મુંબઈમાં પૂર્વ સાંસદ અને NCP (અજિત પવાર જૂથ) નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા (Baba Siddiqui shot dead) કરી દેવામાં આવી. મુંબઈના (Mumbai) બાંદ્રાના ખેરવાડી વિસ્તારમાંથી તેઓ તેમના પુત્ર ઝીશાનની ઑફિસની બહાર નીકળી રહ્યા હતા, આ દરમિયાન ત્રણ અજાણ્યા લોકોએ તેમના પર આડેધડ ગોળીઓ વરસાવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તેમના પર 2 બંદૂકોથી કુલ 6 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા.
લગભગ 9:30ની આસપાસ થયેલા આ ફાયરિંગમાં બાબા સિદ્દીકીને 2 પેટમાં અને 1 છાતીમાં એમ 3 ગોળીઓ વાગી. એક ગોળી તેમની સાથે રહેલા એક વ્યક્તિને અને બાકીની 2 ગોળીઓ તેમની ગાડી પર વાગી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ગોળી વાગતાં જ તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક લીલાવતી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અહીં લગભગ 11:30 વાગ્યે ડોકટરોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ઝીશાન અને બાબા બંને ઑફિસમાં જ હતા, પરંતુ ઝીશાનને એક ફોન કૉલ આવી જતાં તેઓ પહેલાં નીકળી ગયા હતા.
#WATCH मुंबई: देर शाम एनसीपी नेता बाबा सिद्दीकी को गोली मारी गई। उन्हें लीलावती अस्पताल ले जाया गया जहां गोली लगने से उनकी मौत हो गई। एनसीपी नेता बाबा सिद्दीकी पर गोली चलाने से जुड़े दो लोगों को हिरासत में लिया गया है और मुंबई पुलिस के अनुसार, फायरिंग में 9.9 एमएम की पिस्तौल का… pic.twitter.com/fTs1zRwJId
— ANI_HindiNews (@AHindinews) October 12, 2024
જાણવા મળ્યા અનુસાર, હુમલો થયો ત્યારે આસપાસ ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. ક્યાંક કહેવામાં આવી રહ્યું છે કે આ ફટાકડા આરોપીઓએ જ ફોડ્યા હતા, જેથી ગોળીઓનો અવાજ દબાવી શકાય. જોકે, આ અંગે વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે.
હુમલો થયો તે સમયે ઘટનાસ્થળ પર લાઈટો બંધ હતી અને નજીકમાં ક્યાંય CCTV પણ લાગ્યા હોવાનું જાણવા મળ્યું નથી. આથી હત્યારાઓનું પગેરું શોધવું પોલીસ માટે થોડું અઘરું છે. હત્યારાઓમાં ત્રણ જણા હોવાનું કહેવામાં આવે છે, તેમણે મોઢા પર રૂમાલ બાંધી રાખ્યો હતો તેમ પણ ચર્ચાઈ રહ્યું છે. તેમણે બાબા સિદ્દીકીની હત્યા માટે એડવાન્સ 9mm પિસ્ટલનો ઉપયોગ કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. નોંધવું જોઈએ કે બાબા સિદ્દીકી રાજકારણી ઉપરાંત બોલીવુડના ખૂબ નજીકના હતા. ખાસ કરીને સલમાન ખાન અને શાહરૂખ ખાન સાથે તેમને ખૂબ નજીકના સંબંધ હતા. હત્યાના 15 દિવસ પહેલાં જ તેમને ધમકીઓ મળી હતી. તેમને Y લેવલની સુરક્ષા પણ આપવામાં આવી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાંચ આ કેસ તપાસી રહી છે.
કૂપર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ, લોરેન્સ બિસ્નોઈ ગેંગનું નામ ચર્ચાતા બોલીવુડમાં ભયનો માહોલ
મૃત ઘોષિત થયા બાદ બાબા સિદ્દીકીના મૃતદેહને મુંબઈના કૂપર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. અહીં વિડીયો રેકોર્ડીંગ સાથે તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મીડીયાએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે સાંજે 8:30 આસપાસ મરીન લાઈન્સ સ્ટેશન સામેના ‘બડા કબ્રસ્તાન’ ખાતે તેમને સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે.
#WATCH मुंबई, महाराष्ट्र: एनसीपी नेता बाबा सिद्दीकी का शव पोस्टमार्टम के लिए कूपर अस्पताल ले जाया गया।
— ANI_HindiNews (@AHindinews) October 13, 2024
उनकी बांद्रा के निर्मल नगर के पास गोली मार कर हत्या कर दी गई थी। pic.twitter.com/s7vMmRoZMa
બીજી તરફ આ મામલે પોલીસે 2 શંકાસ્પદ યુવકોની ધરપકડ કરી છે. આ હત્યાકાંડ પાછળ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. હત્યારાઓ લગભગ છેલ્લા એક મહિનાથી સિદ્દીકીની રેકી કરી રહ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘટનામાં લોરેન્સ ગેંગનું નામ ચર્ચાતા બોલીવુડમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ સલમાન ખાનના બાંદ્રા સ્થિત નિવાસસ્થાન બહાર સુરક્ષા વધુ ઘેરી કરી દેવામાં આવી છે. આ હત્યા બાદથી બોલીવુડમાં સોપો પડી ગયો છે. હાલ મહારાષ્ટ્ર પોલીસ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે.