ટારલિંકની ક્ષમતા ફાયદાકારક લાગે છે. જો કે, સ્પેક્ટ્રમ માટે વહીવટી ફાળવણી પદ્ધતિનો ઉપયોગ કરવાનો નિર્ણય રાષ્ટ્રીય હિતો સાથે વિદેશી સ્પર્ધાને સંતુલિત કરવા મામલે વ્યાપક પ્રશ્નો ઉભા કરે છે. ભારતમાં ડેટા સુરક્ષા અને નેટવર્ક નિયંત્રણને લઈને ચિંતા ઉભી થઇ રહી છે, તેથી સ્થાનિક ડેટા ડીલીટ કરી સ્ટારલિંક વપરાશકર્તાઓ માટે કડક KYC નિયમન ફરજિયાત કરવામાં આવ્યું છે.

    ગૃહ મંત્રાલય સુરક્ષા મુદ્દાઓની ચકાસણી કરી રહ્યું છે. સુરક્ષાના વિષયને લઈને ગૃહમંત્રાલએ ભારતમાં સ્ટારલિંકને કામગીરી શરૂ કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવાના નિર્ણયમાં વિલંબ કર્યો છે. અંતિમ લાઇસન્સિંગ નિર્ણય ટૂંક સમયમાં લેવાય એવી સંભાવનાઓ છે.

    જો સ્ટારલિંકને લોન્ચ કરવાની પરવાનગી આપવામાં આવે, તો ઓછા-સેવાવાળા પ્રદેશોમાં કનેક્ટિવિટીની સમસ્યાનું સમાધાન કરી શકે છે. જોકે, સ્ટારલિંકના માસિક સબ્સ્ક્રિપ્શન ખર્ચ અને સાધનોની ફી Jio અને Airtel કરતાં ઘણી વધારે હશે. બીજી તરફ કેન્યા જેવા અન્ય દેશોમાં સ્ટારલિંકના ભાવમાં તાજેતરમાં થયેલ ઘટાડો, બજારોમાં પરવડે તેવા ભાવોની જરૂરિયાત અંગે મસ્કની જાગૃતિ દર્શાવે છે. સ્ટારલિંકના ભાવ પરથી અંદાજો લગાવી શકાશે કે શું માસ્ક ખરેખર હાંસિયામાં ધકેલાઈ ગયેલા વિસ્તારોને સેવા આપવા માંગે છે કે કંપની માટે માસિક સબસ્ક્રિપ્શન ભરી શકે એવા ગ્રાહકો ઉભા કરવા માંગે છે.

    નિષ્કર્ષ

    ભારતીય ટેલિકોમ માર્કેટમાં સ્ટારલિંકની સંભવિત એન્ટ્રી ડિજિટલ કનેક્ટિવિટીની જિયોપોલિટિક્સમાં મહત્વની ક્ષણ બની શકે છે. એક તરફ, ભારતીય ટેલિકોમ કંપનીઓએ સ્પેક્ટ્રમ ફાળવણીમાં ન્યાયીપણાને ટાંકીને સ્ટારલિંકની એન્ટ્રી અંગે ચિંતા વ્યક્ત કરી છે. બીજી બાજુ, સરકાર વહીવટી ફાળવણીના વૈશ્વિક ધોરણો તરફ ઝુકી રહી હોય તેવું લાગી રહ્યું છે.

    આગામી મહિનાઓમાં, તે નક્કી કરવામાં આવશે કે શું ઈલોન મસ્કની માલિકીની સ્ટારલિંક સ્પર્ધાત્મક શરતો હેઠળ ભારતમાં પ્રવેશીને સંભવિતપણે ગ્રામીણ અને શહેરી ઈન્ટરનેટ લેન્ડસ્કેપને પુનઃવ્યાખ્યાયિત કરીને ટેક્નોલોજીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફેરફાર કરશે કે કેમ.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં