Wednesday, October 30, 2024
More
    હોમપેજરાજકારણકર્ણાટકની કોંગ્રેસ સરકાર લાવી રહી છે અનામતમાં પણ અનામત: SC કેટેગરીના સબ-ક્વોટા માટે...

    કર્ણાટકની કોંગ્રેસ સરકાર લાવી રહી છે અનામતમાં પણ અનામત: SC કેટેગરીના સબ-ક્વોટા માટે કમિશનની રચના, ભલામણો ન આવે ત્યાં સુધી સરકારી ભરતીઓ પર પ્રતિબંધ

    અગાઉની ભાજપ સરકારના સમયમાં સદાશિવ કમિશને અનુસૂચિત જાતિ માટેના 15 ટકા ક્વોટાને આંતરિક રીતે 6 ટકા SC લેફ્ટ, 5 ટકા SC રાઈટ અને 3 ટકા ભોવી, લમ્બાની, કોરચા અને કોરમા સમુદાયો વચ્ચે વહેંચવાની ભલામણ કરી હતી.

    - Advertisement -

    કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે (Karnataka Congress Govt) અનુસૂચિત જાતિ (SC) સમુદાયો માટે આંતરિક અનામત (Internal Reservation) લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ માટે, એક સદસ્યીય કમિશન બનાવવામાં આવ્યું છે, જે જરૂરી ડેટા એકત્રિત કરશે અને આગળના પગલાં લેશે. સોમવારે (28 ઓક્ટોબર 2024) કેબિનેટની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

    કાયદા મંત્રી એચ.કે. પાટીલના જણાવ્યા અનુસાર, આ કમિશનનું નેતૃત્વ હાઇકોર્ટના નિવૃત્ત જજ કરશે અને તેનો રિપોર્ટ ત્રણ મહિનામાં સુપરત કરવામાં આવશે. જ્યાં સુધી આ કમિશનની ભલામણો ન આવે ત્યાં સુધી કર્ણાટક સરકાર સરકારી નોકરીઓમાં નવી ભરતી માટે નોટિફિકેશન બહાર પાડશે નહીં.

    કર્ણાટકમાં કોંગ્રેસ સરકારનું આ પગલું સુપ્રીમ કોર્ટના આદેશ પર આધારિત છે. સમાજ કલ્યાણ મંત્રી એચ.સી. મહાદેવપ્પાના જણાવ્યા અનુસાર, આ કમિશનને આંતરિક અનામત માટે રાષ્ટ્રીય વસ્તી ગણતરીના ડેટા અથવા સ્થાનિક સ્તરે ડેટા એકત્રિત કરવાની જરૂર પડશે. તેમણે કહ્યું કે હાલમાં વસ્તી ગણતરીમાં આંતરિક આરક્ષણ સંબંધિત કોઈ ડેટા નથી. નવો અહેવાલ રાજ્ય કેબિનેટને ચર્ચા માટે રજૂ કરવામાં આવશે અને પછી રાજ્ય વિધાનસભામાં રજૂ કરવામાં આવશે.

    - Advertisement -

    ગ્રામીણ વિકાસ મંત્રી પ્રિયાંક ખડગેએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે સુપ્રીમ કોર્ટે આંતરિક અનામત આપતી વખતે વ્યવહારિક ડેટાનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે એવો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો કે શું રાજ્ય સરકારના સામાજિક-આર્થિક અને શૈક્ષણિક સર્વેના ડેટા કોર્ટમાં માન્ય રહેશે અને શું તે કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર થઈ શકે છે.

    મંત્રી મહાદેવપ્પાએ એમ પણ કહ્યું કે સરકાર તમામ 101 અનુસૂચિત જાતિ સમુદાયોને વિશ્વાસમાં લીધા પછી જ આંતરિક અનામતનો અમલ કરશે. આ મુદ્દા પર SC લેફ્ટ, SC રાઇટ, લમ્બાની અને ભોવી જેવા સમુદાયો સાથે ચર્ચા કરવામાં આવી હતી અને બધાએ પ્રાયોગિક ડેટાના આધારે આંતરિક આરક્ષણ માટેની તેમની ઇચ્છા વ્યક્ત કરી હતી.

    ભાજપ સરકારે આપી હતી અનામત, પરંતુ કાયદાકીય ગૂંચવણોના લીધે અટકી

    ઉલ્લેખનીય છે કે અગાઉની ભાજપ સરકારના સમયમાં સદાશિવ કમિશને અનુસૂચિત જાતિ માટેના 15 ટકા ક્વોટાને આંતરિક રીતે 6 ટકા SC લેફ્ટ, 5 ટકા SC રાઈટ અને 3 ટકા ભોવી, લમ્બાની, કોરચા અને કોરમા સમુદાયો વચ્ચે વહેંચવાની ભલામણ કરી હતી. જે બાદ ઓક્ટોબર 2022માં બસવરાજ બોમ્માઈની સરકારે આરક્ષણ 15થી વધારીને 17 ટકા કર્યું હતું, જેનો ઘણો વિરોધ થયો હતો. પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાના ઘર પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બાદમાં કાયદાકીય અડચણોને કારણે આ આરક્ષણ બંધ કરવામાં આવ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં