કોંગ્રેસના (Congress) મહાસચિવ પ્રિયંકા ગાંધીએ (Priyanka Gandhi) બુધવારે (23 ઑક્ટોબર, 2024) કેરળની વાયનાડ (Waynad) લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે પોતાનું નામાંકન દાખલ કર્યું છે. તેમના નામાંકન વખતે ભાઈ રાહુલ ગાંધી (Rahul Gandhi) પણ હાજર હતા. પ્રિયંકા ગાંધી દ્વારા દાખલ કરવામાં આવેલા ચૂંટણી એફિડેવિટમાં તેમની કરોડોની સંપત્તિ અને ભરવાના બાકી રહેલા ટેક્સ વિશેની માહિતી જાહેર કરવામાં આવી છે. આ એફિડેવિટના કારણે એ સામે આવ્યું છે કે પ્રિયંકા ગાંધી અને તેમના પતિ રોબર્ટ વાડ્રાએ (Robert Vadra) અંદાજે ₹78.5 કરોડનો આવકવેરો (Income Tax)ચૂકવ્યો નથી. જે મામલે કેસ પણ ચાલી રહ્યો છે.
પ્રિયંકા ગાંધી દ્વારા દાખલ કરવામાં આવેલી એફિડેવિટ અનુસાર, તેમણે વર્ષ 2012-13માં ₹15.75 લાખનો આવકવેરો ચૂકવ્યો નથી અને આ સંદર્ભે ઇન્કનટેક્સ ટ્રિબ્યુનલમાં કેસ ચાલી રહ્યો છે. તેમણે CBDTમાં માત્ર ₹3.15 લાખ જમા કરાવ્યા છે. વર્તમાન કાર્યવાહી મુજબ પ્રિયંકાએ ₹11.11 લાખ જેટલી આવકવેરાની રકમ ચૂકવવાની બાકી છે.
પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ ઇન્કમટેક્સની મોટી રકમ દબાવી રાખી છે. તેમણે 2010-11થી 2020-21 સુધી આવકવેરો ભર્યો નથી. તેનો અર્થ એ છે કે તેમણે લગભગ 12 વર્ષથી આવકવેરો ચૂકવ્યો નથી. હવે આ રકમ અંદાજે ₹78.5 કરોડ સુધી પહોંચી ગઈ છે.
એફિડેવિટ મુજબ, રોબર્ટ વાડ્રા પર વર્ષ 2010-11 માટે ₹7.15 કરોડ, વર્ષ 2011-12 માટે ₹3.02 કરોડ, વર્ષ 2012-13 માટે ₹3.39 કરોડ, વર્ષ 2013-14 માટે ₹11.05 કરોડનું દેવું છે. વર્ષ 2014-15ના ₹10.02 કરોડ અને 2015-16ના ₹8.98 કરોડ પણ તેમના નામે બાકી બોલે છે.
આ ઉપરાંત, 2016-17ના ₹4.12 કરોડ, 2017-18ના ₹3.06 કરોડ, 2018ના ₹2.39 કરોડ ઉપરાંત 2019-20ના ₹24.16 કરોડ પણ બાકી છે. રોબર્ટ વાડ્રાએ 2020-21ના ₹1 કરોડનો આવકવેરો પણ ભર્યો નથી.
આ એફિડેવિટમાં પ્રિયંકા ગાંધી અને તેમના પતિ રોબર્ટ વાડ્રાની પ્રોપર્ટીની માહિતી પણ સામે આવી છે. એફિડેવિટમાં પ્રિયંકા ગાંધીએ જણાવ્યું છે કે, તેમની પાસે 60 કિલોથી વધુ સોનું અને ચાંદી છે. આ સિવાય તેમની પાસે કરોડોની જમીન પણ છે.
પ્રિયંકા ગાંધી અને તેમના પતિની મિલકતોની દરેક વિગતો ઉપર પ્રમાણે જોઈ શકાય છે. આ સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે, બંને પાસે 3 કાર અને 1 મોટરસાઈકલ છે. પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રા પાસે કોઈ નવી કાર પણ નથી. તેમની પાસે જે વાહનો છે તે 15 વર્ષથી વધુ જૂના છે.
એમ જોવા જઈએ તો, રોબર્ટ વાડ્રા અને પ્રિયંકા ગાંધીની આવકવેરાની બાકીની રકમ તેમની કુલ સંપત્તિ કરતાં પણ વધુ છે. એફિડેવિટ મુજબ, બંનેની કુલ સંપત્તિ ₹77.5 કરોડની આસપાસ છે, જ્યારે તેમની આવકવેરાની બાકી રકમ ₹78 કરોડથી વધુની છે. પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાની કુલ બાકી આવકવેરાની રકમ લગભગ ₹78.5 કરોડ છે.
પ્રિયંકા ગાંધી ચૂંટણીના રાજકારણમાં પ્રવેશનાર ગાંધી પરિવારના સૌથી નવા સભ્ય છે. જો તેઓ ચૂંટણી જીતશે તો ગાંધી પરિવારના તમામ સભ્યો સાંસદ બનશે. તેમના ભાઈ રાહુલ ગાંધી હાલમાં રાયબરેલીમાંથી સાંસદ છે જ્યારે માતા સોનિયા ગાંધી રાજ્યસભાના સાંસદ છે.