જે મદરેસાઓ (Madrasa) રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) 2009નું પાલન ન કરી રહ્યાં હોય તે મદરેસાઓની માન્યતા રદ કરવામાં આવશે નહીં. તેમજ માન્યતા પ્રાપ્ત ન હોય તેવા મદરેસામાંથી બિન-મુસ્લિમ વિદ્યાર્થીઓને સરકારી શાળાઓમાં ટ્રાન્સફર પણ કરી શકાશે નહીં. સુપ્રીમ કોર્ટે (Supreme Court) આ મામલે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સના (NCPCRના) નિર્દેશો પર સ્ટે લગાવી દીધો છે. જમિયત-ઉલેમા-એ-હિંદની (Jamiat Ulema-E-Hind) અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ (Interim order) જારી કર્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોને NCPCRની સૂચનાઓ અનુસાર પગલાં ન લેવા માટે કહેવામાં આવ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુપ્રીમ કોર્ટમાં CJI ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે એક રિટ પિટિશન પર સુનાવણી દરમિયાન આ વચગાળાનો આદેશ આપ્યો છે. જમિયત ઉલેમા-એ-હિંદે NCPCRના નિર્દેશોને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી, જેમાં કહેવાયું હતું કે, આ કલમ 30 હેઠળ લઘુમતીઓના શિક્ષણના અધિકારનું ઉલ્લંઘન છે.
NCPCRએ મદરેસાઓને લઈને સરકારોને આપ્યા હતા નિર્દેશ
નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR)એ 7 જૂન 2024ના રોજ ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવને એક પત્ર લખ્યો હતો, જેમાં કહેવાયું હતું કે, RTE કાયદાની જોગવાઈઓનું પાલન ન કરતાં મદરેસાઓની માન્યતા પાછી ખેંચી લેવામાં આવે. ત્યારબાદ, 25 જૂન, 2024ના રોજ, NCPCRએ ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના શિક્ષણ અને સાક્ષરતા વિભાગને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રહેલા મદરેસાઓનું નિરીક્ષણ કરવા અને જે મદરેસાઓ RTIનું પાલન નથી કરી રહ્યા તેમની માન્યતા રદ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
NCPCRએ એવું પણ સૂચન કર્યું હતું કે, મદરેસાઓ માટે યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન (UDISE) કોડની એક અલગ શ્રેણી બનાવવામાં આવે, જેથી માન્ય, અપ્રમાણિત અને ગેરકાયદેસર મદરેસાઓ વિશેની માહિતી એકત્રિત કરી શકાય.
ત્યારબાદ, 26 જૂન, 2024ના રોજ ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને રાજ્યમાં સરકારી સહાયિત અને માન્યતા પ્રાપ્ત મદરેસાઓની વિગતવાર તપાસ કરવા નિર્દેશ આપ્યો હતો, જેઓ બિન-મુસ્લિમ બાળકોને પણ પ્રવેશ આપી રહ્યા હતા. આ સાથે એ ખાતરી કરવાનો આદેશ પણ અપાયો હતો કે, તમામ બાળકોને સરકારી શાળામાં દાખલ કરવામાં આવે. 28 ઓગસ્ટ 2024ના રોજ ત્રિપુરા સરકાર દ્વારા પણ આવી જ સૂચના જારી કરવામાં આવી હતી. 10 જુલાઈ, 2024ના રોજ કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને NCPCRની સૂચનાઓ અનુસાર પગલાં લેવાનો આદેશ આપ્યો હતો.
આ સૂચનાઓને મઝહબી લઘુમતીઓના શિક્ષણના અધિકાર (કલમ 30)ના ઉલ્લંઘન તરીકે ગણીને જમિયત ઉલેમા-એ-હિંદે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. ભારતીય બંધારણની કલમ 30 લઘુમતીઓને તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને સંચાલન કરવાનો અધિકાર આપે છે. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે NCPCRની 7 જૂન, 2024 અને 25 જૂન, 2024ની સૂચનાઓ અને ઉત્તર પ્રદેશ સરકારના 26 જૂન, 2024ના આદેશ અને કેન્દ્ર સરકારની 10 જુલાઈ, 2024ની સૂચનાઓ પર સ્ટે મૂકી દીધો હતો. આ સાથે જ 28 ઓગસ્ટ 2024ની ત્રિપુરા સરકારની સૂચનાઓ પર પણ રોક લગાવવામાં આવી હતી.
ઇન્દિરા જયસિંહે રજૂ કર્યો જમિયતનો પક્ષ
જમિયત ઉલેમા-એ-હિંદ વતી વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહે આ મામલે મૌખિક રીતે વિનંતી કરી હતી કે, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અરજીમાં પક્ષકાર બનાવવામાં આવે. કોર્ટે આ વિનંતી સ્વીકારી લીધી અને અરજદારને આ અરજીમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પક્ષકાર બનાવવાની મંજૂરી આપી હતી. આ રિટ પિટિશન એડવોકેટ ફુઝૈલ અહેમદ અય્યુબી દ્વારા દાખલ કરવામાં આવી હતી. જમિયત ઉલેમા-એ-હિંદ વિરુદ્ધ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ એન્ડ અન્યના કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે ખાતરી આપી હતી કે હાલમાં NCPCR દ્વારા જારી કરાયેલી સૂચનાઓના આધારે કોઈપણ મદરેસા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) 2009નો હેતુ 6થી 14 વર્ષની વયના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનો છે. આ કાયદા હેઠળ ખાનગી અને સરકારી શાળાઓએ નિયત ધોરણોનું પાલન કરવાનું હોય છે. NCPCRની આ સૂચના તે મદરેસાઓને લાગુ પડે છે, જે આ કાયદા હેઠળ માન્ય છે અથવા જેમની શિક્ષણ વ્યવસ્થા UDISE (યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન) કોડ સાથે જોડાયેલ છે.
અરજદારે દલીલ કરી હતી કે NCPCR અને સરકારના આ આદેશો મઝહબી લઘુમતીઓની શૈક્ષણિક સંસ્થાઓની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે, આવા આદેશો ન માત્ર મઝહબી લઘુમતીઓના અધિકારોનું ઉલ્લંઘન કરે છે, પરંતુ ભારતીય બંધારણના મૂળભૂત સિદ્ધાંતોની પણ વિરુદ્ધ છે, જે તમામ નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતા અને શિક્ષણના અધિકારની બાહેંધરી આપે છે.
સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી દરમિયાન તમામ પક્ષકારોની દલીલો સાંભળી અને વચગાળાનો આદેશ આપ્યો કે, આગામી સુનાવણી સુધી કોઈપણ રાજ્ય કે કેન્દ્ર સરકાર NCPCRના નિર્દેશો પર કાર્યવાહી કરશે નહીં. આ મામલામાં કોર્ટે આપેલા વચગાળાના આદેશ બાદ હાલમાં જે મદરેસાઓ RTE એક્ટનું પાલન નથી કરી રહ્યા તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.