સુરતથી (Surat) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ખટોદરા અને સારોલી ખાતે એક મુસ્લિમ વ્યક્તિએ હિંદુ ઓળખ ધારણ કરીને (Muslim man assumes Hindu identity) હિંદુ નામે દસ્તાવેજો બનાવી, હિંદુ નામે દુકાન ખોલીને લાખોની છેતરપીંડી કરવામાં આવી છે. આરોપીનું નામ રીઝવાની સૈયદ આબીદ હુસેન છે અને તે તેની ગેંગ સાથે મળીને ખટોદરા, સારોલી અને ગોડાદરા ખાતે હિંદુ નામે 4 દુકાનો ચલાવતો હતો. ઘટનામાં સહુથી ગંભીર બાબત તે છે કે રીઝવાની સૈયદ આબીદ હુસેને હિંદુ નામથી દુકાનનું નામ તો ઠીક, પરંતુ GST નંબર, ભાડા કરાર તેમજ અન્ય સરકારી દસ્તાવેજો પણ બનાવી લીધા હતા. રીઝવાને જગદીશ કુમાવત નામ ધારણ કરીને સુરતના અનેક વેપારીઓનું લાખોનું ફૂલેકું ફેરવી નાખતા ઉધના પોલીસ સ્ટેશનમાં (Udhana Police Station) ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમરોલીના 30 વર્ષીય પ્રજ્ઞેશ વાઘાણી નામના એક વેપારી તેમના જ પિતરાઈ ભાઈ સાથે ભાગીદારીમાં ગ્રે કાપડનો ધંધો ધરાવે છે. તેમની કામરેજ વરેલી નજીક ધીરજ એસ્ટેટમાં મિત ક્રિએશન નામનું કારખાનું છે. થોડા સમય પહેલા ધંધાના કામથી તેમને અન્ય એક મિત્ર વેપારીના ત્યાં જવાનું થતા ત્યાં તેમની મુલાકાત હસમુખ ચેવલી નામના અન્ય એક વેપારી સાથે થઇ હતી. આ હસમુખ મારફતે તેઓ ખટોદરા સબજેલની પાછળ કડીવાલા હાઉસમાં મહાવીર ટ્રેડીંગ નામની દુકાન ચલાવતા જગદીશ કુમાવતના સંપર્કમાં આવ્યા હતા. જગદીશે વેપારીઓ પાસેથી ગ્રે કાપડ ખરીદવાની તૈયારી દર્શાવતા તેમની વચ્ચે વ્યાપારિક સંબંધો શરૂ થયો હતો.
શરૂઆતમાં વ્યવહાર એકદમ બરાબર રાખ્યો
શરૂઆતમાં જગદીશ કાપડ ખરીદીની તેની સમયસર ચુકવણી કરી દેતો હતો. તેવામાં તેણે એક વાર 10 લાખ રૂપિયાનું ગ્રે કાપડ ખરીદીને તેનું પણ સમયસર પેમેન્ટ કરી દીધું હતું. તેના આ પ્રકારના વ્યવહારથી વેપારીઓમાં ભરોસો બંધાઈ ગયો હતો. આ દરમિયાન તેણે એક સાથે 72 લાખથી વધુની કિંમતનું કાપડ ખરીદ્યું. પહેલા નિયમિત પેમેન્ટ આવી ગયું હોવાથી વેપારીએ ભરોસો કરીને તેને કાપડ આપી દીધું હતું. ક્રેડીટની સમય મર્યાદા પૂર્ણ થવા આવતા વેપારીએ ઉઘરાણી શરૂ કરી હતી, દર વખતે એક જ વારમાં રૂપિયા આપી દેતો જગદીશ આ વખતે બહાના બતાવવા લાગ્યો હતો. વેપારીને શંકા જતા તેઓ જગદીશ કુમાવતના જણાવ્યા અનુસાર મહાવીર ટ્રેડીંગની દુકાને ગયા હતા. ત્યાં તેમનો ભેટો મહેશભાઈ ભલાણી નામના વ્યક્તિ સાથે થયો હતો.
મોટું ફૂલેકું ફેરવી જાનથી મારી નાખવાની ધમકી
આ મહેશભાઈ ભલાણી નામના ઇસમેં વેપારીને કહ્યું હતું કે તેણે મહાવીર ટ્રેડર્સની તમામ બ્રાંચ ખરીદી લીધી છે માટે હવે તેમને બાકી નીકળતી ઉઘરાણી તેમની પાસેથી કરવાની રહેશે. આ સાંભળી પ્રજ્ઞેશ વાઘાણી પરત આવી ગયા હતા. થોડા સમય રાહ જોયા બાદ પણ રૂપિયા પરત ન આવતા તેઓ ફરી ઉઘરાણી માટે પહોંચ્યા હતા. દરમિયાન જગદીશ અને મહેશે બંનેએ વેપારીને ધાક-ધમકી આપીને પૈસા નહીં મળે તેમ કહ્યું હતું. વેપારીએ પોલીસની મદદ લેવાનું કહેતા આરોપીઓએ કહ્યું હતું કે, “અમે દરેક પોલીસ સ્ટેશનમાં હપ્તા આપીએ છીએ, તારો જીવ વ્હાલો હોય તો રૂપિયા ભૂલી જા નહિતર જાનથી હાથ ધોવાનો વારો આવશે.”
પોલીસે આખી ગેંગ વિરુદ્ધ ગુનો નોંધ્યો
ધમકીથી ડરીને વેપારીએ થોડા સમય સુધી ઉઘરાણી રોકી રાખી, પરંતુ ધંધામાં મોટી ખોટ જવાના ડરથી તેમણે ફરી ઉઘરાણી શરૂ કરી હતી. જોકે વારંવાર કહેવા છતાં આરોપીઓ તેમને રૂપિયા આપી રહ્યા નહોતા. તેવામાં પીડિત વેપારીને જાણ થઈ કે જે વ્યક્તિને તેઓ જગદીશ કુમાવત સમજી રહ્યા છે, તે વાસ્તવમાં રીઝવાની સૈયદ આબીદ હુસેન નામનો મુસ્લિમ વ્યક્તિ છે. તે મુસ્લિમ હોવા છતાં હિંદુ નામ ધારણ કરીને તે જ નામથી આધાર પુરાવા ઉભા કરી GSTથી લઇ તમામ દસ્તાવેજો તૈયાર કરી હિંદુ નામ રાખી વેપલો ચલાવતો હોવાનો ખુલાસો થયો હતો. પોતાની સાથે થયેલી છેતરપીંડી વિશે જાણ થતા જ વેપારી તાત્કાલિક ઉધના પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. વેપારીએ પોલીસને આખી ઘટનાની જાણ કરતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. હાલ પોલીસે રીઝવાની સૈયદ આબીદ હુસેન ઉર્ફે જગદીશ કુમાવત, મોહંમદ નામનો અન્ય એક વ્યક્તિ તેમ જ વચેટિયા દલાલ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
આ મામલે ચાલેલી પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, સુરતના માર્કેટમાં આ પ્રકારની ગુનાખોરીઓ વધી છે, કે જેમાં મુસ્લિમ વ્યક્તિઓ હિંદુ વેપારીઓના GST નંબર, ભાડા કરાર તેમજ અન્ય દસ્તાવેજોનો ઉપયોગ કરી આ પ્રકારના કાંડ કરવામાં આવતા હોય. વર્તમાન કિસ્સામાં આરોપીઓએ સુરતના અનેક વેપારીઓને આ રીતે ચૂનો ચોપડી લાખોનું ફૂલેકું ફેરવ્યુ હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ જે મુજબ તપાસ ચાલી રહી છે, તે મુજબ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આગામી સમયમાં આ કેસમાં હજુ મોટા ખુલાસા થઈ શકે તેમ છે. બીજી તરફ કાર્યવાહી ક્યાં સુધી પહોંચી, તે વિશે વધુ માહિતી લેવા ઑપઇન્ડિયાએ ઉધના પોલીસનો સંપર્ક કર્યો હતો, પરંતુ કોઈ કારણોસર તેમ થઇ શક્યું નહોતું.