Sunday, November 24, 2024
More
    હોમપેજસ્પેશ્યલકોલેજમાં ભણતો પોલીસ કૉન્સ્ટેબલનો પુત્ર કઈ રીતે બની ગયો ગેંગસ્ટર, અનેક હાઈપ્રોફાઈલ...

    કોલેજમાં ભણતો પોલીસ કૉન્સ્ટેબલનો પુત્ર કઈ રીતે બની ગયો ગેંગસ્ટર, અનેક હાઈપ્રોફાઈલ કેસમાં આવી ચૂક્યું છે નામ: કોણ છે લૉરેન્સ બિશ્નોઈ, જે જેલબંધ હોવા છતાં ચલાવે છે ગેંગ

    તેનું જીવન દર્શાવે છે કે ક્રાઇમની દુનિયામાં જઈને એક સામાન્ય વ્યક્તિ પણ કેટલો ભયાનક બની શકે છે. તેની ગેંગ આજે પણ સક્રિય છે અને તે ભારતીય કાયદો અને વ્યવસ્થા માટે એક મોટો પડકાર પણ છે. ધરપકડ અને જેલવાસ છતાં તેનું ગુનાહિત નેટવર્ક દેશ અને વિદેશમાં સક્રિય છે જે સાબિત કરે છે કે, તે ક્રાઇમની દુનિયામાં મોટું નામ બની ગયો છે.

    - Advertisement -

    મુંબઈમાં પૂર્વ સાંસદ અને NCP (અજિત પવાર જૂથ) નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા (Baba Siddiqui shot dead) કરી દેવામાં આવી. આ સમાચાર સામે આવ્યા બાદ એક નામ પણ ચર્ચાનો વિષય બની ગયું છે, તે નામ છે લૉરેન્સ બિશ્નોઈનું. કહેવાય રહ્યું છે કે, આ હત્યા પાછળ લૉરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ છે. પોલીસને પણ આ ઘટના અંગે શંકા છે કે, લૉરેન્સના શૂટરોએ જ સિદ્દિકીની હત્યા કરી છે. હાલ પોલીસ તે મામલે વધુ તપાસ કરી રહી છે, પરંતુ લૉરેન્સ બિશ્નોઈને લઈને હવે ફરી એક વખત ચર્ચાએ જોર પકડ્યું છે.

    મીડિયામાં ચાલી રહેલી અટકળો વચ્ચે લૉરેન્સ બિશ્નોઈ અને તેના કાળા ઇતિહાસ વિશે જાણવું જરૂરી છે. સામાન્ય પરિવારમાં તેનો જન્મ, પિતા પંજાબ પોલીસમાં કોન્સ્ટેબલ અને માતા શિક્ષક. સરળ અને સુખરૂપ જીવન મળ્યું હોવા છતાં શા માટે લૉરેન્સ બિશ્નોઈએ ક્રાઇમની દુનિયામાં ડગ માંડ્યા? કયા કારણોસર તેણે લોહિયાળ હિંસા પસંદ કરી અને જેલમાં બંધ હોવા છતાં કઈ રીતે તેની ગેંગ કામ કરી રહી છે? આ તમામ પ્રશ્નોના ઉત્તરો વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આ લેખ માટે ઉપયોગમાં લેવાયેલી માહિતી સાર્વજનિક રીતે ઉપલબ્ધ છે.

    કોણ છે લૉરેન્સ બિશ્નોઈ?

    14 ફેબ્રુઆરી, 1993ના રોજ પંજાબમાં તેનો જન્મ. જન્મની સાથે જ ભરાવદાર અને ચમકતો ચહેરો જોઈને તેની માતા ખુશ થઈ ઉઠી, તેના ચહેરાને જોઈને તેનું નામ પડ્યું લૉરેન્સ. મૂળ ખ્રિસ્તી નામનો અર્થ થાય છે ‘ચમકીલું, સફેદ’. તેના ચહેરાના રંગ-રૂપના કારણે તેની માતાએ તેનું નામ લૉરેન્સ રાખ્યું હતું. આ ઘટનાની માહિતી લૉરેન્સ બિશ્નોઈએ પોતે જ જાહેર કરી હતી. જન્મની સાથે જ લૉરેન્સના પોલીસકર્મી પિતાએ ઘોષણા કરી હતી કે, તેમનો પુત્ર IPS અધિકારી બનશે. બાળપણથી તે દેખાવે શાંત હતો પરંતુ ભીતરમાં હંમેશા ગુસ્સો રહેતો હતો. લૉરેન્સના શરૂઆતના વર્ષો પંજાબના અબોહરમાં વિત્યા હતા. ત્યાં સુધી બધુ જ યોગ્ય રીતે ચાલી રહ્યું હતું અને લૉરેન્સનો અભ્યાસ પણ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યો હતો.

    - Advertisement -

    વર્ષ 2009માં લૉરેન્સના જીવનમાં એક વળાંક આવ્યો અને અહીંથી જ ક્રાઇમની દુનિયામાં પગ મૂકવા માટેના બીજ રોપાયા. લૉરેન્સ બિશ્નોઈ અભ્યાસ માટે ચંડીગઢ પહોંચી ગયો હતો અને પંજાબ યુનિવર્સિટીમાં તેણે પ્રવેશ પણ મેળવી લીધો હતો. દરમિયાન તેણે યુનિવર્સિટી સંલગ્ન DAV કોલેજમાં અભ્યાસ શરૂ કરી દીધો હતો. ઉપરાંત તે પંજાબ યુનિવર્સિટી કેમ્પસ સ્ટુડન્ટ કાઉન્સિલમાં પણ સામેલ થયો હતો. આ સમયે જ તેની મુલાકાત વિદ્યાર્થી સંગઠનના અધ્યક્ષ ગોલ્ડી બરાર સાથે થઈ હતી. પછીથી ગોલ્ડી બરાર અને લૉરેન્સ બિશ્નોઈ ક્રાઇમની દુનિયામાં એક જાણીતું નામ બની ગયા હતા.

    સ્ટુડન્ટ પોલિટીક્સથી ક્રાઇમ તરફ

    ગોલ્ડી સાથેની મુલાકાત અને વિદ્યાર્થી રાજકારણમાં આવ્યા બાદ બિશ્નોઈના ડગ ક્રાઇમની દુનિયામાં પડવાના શરૂ થયા. તેણે ગેરકાયદેસર ગતિવિધિઓમાં સામેલ થવાનું શરૂ કરી દીધું હતું. 2010 અને 2012 વચ્ચે પંજાબ યુનિવર્સિટીમાં રહેવા દરમિયાન બિશ્નોઈ અનેક ગુનામાં સામેલ થઈ ચૂક્યો હતો. હત્યાના પ્રયાસ, મારપીટ, લૂંટફાટ સહિતના અનેક ગુનાને લઈને તેની વિરુદ્ધ અનેક FIR પણ નોંધવામાં આવી હતી. ચંડીગઢમાં નોંધાયેલા સાત કેસોમાંથી ચારમાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે બાકીના ત્રણ કેસો પર હજુ સુધી તપાસ કરવામાં આવી રહી છે. 2011માં માત્ર 19 વર્ષની ઉંમરે તેના પર પહેલી FIR નોંધાઈ હતી.

    આરોપ હતો કે, તેણે યુનિવર્સિટીની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી અને તે ખરાબ રીતે હાર્યો પણ હતો. જેના કારણે તેણે જીતેલા ઉમેદવાર પર તાબડતોડ ગોળીઓ ચલાવી દીધી હતી. એક પોલીસ અધિકારીએ આ ઘટના વિશે જણાવતા કહ્યું હતું કે, હાર્યા બાદ તેનો પહેલો ધ્યેય રિવોલ્વર ખરીદવાનો હતો. ફેબ્રુઆરી 2011માં તેણે પિસ્તોલ કાઢીને સીધું ફાયરિંગ કરી દીધું હતું. આ દરમિયાન જ તેના પર પહેલી FIR નોંધાઈ હતી અને તે ક્રાઇમની દુનિયામાં ડગ માંડી ચૂક્યો હતો.

    ગેંગસ્ટરો સાથેના નજીકના સંબંધો

    તેના પર પહેલો ગુનો નોંધાયો તે બાદ જ તેણે ક્રાઇમની દુનિયામાં જવાનું નક્કી કરી લીધું હતું. 19 વર્ષના બિશ્નોઈએ ગેંગસ્ટર જગ્ગુ ભગવાનપુરિયા અને રોકી ફાજિલ્કાનું સમર્થન માંગ્યું હતું. આ બંને ગેંગસ્ટરોનો સાથ લૉરેન્સ માટે ઘાતક સાબિત થયો હતો. ગુરદાસપુરનો રહેવાસી ભગવાનપુરિયા બિશ્નોઈ અને રોકીનો મેન્ટર હતો. તેણે ન માત્ર બંનેને ગેરકાયદે ધંધા શિખવ્યા પણ પોતાના ગ્રુપમાં ખુલ્લી છૂટ પણ આપી હતી. જેના કારણે થોડા જ સમયમાં લૉરેન્સ પંજાબની ક્રાઇમ દુનિયામાં ઝડપથી આગળ વધતો રહ્યો.

    ધીરે-ધીરે આગળ વધી રહેલો લૉરેન્સ એક સમયે એટલો આગળ નીકળી ગયો કે, તે જે ગેંગ સાથે જોડાયેલો હતો તે તેને નાની લાગવા લાગી. હવે તેણે પોતાની ગેંગ બનાવવાનું નક્કી કર્યું અને તે દિશામાં વિચારવાનું શરૂ કરી દીધું. લૉરેન્સે ધીરે-ધીરે પોતાની આખી ગેંગ ઊભી કરી. તેનો સૌથી નજીકનો સહયોગી સંપત નેહરા હતો, જે એક પોલીસ ઇન્સ્પેકટરનો પુત્ર અને શ્રેષ્ઠ એથલીટ પણ હતો. લૉરેન્સની ખાસ વાત એ હતી કે, તે પોતે ક્યારેય હિટમેન ન બન્યો. તેના બદલે તેણે પોતાની ગેંગમાં વિશ્વના મોટા શાર્પ શૂટરોને સામેલ કર્યા.

    હાલ પણ બિશ્નોઈની ગેંગ ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં સક્રિય છે, જેમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી ને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. તેની ગેંગમાં લગભગ 700થી વધુ શાર્પ શૂટરો સામેલ છે, જે લૉરેન્સની દરેક યોજના સફળ બનાવવા માટે સક્ષમ છે. લૉરેન્સ ક્યારેય સામે આવીને વાર નથી કરતો. તે તેની ગેંગ દ્વારા ટાર્ગેટની હત્યા કરી નાખે છે અને સોશિયલ મીડિયામાં તે વિશેની માહિતી આપે છે.

    સલમાન ખાનને ધમકી, સિદ્ધુ મુસેવાલાની હત્યા

    લૉરેન્સ બિશ્નોઈનું નામ તે સમયે વધુ ચર્ચામાં આવ્યું હતું, જ્યારે તેણે બૉલીવુડના દિગ્ગજ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 2018માં તેણે સરજાહેરમાં કહ્યું હતું કે, તે સલમાન ખાનને મારી નાંખશે. દરમિયાન તેણે પોતાના સાથી સંપત નેહરાને મુંબઈ પણ મોકલ્યો હતો, જેથી સલમાન ખાનને મારી શકાય. જોકે, નેહરાને પોલીસે પહેલાં જ ઝડપી પાડ્યો હતો, જેના કારણે તેની યોજના સફળ બની શકી નહોતી. આજે પણ લૉરેન્સ બિશ્નોઈ એક વાત કાયમ કહેતો રહે છે કે, જે દિવસે તે સલમાન ખાનને મારી નાંખશે તે દિવસથી તે તમામ પ્રવૃત્તિઓમાંથી સન્યાસ લઈ લેશે.

    પરંતુ, આટલી ભયાનક દુશ્મનીનું કારણ શું? લૉરેન્સે આ અંગે કહ્યું હતું કે, સલમાન ખાન સાથેની તેની શત્રુતાનું કારણ 1998નો કાળા હરણના શિકારનો મામલો છે. બિશ્નોઈ સમુદાય કાળા હરણને (બ્લેકબક) પવિત્ર માને છે અને આ જ કારણોસર તેણે સલમાન ખાનને ધમકી પણ આપી હતી. લૉરેન્સ બિશ્નોઈએ કહ્યું હતું કે, જો સલમાન ખાન બિશ્નોઈ સમાજના મંદિરે આવીને તેમના દેવતાની માફી માંગી લેશે તો તેને જીવનદાન આપવામાં આવશે. પરંતુ, સલમાન ખાને ક્યારેય તેવું કર્યું નહીં અને લૉરેન્સ બિશ્નોઈએ ક્યારેય તેને માફ કર્યો નહીં.

    તે સિવાય, લૉરેન્સનું નામ પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા સાથે પણ જોડાયેલું છે. 2022માં સિદ્ધુ મુસેવાલાની હત્યાની જવાબદારી લૉરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. આ હત્યા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ ચર્ચાનો વિષય બની હતી. આ ઘટના બાદથી જ લૉરેન્સ અને તેની ગેંગ પર કાયદાની તરાપ લાગવાની શરૂ થઈ ગઈ હતી. પરંતુ તેમ છતાં તેણે ક્યારેય ક્રાઇમની દુનિયામાંથી બહાર આવવાનું ન વિચાર્યું. ઉપરાંત વિદેશોમાં પણ તેની ગેંગે અનેક ખાલિસ્તાની આતંકીઓ અને ગેંગસ્ટરોની હત્યા કરી નાખી હતી.

    આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રાઇમનું સામ્રાજ્ય

    લૉરેન્સ બિશ્નોઈની ગેંગ માત્ર ભારત પુરતી જ સીમિત નથી, પરંતુ તેની કડીઓ બહારના દેશો સુધી વિસ્તરી છે. તેના નજીકના સાથી ગોલ્ડી બરાર અને રોહિત ગોદારા જેવા ગુનેગારો વિદેશમાંથી ભારતમાં ગુનાઓ આચરે છે. બિશ્નોઈ ગેંગ માત્ર ગેરવસૂલી અને હત્યા જેવા ગુનાઓ જ નથી કરતી, પણ ગેરકાયદેસર હથિયારોની દાણચોરી, ખંડણી અને અન્ય સંગઠિત ગુનાઓમાં પણ સામેલ છે. તેની ગેંગનું નેટવર્ક એટલું મજબૂત છે કે જેલમાં રહીને પણ તે તેની ગેંગને કંટ્રોલ કરે છે અને નવા ગુનાઓની યોજના પણ ઘડે છે.

    સોશિયલ મીડિયાથી વધાર્યો દબદબો

    લૉરેન્સના જીવનમાં એક સમય એવો આવ્યો હતો કે, તેણે પોલીસ સહિતના સુરક્ષાદળો સામે હથિયાર ઉઠાવ્યા હતા. 2014માં રાજસ્થાન પોલીસ સાથે તેની અથડામણ શરૂ થઈ હતી, જે બાદનો સમય તેણે જેલમાં વિતાવ્યો હતો. પરંતુ જેલમાં રહેતા પણ તે એટલો મજબૂત હતો કે, તેના એક ઇશારે બહાર કોઇની પણ હત્યા થઈ શકતી હતી. આજે પણ આ જ સ્થિતિ છે. તે જેલમાં બંધ હોવા છતાં પોતાની આખી ગેંગને લીડ કરે છે. જોકે, પોલીસતંત્રએ તેના પર અંકુશ મૂકવા અથાગ પ્રયાસો કર્યા, પરંતુ તેમાં સફળ થઈ શકાયું નહીં.

    લૉરેન્સ બિશ્નોઈનું અન્ય એક મહત્ત્વનું પાસું સોશિયલ મીડિયા પરની તેની પ્રવૃત્તિ છે. જેલમાં રહીને પણ તેણે પોતાનો ડર અને આતંક ફેલાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો. તે ઘણીવાર તેના ગેંગસ્ટર જીવનની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતો હતો, જેના કારણે તેની ઈમેજ વધુ ડરામણી બની ગઈ હતી. ફેસબુક અને યુ-ટ્યુબ જેવા પ્લેટફોર્મ પર તેની વધતી જતી લોકપ્રિયતાએ તેની ગુનાહિત છબીને વધુ મજબૂત કરી હતી. તેના દ્વારા તે નવી ભરતી કરનારાઓને આકર્ષતો હતો અને તેના ગુનાહિત નેટવર્કને વિસ્તારતો હતો. ઘણા યુવાનો માટે તો તે રોલમોડેલનું કામ કરતો હતો. ભગત સિંઘ અને સુખદેવ, રાજગુરુની પ્રિન્ટવાળા શર્ટ-ટીશર્ટ પહેરીને પણ તે યુવાનોને પોતાની તરફ આકર્ષતો હતો.

    આતંકવાદના પણ આરોપો, UAPA હેઠળ કાર્યવાહી

    લૉરેન્સ બિશ્નોઈના ખાલિસ્તાની સમર્થકો અને ISI સાથેના સંબંધોની પણ તપાસ કરવામાં આવી રહી છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA), જે તેની ગતિવિધિઓ પર નજર રાખે છે, તેણે તેની સામે ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ કેસ નોંધ્યા છે. આ આરોપ પાછળનું કારણ એ છે કે, બિશ્નોઈ ગેંગના લોકો ખાલિસ્તાની ગતિવિધિઓમાં સામેલ હોય શકે છે. આ સાથે ભારતમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરતી ISI સાથે પણ તેના સંબંધ હોવાના આરોપો લાગ્યા છે.

    લૉરેન્સ બિશ્નોઈ ગેંગની સૌથી મોટી ખાસિયત એ છે કે, તેની પાસે મજબૂત નેટવર્ક અને પ્રોફેશનલ શૂટર્સની ટીમ છે. આ શૂટર્સ કોઈપણ મોટી સોપારીને અંજામ આપવામાં સક્ષમ છે. લૉરેન્સની ખાસિયત એ છે કે તે જેલમાં રહીને પણ પોતાનું ગુનાહિત સામ્રાજ્ય ચલાવી રહ્યો છે. તે ઘણી નાની ગેંગ સાથે મળીને મોટા ગુનાઓ કરે છે, જે તેની ગેંગને વધુ ખતરનાક બનાવે છે.

    ક્રાઇમની દુનિયાનું મોટું નામ- લૉરેન્સ

    લૉરેન્સ બિશ્નોઈનું જીવન ગુના અને હિંસાથી ભરેલું રહ્યું છે. તે એક સામાન્ય કોલેજ સ્ટુડન્ટથી લઈને ભારતના સૌથી ખતરનાક ગેંગસ્ટરો પૈકીના એક તરીકે ઉભરી આવ્યો છે. તેનું જીવન દર્શાવે છે કે ક્રાઇમની દુનિયામાં જઈને એક સામાન્ય વ્યક્તિ પણ કેટલો ભયાનક બની શકે છે. તેની ગેંગ આજે પણ સક્રિય છે અને તે ભારતીય કાયદો અને વ્યવસ્થા માટે એક મોટો પડકાર પણ છે. ધરપકડ અને જેલવાસ છતાં તેનું ગુનાહિત નેટવર્ક દેશ અને વિદેશમાં સક્રિય છે જે સાબિત કરે છે કે, તે ક્રાઇમની દુનિયામાં મોટું નામ બની ગયો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં