Friday, October 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'તમે દુનિયા માટે હશો શક્તિશાળી પરંતુ ભારતમાં છે કાયદાનું શાસન': હાઈકોર્ટે વિકિપીડિયાને...

    ‘તમે દુનિયા માટે હશો શક્તિશાળી પરંતુ ભારતમાં છે કાયદાનું શાસન’: હાઈકોર્ટે વિકિપીડિયાને લગાવી ફટકાર, કહ્યું- કોઈને બદનામ કરવાનું પ્લેટફોર્મ ના બનો

    કોર્ટે કહ્યું કે, "તમે એક સર્વિસ પ્રોવાઇડર છો. તમે ન્યૂઝ એજન્સીના વિવરણને સંપાદિત કરનારાઓના નામનો ખુલાસો કરો. તમે કોઈને બદનામ કરવાનું પ્લેટફોર્મ ન બની શકો. તેનાથી તમને સુરક્ષા નહીં મળી શકે."

    - Advertisement -

    દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) ઓનલાઈન એન્સાયક્લોપીડિયા વિકિપીડિયાને (Wikipedia) ફટકાર લગાવી છે. ન્યૂઝ એજન્સી ANI (Asian News International) દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિ કેસ મામલે સુનાવણી ચાલી રહી હતી. હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ વિકિપીડિયાની એક અરજી પર સુનાવણી કરી રહી હતી. વિકિપીડિયાએ ANIના પેજને એડિટ કરનારાઓના નામ જાહેર કરવા માટેના સિંગલ બેન્ચના આદેશ વિરુદ્ધ આ અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટે વિકિપીડિયાને ફટકાર લગાવતા કહ્યું હતું કે, ‘તમે દુનિયા માટે શક્તિશાળી હોય શકો પરંતુ આપણે એવા દેશમાં રહીએ છીએ, જ્યાં કાયદાનું શાસન છે.’

    સોમવારે (14 ઑક્ટોબર) દિલ્હી હાઈકોર્ટે વિકિપીડિયાને ફટકાર લગાવી હતી. આ કેસની શરૂઆત ત્યારે થઈ હતી, જ્યારે વિકિપીડિયાએ પોતાના ANI પેજ પર એજન્સીને ‘સરકારના પ્રોપગેન્ડા ફેલાવતું ટૂલ’ ગણાવ્યું હતું. આ બાદ ANIએ વિકિપીડિયા વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો. તે પછી સુનાવણી દરમિયાન સિંગલ જજની બેન્ચે વિકિપીડિયાને ANIના પેજને એડિટ કરનારાઓના નામ જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. જ્યારે હવે તે આદેશ વિરુદ્ધ વિકિપીડિયાએ કરેલી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. વિકિપીડિયાએ અરજીમાં નામ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો.

    હાઈકોર્ટે વિકિપીડિયાની આ અરજી પર વાંધો ઉઠાવ્યો છે. ચીફ જસ્ટિસ મનમોહનના નેતૃત્વવાળી બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી દરમિયાન વિકિપીડિયા તરફથી હાજર થયેલા વકીલ અમિત સિબ્બલે કહ્યું હતું કે, વિકિપીડિયા એડિટ કરનારાઓના વિવરણ વિશે નહીં જણાવી શકે, તેવું કરવું તેની ગોપનિયતા નીતિની વિરુદ્ધ થશે. આ મામલે કોર્ટે કહ્યું કે, “જો તમે નામ નહીં જણાવો તો કોર્ટ તેનું વલણ કઈ રીતે જાણી શકશે?”

    - Advertisement -

    ‘તમે દુનિયા માટે શક્તિશાળી હોય શકો પરંતુ…’- કોર્ટ

    સુનાવણી દરમિયાન ન્યૂઝ એજન્સી તરફથી હાજર વકીલે કહ્યું હતું કે, વિકિપીડિયાએ પોતાના પેજમાં કહ્યું છે કે, જજે તેને ધમકી આપી છે કે, ભારત સરકારને આદેશ આપીને વિકિપીડિયાને દેશમાં બંધ કરાવી દેવાશે. તેના પર કોર્ટે વિકિપીડિયાને કહ્યું કે, “આ પેજ હટાવી દેવામાં આવવું જોઈએ. તમે જજને ધમકી નહીં આપી શકો. તમારે તે પેજ હટાવવું પડશે નહીં તો અમે તમારી અરજી પર સુનાવણી નહીં કરીએ. અમે સિંગલ જજને પણ નિર્દેશ આપીશું કે, તેઓ પણ તમારો પક્ષ નહીં સાંભળે. તમે દુનિયા માટે શંક્તિશાળી હોય શકો છે, પરંતુ આપણે એવા દેશમાં રહીએ છીએ, જ્યાં કાયદાનું શાસન છે.”

    કોર્ટે કહ્યું કે, “તમે એક સર્વિસ પ્રોવાઇડર છો. તમે ન્યૂઝ એજન્સીના વિવરણને સંપાદિત કરનારાઓના નામનો ખુલાસો કરો. તમે કોઈને બદનામ કરવાનું પ્લેટફોર્મ ન બની શકો. તેનાથી તમને સુરક્ષા નહીં મળી શકે.” આ ઘટના બાદ વિકિપીડિયાના વકીલે તેના પર નિર્દેશ લઈને સૂચિત કરવા માટે સમય આપવાની માંગણી કરી હતી. જે બાદ કોર્ટે કહ્યું હતું કે, હવે 16 ઑક્ટોબરે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે.”

    5 સપ્ટેમ્બરે પણ કાઢી હતી ઝાટકણી

    આ પહેલાં 5 સપ્ટેમ્બરના રોજ સિંગલ બેન્ચે વિકિપીડિયાને કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટની નોટિસ પાઠવી હતી. સમગ્ર મામલો ન્યૂઝ એજન્સી ANIએ દાખલ કરેલી એક અરજીનો છે. એજન્સીએ વિકિપીડિયા સામે માનહાનિનો કેસ કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું કે, વિકિપીડિયા પર એજન્સીના પેજ પરની અમુક સામગ્રી એડિટ કરીને ANIને વર્તમાન સરકારનું ‘પ્રોપગેન્ડા સાધન’ ગણાવવામાં આવ્યું હતું. કેસ કોર્ટમાં પહોંચ્યા બાદ દિલ્હી હાઈકોર્ટે ગત 9 જુલાઈના રોજ વિકિપીડિયાને સમન્સ પાઠવીને ANIના પેજ પર કયા ત્રણ વ્યક્તિએ સુધારા કર્યા હતા તેની માહિતી આપવા માટે આદેશ આપ્યો હતો. પરંતુ તે પછી ANIએ કોર્ટમાં એક અરજી કરીને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે કોર્ટના આ આદેશનું પાલન કરવામાં આવ્યું નથી.

    ત્યારબાદ કોર્ટે કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટની નોટિસ જારી કરી હતી અને સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, “અમે કન્ટેમ્પ્ટ લાગુ કરીશું….આ વિકિપીડિયા ભારતમાં એન્ટિટી છે કે નહીં તેનો પ્રશ્ન નથી. અમે અહીં તમારો વ્યવસાય બંધ કરાવી દઈશું. અમે સરકારને કહીશું કે વિકિપીડિયાને બ્લૉક કરવામાં આવે. અગાઉ પણ તમે આવી દલીલો આપી હતી. તમને ભારત પસંદ ન હોય તો અહીં કામ કરવાનું રહેવા દો.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં