Friday, November 22, 2024
More
    હોમપેજદેશદાના ચક્રવાત પગલે ઓડિશામાં 10 લાખ લોકોનું સ્થળાંતર, 385 બચાવ ટીમો તૈનાત,...

    દાના ચક્રવાત પગલે ઓડિશામાં 10 લાખ લોકોનું સ્થળાંતર, 385 બચાવ ટીમો તૈનાત, 1600 ગર્ભવતીઓએ સુરક્ષિત રીતે આપ્યો નવજાતને જન્મ, બંગાળમાં 16 ગુમ

    દાના વાવાઝોડાના કારણે મૃત્યુઆંકનો સત્તાવાર આંકડો હજુ સ્પષ્ટ થયો નથી. પરંતુ અહેવાલો અનુસાર પશ્ચિમ બંગાળમાં ચક્રવાત દાનાના આગમન પહેલા જ શમશેરગંજ અને ફરક્કા વિસ્તારમાં તોફાનના કારણે ત્રણ બોટ પલટી ગઈ હતી.

    - Advertisement -

    24 ઓક્ટોબરની મધ્યરાત્રિએ ઓડિશા (Odisha) રાજ્યના દરિયાકાંઠે ચક્રવાત ‘દાના’ (Dana Cyclone) ત્રાટક્યું હતું. આ ચક્રાવાત દરમિયાન મહત્તમ 110 થી 125 કિલોમીટર પ્રતિ કલાક (km/h)ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો. આ દરમિયાન લેન્ડફોલને (Landfall) કારણે ભારે વાવાઝોડું અને વરસાદની પરિસ્થિતિ સર્જાઈ હતી. ઓડિશામાં ઘણી જગ્યાએ રોડ પર વૃક્ષો પડી ગયા હતા અને અન્ય બાંધકામોને પણ નુકસાન થયું હતું.

    આ વાવાઝોડાનો લેન્ડફોલ ગુરુવારે રાત્રે 12:45 કલાકે 100 કિમી પ્રતિ કલાકની ઝડપે થયું હતું. ધીમે ધીમે દાના ચક્રવાત દરમિયાન ફૂંકાતા પવનની વધી અને ઓડિશામાં ધામરા અને ભીતરકાણિકા નજીકથી 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પસાર થયું. લેન્ડફોલ સવારે 8 વાગ્યા સુધી ચાલ્યું, જે દરમિયાન ઓડિશા અને પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં ભારે પવન અને મુશળધાર વરસાદે વિનાશ વેર્યો હોવાનું સામે આવ્યું હતું.

    દાના વાવાઝોડાની સૌથી વધુ અસર ઓડિશાના મયુરભંજ, ભદ્રક, બલેશ્વર, કેન્દ્રપરા, જાજપુર, જગતસિંહપુર અને કટક જિલ્લામાં જોવા મળી હતી. આ સિવાય પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર, દક્ષિણ 24 પરગણા અને ઉત્તર 24 પરગણા જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો હતો.

    - Advertisement -

    ઓડિશામાં રાહત અને બચાવકાર્ય શરૂ

    ઉલ્લેખનીય છે ચક્રવાતી વાવાઝોડાની સ્થિતિનો સામનો કરવા માટે ઓડિશા અને બંગાળના રાજ્ય પ્રશાસન લાખો લોકોને સુરક્ષિત સ્થાનો પર લઈ જઈ રહ્યા છે. ઓડિશામાં આવેલા આ ચક્રવાતને કારણે અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ પ્રક્રિયા ઓડિશાના વિવિધ જિલ્લાઓમાં ચાલી રહી છે. આ સિવાય રાહત કાર્ય માટે 385 બચાવ ટીમો તૈનાત કરવામાં આવી છે, જેમાં NDRF, ફાયર બ્રિગેડ અને વન વિકાસ નિગમ સામેલ છે. તેવી જ રીતે, 4756 ચક્રવાત રાહત કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે જેથી અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થાનો પર લઈ જઈ શકાય.

    દરમિયાન, મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ પણ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને પુષ્ટિ કરી હતી કે વાવાઝોડાને કારણે રાજ્યમાં લગભગ 10 લાખ લોકોને સુરક્ષિત સ્થાનો પર મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ચક્રવાતથી પ્રભાવિત વિસ્તારોમાં રાહત કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે અને તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રીએ માહિતી આપી હતી કે ઓડિશા સરકારે 7200 ચક્રવાત આશ્રયસ્થાનોની વ્યવસ્થા કરી છે, જ્યાં વિસ્થાપિત લોકોને ખોરાક, દવા, પાણી અને અન્ય આવશ્યક વસ્તુઓ પૂરી પાડવામાં આવી રહી છે.

    1600 ગર્ભવતી મહિલાઓએ આપ્યા નવજાત શિશુને જન્મ

    મુખ્યમંત્રીએ ઓડિશામાં ચક્રવાત દાનાથી સર્જાયેલી ગંભીર વિનાશ વિશે માહિતી આપતી વખતે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આ આપત્તિનો સામનો કરવા માટે કેવી રીતે સાવચેતીનાં પગલાં લઈ રહી છે. આ ચક્રવાતની અસરથી બચવા માટે 4,431 સગર્ભા મહિલાઓને આરોગ્ય કેન્દ્રોમાં ખસેડવામાં આવી હતી. જેમાંથી 1,600 મહિલાઓએ સલામત સ્થળે બાળકોને જન્મ આપ્યો હતો. આ માહિતી ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ આપી હતી.

    દાના ચક્રવાત દરમિયાન, સગર્ભા સ્ત્રીઓને આરોગ્ય કેન્દ્રોમાં લઈ જવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેથી તેઓ સુરક્ષિત પ્રસૂતિની સુવિધા મેળવી શકે. આ મહિલાઓને ચક્રવાત આશ્રયસ્થાનોમાં રાખવામાં આવી હતી, જ્યાં તેમને જરૂરી તબીબી સંભાળ, ખોરાક, પાણી અને અન્ય જરૂરિયાતો પૂરી પાડવામાં આવી હતી.

    રાજ્ય સરકારના માહિતી અને જનસંપર્ક વિભાગે પુષ્ટિ કરી છે કે જે સગર્ભા મહિલાઓને ચક્રવાત આશ્રયસ્થાનોમાં લઈ જવામાં આવી હતી અને જેમણે બાળકોને જન્મ આપ્યા હતા તે માતાઓ અને નવજાત શિશુઓ બંને સ્વસ્થ છે. નિયાલી હોસ્પિટલમાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો છે અને બંનેની હાલત સ્થિર છે.

    બંગાળમાં 16 માછીમારો ગુમ

    દાના વાવાઝોડાના કારણે મૃત્યુઆંકનો સત્તાવાર આંકડો હજુ સ્પષ્ટ થયો નથી. પરંતુ અહેવાલો અનુસાર પશ્ચિમ બંગાળમાં ચક્રવાત દાનાના આગમન પહેલા જ શમશેરગંજ અને ફરક્કા વિસ્તારમાં તોફાનના કારણે ત્રણ બોટ પલટી ગઈ હતી. આ ઘટનામાં 16 માછીમારો ગુમ થયા છે, જેઓ ગંગા નદીમાં હિલ્સા માછલી પકડવા ગયા હતા. વહીવટીતંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી હોવા છતાં માછીમારો દરિયામાં ગયા ત્યારે આ ઘટના બની હતી. બોટમાં કુલ 20 લોકો સવાર હતા. જેમાંથી 4ના જીવ બચી ગયા હતા જ્યારે 16 ગુમ થયા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં