Friday, October 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'ફરિયાદીની દીકરીઓ પુખ્ત, આશ્રમમાં રહેવાનો નિર્ણય તેમનો પોતાનો': સદગુરુના ઈશા ફાઉન્ડેશન વિરુદ્ધ...

    ‘ફરિયાદીની દીકરીઓ પુખ્ત, આશ્રમમાં રહેવાનો નિર્ણય તેમનો પોતાનો’: સદગુરુના ઈશા ફાઉન્ડેશન વિરુદ્ધ ચાલતો કેસ સુપ્રીમે બંધ કર્યો

    કોર્ટે નોંધ્યું હતું કે, મદ્રાસ હાઈ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશો બરાબર નહોતા. કોર્ટે તેમ પણ નોંધ્યું કે, યુવતીઓના પિતાની અરજી પણ વાજબી નથી, કારણકે બંને યુવતીઓ પુખ્ત વયની છે અને તેઓ પોતાની મરજીથી આશ્રમમાં રહી રહી હતી.

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવ (Sadguru Jaggi Vasudeva) અને તેમનું ઈશા ફાઉન્ડેશન (Isha Yoga Centre) ચર્ચામાં છે. તેમના આશ્રમ પર આરોપ હતા કે તેમણે બે યુવતીઓને બળજબરીથી આશ્રમમાં રાખી છે. મદ્રાસ હાઈકોર્ટે (Madras High Court) આ મામલે પોલીસ કાર્યવાહીના પણ આદેશો આપ્યા હતા. ત્યારે હવે સદગુરુ અને તેમના ઈશા ફાઉન્ડેશનને સુપ્રીમ કોર્ટ (Supreme Court) તરફથી મોટી રાહત મળી છે. વાસ્તવમાં સર્વોચ્ચ ન્યાયાલયે ઈશા ફાઉન્ડેશન વિરુદ્ધનો કેસ બંધ કરવાનો નિર્યણ લીધો છે. ચીફ જસ્ટીસ ડીવાય ચન્દ્રચૂડ, જસ્ટીસ જેબી પારડીવાલા અને જસ્ટીસ મનોજ મિશ્રાની ખંડપીઠે આ મામલે સુનાવણી કરી હતી.

    કોર્ટે નોંધ્યું હતું કે, મદ્રાસ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશો બરાબર નહોતા. કોર્ટે તેમ પણ નોંધ્યું કે, યુવતીઓના પિતાની અરજી પણ વ્યાજબી નથી, કારણકે બંને યુવતીઓ પુખ્ત વયની છે અને તેઓ પોતાની મરજીથી આશ્રમમાં રહી રહી હતી. જોકે કોર્ટે તે પણ સ્પષ્ટ કરી દીધું હતું કે આ નિર્ણય માત્ર વર્તમાન કેસને લઈને જ છે. કોર્ટે પોતાના અંતિમ નિર્ણયમાં કહ્યું હતું કે બંને યુવતીઓ પુખ્ત વયની હોવાથી તેમને બળજબરીથી આશ્રમમાં રાખી હોવાનું ન કહી શકાય.

    નોંધવું જોઈએ કે ગત 30 સપ્ટેમ્બર, 2024ના રોજ મદ્રાસ હાઈકોર્ટે ઈશા ફાઉન્ડેશનને લઈને દાખલ કરવામાં આવેલા તમામ કેસનું વિવરણ માંગ્યું હતું. ત્યારબાદ 1 ઓકટોબરના રોજ લગભગ 150થી વધુ પોલીસકર્મીઓ ઈશા ફાઉન્ડેશન પહોંચી ગયા હતા. બીજી તરફ આ મામલે ઈશા ફાઉન્ડેશન દ્વારા આ કેસને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ત્યારે હવે ઈશા ફાઉન્ડેશનને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે.

    - Advertisement -

    કોર્ટમાં શું શું થયું?

    આ મામલો બંધ કરતી વખતે સુપ્રીમ કોર્ટે હેબિયસ કોર્પસ પિટિશનમાં ઈશા યોગ સેન્ટર સામેના અન્ય આક્ષેપો અંગે પોલીસ તપાસ માટે નિર્દેશો આપવા સામે મદ્રાસ હાઈકોર્ટે વાંધો ઉઠાવ્યો હતો. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ, ન્યાયમૂર્તિ જે.બી.પારડીવાલા અને મનોજ મિશ્રાની બનેલી ખંડપીઠે આદેશમાં નોંધ્યું હતું કે, “તે બંને યુવતીઓ પુખ્ત વયની છે અને હેબિયસ કોર્પસનો હેતુ પૂર્ણ થયો હોવાથી હાઈકોર્ટ તરફથી વધુ કોઈ નિર્દેશોની જરૂર નહોતી.”

    સુનાવણી દરમિયાન ચીફ જસ્ટીસ ચન્દ્રચૂડે મૌખિક ટિપ્પણીમાં કહ્યું હતું કે, “કોઈ પણ કાર્યવાહી કોઈ વ્યક્તિ કે સંસ્થાને વગોવવા માટે ન હોવી જોઈએ.” બીજી તરફ ઈશા ફાઉન્ડેશન તરફે હાજર વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે, તમિલનાડુ પોલીસ દ્વારા જમા કરાવવામાં આવેલા રિપોર્ટ અનુસાર પણ બંને યુવતીઓ પોતાની જ મરજીથી ત્યાં રહે છે. બંને યુવતીઓએ કોર્ટને પણ એમ જ જણાવ્યું છે કે તેઓ ત્યાં પોતાની મરજીથી જ રહે છે.

    સુનાવણી દરમ્યાન બંને યુવતીના પિતાના વકીલ સાથે ચર્ચા કરતા CJIએ કહ્યું હતું કે, “જ્યારે તમારાં બાળકો પુખ્ત વયનાં થઈ જાય, ત્યારે તેમના જીવન પર નિયંત્રણ લાદવા તમે ફરિયાદ ન આપી શકો.” આના પર વકીલે દલીલ આપી હતી કે આ ફરિયાદ ત્યારે આપવામાં આવી જ્યારે તેમની પુત્રીએ એમ કહ્યું કે તે આમરણ ઉપવાસ કરી રહી છે. તેના જવાબમાં કોર્ટે કહ્યું કે, જો આવું હોય તો માતા-પિતાએ ફરિયાદ કરવાની જગ્યાએ પોતાના પુખ્ત વયના બાળકોને સમજાવીને તેમનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરવો જોઈએ.

    આ મામલે ચીફ જસ્ટિસે તેમ પણ કહ્યું કે, “તકલીફ ગમે તેટલી કેમ ન હોય, તેઓ પુખ્ત વયની છે. અમે તેમને કોઈને મળવાથી કે ક્યાંય રહેવા માટે વિવશ ન કરી શકીએ.” બીજી તરફ ફરિયાદીના વકીલે ફરી એક વાર આશ્રમ અને આશ્રમમાં રહેતા લોકોની સ્થિતિની તપાસ કરવા મામલે દલીલો આપવાનો પ્રયત્ન કર્યો તો ચીફ જસ્ટીસે તેમની મનશા પર શંકા કરતા કહ્યું કે, “તમે તમારી દીકરીઓ માટે થઈને વકીલાત કરી રહ્યા છો કે કોઈ રાજનૈતિક પાર્ટી તરફથી હાજર થયા છો?”

    તામિલનાડુ પોલીસે પણ કહ્યું- બંધક બનાવવાના કોઈ પુરાવા નહીં

    નોંધવું જોઈએ કે તામિલનાડુ પોલીસે પણ સુપ્રીમ કોર્ટમાં એક રિપોર્ટ સોંપ્યો હતો. આ રિપોર્ટમાં પોલીસનું કહેવું છે કે તેમને અધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવ દ્વારા સ્થાપિત ઈશા ફાઉન્ડેશનના આશ્રમમાં યુવતીઓને કે અન્ય કોઈને ગેરકાયદેસર રીતે બંધક બનાવવામાં આવ્યા હોય તેવા કોઈ જ પુરાવા નથી મળ્યા.

    તે પણ નોંધવું જોઈએ કે આ સમગ્ર તપાસ કરવાના આદેશ મદ્રાસ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યા હતા. હાઈકોર્ટે યુવતીઓના પિતા દ્વારા દાખલ ફરિયાદના આધારે પોલીસને તપાસ કરવાના આદેશ આપ્યા હતા. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે, તેમની 38 વર્ષીય અને 42 વર્ષીય બે દીકરીઓને ઈશા ફાઉન્ડેશનના આશ્રમમાં તેમની ઈચ્છા વિરુદ્ધ રાખવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં