Thursday, October 24, 2024
More
    હોમપેજદુનિયા'આતંકવાદ અને ટેરર ફન્ડિંગ વિરુદ્ધ એક થાય તમામ દેશો': BRICS સમિટમાં PM...

    ‘આતંકવાદ અને ટેરર ફન્ડિંગ વિરુદ્ધ એક થાય તમામ દેશો’: BRICS સમિટમાં PM મોદી, કહ્યું- આ વિભાજનકારી નહીં પણ જનહિતકારી સમૂહ

    BRICS સમિટમાં પોતાના સંબોધનમાં PM મોદીએ યુદ્ધ, આર્થિક અનિશ્ચિતતા, જળવાયુ પરિવર્તન અને આતંકવાદ જેવા પડકારો પર ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે BRICS વિશ્વને સાચા રસ્તે લઈ જવા માટે સકારાત્મક ભૂમિકા ભજવી શકે છે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) હાલ BRICS શિખર સંમેલન (BRICS Summit) માટે રશિયાની 2 દિવસીય યાત્રા (Russia Visit) પર છે. આ દરમિયાન તેમણે વિશ્વશાંતિનો સંદેશ આપ્યો હતો તથા કહ્યું હતું કે ભારત યુદ્ધના નહીં પરંતુ વાટાઘાટો (Dialogues) અને કૂટનીતિના (Diplomacy) પક્ષમાં છે. તેમણે એમ પણ કહ્યું હતું કે રશિયા-યુક્રેન વચ્ચેની સમસ્યાનું નિવારણ પણ શાંતિપૂર્ણ રીતે વાટાઘાટો દ્વારા લાવી શકાય તેમ છે. નોંધવું જોઈએ કે આ અગાઉ પણ PM મોદીએ રશિયા-યુક્રેન યુદ્ધનું સમાધાન વાટાઘાટોથી લાવવાની હિમાયત કરી હતી.

    BRICS સમિટમાં પોતાના સંબોધનમાં PM મોદીએ યુદ્ધ, આર્થિક અનિશ્ચિતતા, જળવાયુ પરિવર્તન અને આતંકવાદ જેવા પડકારો પર ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે BRICS વિશ્વને સાચા રસ્તે લઈ જવા માટે સકારાત્મક ભૂમિકા ભજવી શકે છે. સંબોધન દરમિયાન તેમણે પાછલા એક વર્ષ દરમિયાન BRICSની સફળ અધ્યક્ષતા કરવા માટે રાષ્ટ્રપતિ વ્લામિદિર પુતિનને અભિનંદન પણ પાઠવ્યા હતા. આ સંમેલનમાં ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ પણ ઉપસ્થિત રહ્યા, જેમની સાથે પછીથી PM મોદીએ દ્વિપક્ષીય બેઠક પણ કરી.

    ‘વિશ્વ અનેક પડકારોથી ઘેરાયેલું’

    PM મોદી સંબોધન કરતાં કહ્યું કે, “આપણી મુલાકાત આવા સમયે થઈ રહી છે જ્યારે વિશ્વ યુદ્ધો, સંઘર્ષો, આર્થિક અનિશ્ચિતતા, આબોહવા પરિવર્તન, આતંકવાદ જેવા અનેક પડકારોથી ઘેરાયેલું છે. વિશ્વમાં ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમમાં ભાગ પાડવાની વાતો ચાલી રહી છે.” તેમણે આગળ કહ્યું કે, મોંઘવારી નિવારણ, ખાદ્ય સુરક્ષા, ઉર્જા સુરક્ષા, આરોગ્ય સુરક્ષા, જળ સુરક્ષા એ તમામ દેશો માટે પ્રાથમિકતાના વિષયો છે અને ટેક્નોલોજીના યુગમાં સાયબર સિક્યુરિટી, ડીપ ફેક, ફેક ન્યૂઝ જેવા નવા પડકારો સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં BRICS પર ઘણી અપેક્ષાઓ છે.”

    - Advertisement -

    PM મોદીએ આગળ કહ્યું કે, “હું માનું છું કે વૈવિધ્યસભર અને સર્વસમાવેશક પ્લેટફોર્મ તરીકે BRICS તમામ મુદ્દાઓ પર સકારાત્મક ભૂમિકા ભજવી શકે છે. આ સંદર્ભમાં આપણો અભિગમ માણસ કેન્દ્રિત (People Centric Approach) રહેવો જોઈએ. આપણે વિશ્વને આ સંદેશ આપવો જોઈએ કે BRICS એ વિભાજન કરનાર નથી પરંતુ જનહિતકારી જૂથ છે.”

    ‘યુદ્ધ નહીં વાટાઘાટો અને કૂટનીતિના સમર્થનમાં’

    કૂટનીતિ અંગે વાત કરતાં PM મોદીએ કહ્યું કે, “અમે યુદ્ધનું સમર્થન કરતા નથી, પરંતુ વાટાઘાટો અને કૂટનીતિનું સમર્થન કરીએ છીએ. જેમ આપણે સાથે મળીને કોવિડ જેવા પડકારોને પહોંચી વળવામાં સફળ થયા, તેવી જ રીતે ભવિષ્યની પેઢીઓ માટે સુરક્ષિત, મજબૂત અને સમૃદ્ધ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે ચોક્કસપણે નવી તકો ઊભી કરવામાં આપણે સક્ષમ છીએ.”

    ‘આતંકવાદ મામલે બેવડાં ધોરણોને સ્થાન નથી’

    આતંકવાદ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, “આતંકવાદ અને ટેરર ​​ફંડિંગનો સામનો કરવા માટે આપણે બધાએ સર્વસંમતિથી એકજૂટ થવું પડશે અને મજબૂત સહયોગ કરવો પડશે. આવા ગંભીર વિષય પર બેવડાં ધોરણોને કોઈ અવકાશ નથી. આપણા દેશના યુવાનોમાં કટ્ટરપંથને રોકવા માટે આપણે સક્રિય પગલાં લેવાં જોઈએ. યુએનમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલનના લંબિત મુદ્દાઓ પર આપણે સાથે મળીને કામ કરવું પડશે.” PM મોદીએ સાયબર સુરક્ષા, સલામત અને સુરક્ષિત AI માટે વૈશ્વિક નિયમો બનાવવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

    ‘BRICSમાં નવા દેશોનું સ્વાગત’

    આ દરમિયાન PM મોદીએ કહ્યું કે ભારત BRICSમાં નવા દેશોનું સ્વાગત કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે, આ સંબંધમાં તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવા જોઈએ અને BRICSના સ્થાપક સભ્યોના વિચારોનું સન્માન કરવું જોઈએ. તેમણે આગળ કહ્યું કે, જોહાનિસબર્ગ સમિટ દરમિયાન અપનાવવામાં આવેલા માર્ગદર્શક સિદ્ધાંતો, માનકો, માપદંડો અને પ્રક્રિયાઓને તમામ સભ્યો અને ભાગીદાર દેશોએ અનુસરવા જોઈએ.

    આ સમયગાળા દરમિયાન, વડાપ્રધાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને અન્ય વૈશ્વિક સંસ્થાઓમાં સુધારાની પણ હિમાયત કરી હતી. તેમણે કહ્યું કે આપણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ, બહુપક્ષીય વિકાસ બેંકો અને વિશ્વ વેપાર સંગઠન જેવી વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા પર આગળ વધવું જોઈએ. અંતે વડાપ્રધાને કહ્યું કે, જેમ-જેમ બ્રિક્સ આગળ વધારવાના આપણા પ્રયાસોને આગળ ધપાવતા રહીએ તેમ આપણે એ પણ સુનિશ્ચિત કરતા જવું પડશે કે સંગઠનની છબી વૈશ્વિક સંગઠનોનું સ્થાન લેવા માંગતા સંગઠન તરીકેની ન સર્જાય.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં