આગામી 13 નવેમ્બરના રોજ કેરળની વાયનાડ લોકસભા બેઠક માટે પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. તમામ રાજકીય પાર્ટીઓએ યુદ્ધના ધોરણે ચૂંટણીની તૈયારીઓ કરી દીધી છે. રાહુલ ગાંધીએ બેઠક છોડી દીધા બાદ કોંગ્રેસ તરફથી નક્કી જ હતું કે, પ્રિયંકા વાડ્રાને અહીંથી લોકસભા ચૂંટણી લડાવાશે. જ્યારે બીજી તરફ ભાજપે વાયનાડ લોકસભા માટે નવ્યા હરિદાસને ઉમેદવાર ઘોષિત કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે, નવ્યા હરિદાસ અને પ્રિયંકા વાડ્રા વચ્ચે પેટાચૂંટણીમાં ખરાખરીની ટક્કર થશે. નોંધનીય છે કે, આ પેટાચૂંટણીના પરિણામો 23 નવેમ્બરના રોજ જાહેર થવાના છે.
કોણ છે નવ્યા હરિદાસ?
જ્યારથી ભાજપે વાયનાડ લોકસભા માટે નવ્યા હરિદાસને ઉમેદવાર ઘોષિત કર્યા છે, ત્યારથી લોકો તેમના વિશે જાણવા તત્પર બન્યા છે. બહુ ઓછો જાણીતો અને યુવા ચહેરો હોવાના કારણે તેમજ વાયનાડ જેવી મહત્વપૂર્ણ બેઠકના લીધે હાલ આખા દેશમાં તેમના નામની ચર્ચાઓ ચાલી રહી છે. જેટલી માહિતી જાહેર કરવામાં આવી છે, તે અનુસાર નવ્યા હરિદાસની ઉમર માત્ર 39 વર્ષ છે અને તેમના પતિનું નામ શોભીન શ્યામ છે. તેમના પતિ એન્જિનિયર છે, જયારે નવ્યા હરિદાસે પણ વર્ષ 2007માં KMCT એન્જિનિયરિંગ કોલેજ, કાલીકટ યુનિવર્સિટીમાંથી મેકેનિકલ એન્જિનિયરિંગમાં B.Techની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.
भाजपा की केंद्रीय चुनाव समिति ने विभिन्न राज्यों के विधानसभा उप-चुनाव एवं लोकसभा उप-चुनाव 2024 हेतु निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की है। pic.twitter.com/C4IEhaunwY
— BJP (@BJP4India) October 19, 2024
નવ્યા હરિદાસ કોઝીકોડમાં કોર્પોરેટર છે અને વર્તમાન સમયમાં તેઓ ભાજપ મહિલા મોરચાના રાજ્ય મહાસચિવ પણ છે. તેમના પર ભાજપના સંસદીય દળના નેતા અને BJMMના રાજ્ય મહાસચિવની જવાબદારી પણ છે. આ તમામ માહિતી તેમણે પોતાના X હેન્ડલ અને ફેસબુક પ્રોફાઈલ પર પોતે જ આપી છે. ADR (એસોસિયેશન ફૉર ડેમોક્રેટિક રીફોર્મ્સ) મુજબ પોલીસના ચોપડે નવ્યા હરિદાસનું નામ બેદાગ છે. તેમના પર કોઈ જ અપરાધિક ગુના દાખલ નથી થયા. સંપત્તિની વાત કરીએ તો તેમની પાસે કુલ ₹1,29,56,264ની સંપત્તિ છે. આ ઉપરાંત તેમના પર ₹1,64,978નું બેન્કનું દેવુ પણ છે.
રાજકીય અનુભવની વાત કરવામાં આવે તો વર્ષ 2021માં કોઝીકોડ દક્ષિણ વિધાનસભા બેઠક પરથી તેમણે ચૂંટણી લડી હતી અને 24,873 મત મેળવ્યા હતા. જોકે, તેમાં તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. આ બેઠક પર ઇન્ડીયન નેશનલ લીગના અહેમદ દેવરકોવિલ જીત્યા હતા.
કોંગ્રેસ પરિવાર લોકોની જરૂરિયાત પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યો: નવ્યા હરિદાસ
ભાજપે ઉમેદવાર ઘોષિત કર્યા બાદ નવ્યા હરિદાસે મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે પોતાની ઉમેદવારી નોંધાયા બાદ મીડિયા સાથે વાત કરતા વાયનાડના નાગરિકોની જરૂરિયાતો પર વધુ ભાર આપતી વાતો કરી હતી. તેમણે કહ્યું હતું કે, “વાયનાડના લોકોની પ્રગતિ અને ઉન્નતિ જરૂરી છે. કોંગ્રેસ પરિવાર વાસ્તવમાં વાયનાડના લોકોની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યો છે. આ ચૂંટણી થકી વાસ્તવમાં વાયનાડના લોકોને એક વધુ સારા સાંસદની જરૂર છે, જે તેમની સમસ્યાઓનું સમાધાન કરી શકે.”
મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે સ્થાનિક સમુદાયોની પ્રાથમિક જરૂરિયાતો પર વધુ ભાર આપ્યો હતો. તેમણે સ્થાનિક શાસનમાં પોતાના અનુભવો વિશે પણ જણાવ્યું અને તેમને કેવા પડકારોનો સામનો કરવો પડે છે તે વિશે પણ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, “મને વહીવટી અનુભવ છે. જેમ કે હું કેરળમાં બે વાર કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવી છું. છેલ્લા આઠ વર્ષોથી હું રાજકારણ ક્ષેત્ર સાથે સંકળાયેલી છું અને લોકોની સેવા કરી રહી છું. હું તેમની સમસ્યાઓને નજીકથી સમજી શકું છું અને તેમની સાથે રહીને તેમની સમસ્યાઓનું સમાધાન કરવા પ્રયત્નશીલ રહું છું.”
કોંગ્રેસ ભાજપ વચ્ચે ખરાખરીનો ખેલ
નોંધવું જોઈએ કે, રાહુલ ગાંધી ગત લોકસભા ચૂંટણીમાં વાયનાડ અને રાયબરેલી એમ બે લોકસભા બેઠકો પરથી ચૂંટણી જીત્યા હતા. જીત બાદ તેમણે વાયનાડ બેઠકને છોડી દેવાનો નિર્ણય કરતા આ પેટાચૂંટણી યોજવાની જરૂરિયાત ઉભી થઈ હતી. બીજી તરફ CPIએ LDF ઉમેદવાર તરીકે સત્યન મોકેરીને પણ મેદાને ઉતાર્યા છે. જોકે, ભાજપે નવ્યા હરિદાસને ઉમેદવાર ઘોષિત કરતા વાતાવરણ ગરમાયું છે. નવ્યા હરિદાસને પાર્ટીએ યુવા અને સશક્ત નેતા તરીકે દર્શાવ્યા છે. યુવા હોવાના કારણે નવ્યા હરિદાસ યુવાઓ વચ્ચે સારી એવી પકડ બનાવી શકે તેવી શક્યતાઓ છે.
મહત્વનું છે કે ગત મહિને ભયંકર અતિવૃષ્ટિ અને ભૂસ્ખલનની ઘટના બાદ વાયનાડની જનતા કોંગ્રેસથી ખાસ્સી નારાજ હતી. રાહુલ ગાંધી જયારે ત્યાં પહોંચ્યા ત્યારે લોકોએ તેમને ઘેરીને સવાલોનો વરસાદ વરસાવી દીધો હતો. તેવામાં આ પેટાચૂંટણી કોંગ્રેસ માટે રસાકસીનો ખેલ બની જઈ શકે છે. આ પેટાચૂંટણી આગામી 13 નવેમ્બર 2024ના રોજ યોજાશે. મતદાન પૂર્ણ થયા બાદ દસમાં દિવસે એટલે કે 23 નવેમ્બરના રોજ પરિણામો જાહેર કરવામાં આવશે.