Friday, November 22, 2024
More
    હોમપેજસ્પેશ્યલક્યાંક તોડાઈ માતાજીની મૂર્તિ, ક્યાંક દુર્ગા પૂજા મંડપ પર ફેંકાયો પેટ્રોલ બૉમ્બ:...

    ક્યાંક તોડાઈ માતાજીની મૂર્તિ, ક્યાંક દુર્ગા પૂજા મંડપ પર ફેંકાયો પેટ્રોલ બૉમ્બ: ભારતથી લઈને બાંગ્લાદેશ સુધી, હિંદુ આસ્થા પર હુમલાની 10 ઘટનાઓ

    દુર્ગા પૂજા દરમિયાન પેટ્રોલ બૉમ્બ ફેંકવા અને પ્રતિમાઓ ખંડિત કરવા સહિતની 35 જેટલી સાંપ્રદાયિક ઘટનાઓએ બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતી સમુદાયમાં ભયનો માહોલ પેદા કર્યો છે.

    - Advertisement -

    ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ નેપાળ સહિત વિશ્વમાં જ્યાં-જ્યાં હિંદુઓ વસે છે, ત્યાં-ત્યાં નવરાત્રિમાં દુર્ગા પૂજા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દુર્ગા પૂજા ખાસ કરીને ભારત અને બાંગ્લાદેશમાં પ્રમુખ હિંદુ તહેવાર પૈકીના એક છે અને ધામધૂમથી તેની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે દુર્ગા પૂજા દરમિયાન કેટલીક એવી ઘટના સામે આવી કે જેમાં ઇસ્લામિક કટ્ટરપંથીઓએ ઉત્સવ અવરોધવાના અનેક પ્રયત્નો કર્યા. આ ઘટનાઓએ માત્ર હિંદુ ધર્મની આસ્થાની ઠેસ પહોંચાડીને ન માત્ર પૂજા-પાઠના ધાર્મિક મહત્વને અપમાનિત કર્યું, પરંતુ હિંદુ સમુદાયના મનોબળને પણ ઊંડી અસર કરી છે. ભારતથી લઈને બાંગ્લાદેશ સુધીમાં આવી અનેક ઘટનાઓ સામે આવી છે.

    દુર્ગા પૂજા દરમિયાન પેટ્રોલ બૉમ્બ ફેંકવા અને પ્રતિમાઓ ખંડિત કરવા સહિતની 35 જેટલી સાંપ્રદાયિક ઘટનાઓએ બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતી સમુદાયમાં ભયનો માહોલ પેદા કર્યો છે. પોલીસ મહાનિરીક્ષક (આઈજીપી)એ જણાવ્યું કે આ ઘટનાઓમાં સામેલ 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કટ્ટરપંથીઓ દ્વારા સતત હુમલાઓએ હિંદુ સમુદાયને એક થવા અને તેમના બચાવ માટે અવાજ ઉઠાવવાની પ્રેરણા આપી છે.

    ભારતમાં પણ ઇસ્લામિક કટ્ટરપંથીઓએ દુર્ગાપૂજાની ઉજવણીમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે અનેક સ્થળોએ અથડામણો અને હિંસા થઈ હતી. આ ઘટનાઓ દર્શાવે છે કે બંને દેશોમાં ધાર્મિક અસહિષ્ણુતાનો ખતરો વધી રહ્યો છે અને તેના પર કડક પગલાં લેવાની જરૂર છે. ચાલો આ ઘટનાઓને વિગતવાર સમજીએ:

    - Advertisement -

    ઢાકામાં પેટ્રોલ બૉમ્બ ફેંકાયો

    11 ઑક્ટોબર, 2024ના રોજ, બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં દુર્ગા પૂજા પંડાલ પર પેટ્રોલ બૉમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના ટાટી બજાર વિસ્તારની છે, જ્યાં ઇસ્લામિક કટ્ટરપંથીઓએ પૂજા સ્થળ પર બૉમ્બ ફેંક્યો હતો, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી અને એક વ્યક્તિને ગંભીર ઇજા પણ પહોંચી હતી. આ ઘટના પાછળ આરોપી મોહમ્મદ અને તેના સાથીઓનો હાથ હતો, જેમની પછીથી પોલીસે ધરપકડ કરી હતી. આ હુમલો બાંગ્લાદેશમાં હિંદુ અલ્પસંખ્યકો માટે વધી રહેલા જોખનું પ્રતિક છે, જેણે દેશના હિંદુ સમુદાયને હચમચાવી નાખ્યો છે.

    પોલીસે આ કેસમાં સક્રિયતા દાખવી હુમલાખોરોની ધરપકડ કરી હતી. આ ઘટના બાદ અનેક સંગઠનોએ દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાથી બાંગ્લાદેશના હિંદુ લઘુમતી સમુદાયમાં ભય અને અસુરક્ષાની ભાવના પણ વધી છે.

    ચટગાંવમાં દુર્ગા પૂજાના મંચ પર કબજો, ગાયા ઇસ્લામી ગીતો

    9 ઑક્ટોબર 2024ના રોજ, બાંગ્લાદેશના ચટગાંવમાં દુર્ગા પૂજા પંડાલને પણ નિશાન બનાવવામાં આવ્યો, અહીં કેટલાક મુસ્લિમ યુવાનોએ એક સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન ઇસ્લામિક ગીતો ગાવાનું શરૂ કરી દીધું હતું. બાદમાં છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ તેમણે આયોજકો પાસે દેશભક્તિનાં ગીતો ગાવાની પરવાનગી માંગી હતી, આમ કરીને તેમણે મંચ પર કબજો જમાવી લીધો હતો અને ઇસ્લામિક ક્રાંતિને પ્રોત્સાહન આપતા ગીતો ગાવાનું શરૂ કર્યું હતું. તેમના આ કૃત્યથી પૂજા કરવા આવેલા ભક્તો સ્તબ્ધ થઈ ગયા અને ત્યાં તણાવનું વાતાવરણ ઉભું થયું હતું.

    ચટગાંવમાં બનેલી આ ઘટનાએ કોમી તંગદિલી ફેલાવી હતી, કારણ કે બાંગ્લાદેશના હિંદુ સમુદાય માટે આ એક મહત્ત્વનો પ્રસંગ હતો. પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી કેસની તપાસ શરૂ કરી હતી. આ ઘટના બતાવે છે કે કટ્ટરપંથી શક્તિઓ કેવી રીતે ધાર્મિક વિધિઓને વિક્ષેપિત કરવાનો પ્રયાસ કરી રહી છે.

    દુર્ગા પૂજા દરમિયાન મૂર્તિ ખંડિત કરી તોડફોડ કરી

    બીજી એક ગંભીર ઘટના ચટગાંવમાં જ દુર્ગા પૂજા દરમિયાન બની હતી, જ્યારે કેટલાક ઇસ્લામિક કટ્ટરપંથીઓએ એક મંદિર પર હુમલો કર્યો હતો અને માતા દુર્ગાની મૂર્તિઓની તોડફોડ કરી હતી. આ ઘટના મુખ્ય પૂજા દરમિયાન બની હતી જ્યારે સ્થાનિક હિંદુ સમુદાય પૂજામાં વ્યસ્ત હતો. હુમલાખોરોએ મૂર્તિઓને નુકસાન પહોંચાડ્યું હતું અને પૂજાસ્થળ પર તોડફોડ કરી હતી, જેના કારણે પૂજાસ્થળે ગભરાટ ફેલાયો હતો.

    આ ઘટના અંગે પોલીસે પણ કાર્યવાહી કરી હતી, પરંતુ મોટા ભાગના આરોપીઓ નાસી છૂટયા હતા. આવા હુમલાઓથી બાંગ્લાદેશમાં ધાર્મિક અસહિષ્ણુતાની સ્થિતિ વધુ વણસી છે. હિંદુ સમાજના આગેવાનોએ સરકારને આવા કટ્ટરવાદી તત્વો સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને ટાળી શકાય.

    બૌદ્ધ સમુદાય પણ કટ્ટરપંથીઓના નિશાને

    બાંગ્લાદેશમાં માત્ર હિંદુઓ જ નહીં પરંતુ બૌદ્ધ સમુદાય પણ ઇસ્લામિક કટ્ટરપંથીઓના નિશાના પર આવી ગયો છે. આ વર્ષે, બૌદ્ધ સમુદાયને તેમના મુખ્ય તહેવાર ‘કથિન ચીવર દાન’ કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો. ઇસ્લામિક કટ્ટરપંથીઓએ હિંદુઓને દુર્ગા પૂજા અને મૂર્તિ વિસર્જન રોકવાની ધમકી આપી હતી અને બૌદ્ધ સમુદાયને તેમના તહેવારોની ઉજવણી ન કરવા ચેતવણી પણ આપી હતી.

    આ ધમકીઓને પગલે સ્થાનિક બૌદ્ધ સમુદાયે સાંપ્રદાયિક હિંસાથી બચવા માટે તેમનો તહેવાર રદ કર્યો હતો. આ ઘટના બાંગ્લાદેશમાં ધાર્મિક લઘુમતીઓ પ્રત્યે વધી રહેલા જોખમનું પ્રતીક છે, જ્યાં કટ્ટરપંથી પરિબળો તેમના એજન્ડાને આગળ વધારવા માટે ભય અને ધાકધમકીનો ઉપયોગ કરી રહ્યા છે.

    બાંગ્લાદેશના IGPનું નિવેદન: 35 ઘટનાઓમાં 17ની ધરપકડ

    બાંગ્લાદેશના પોલીસ મહાનિરીક્ષક (આઈજીપી) મોહમ્મદ મોઈનુલ ઇસ્લામે એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ વર્ષે દુર્ગા પૂજા દરમિયાન કુલ 35 હુમલા થયા છે, જેમાં પૂજા પંડાલો પર હુમલા અને સાંપ્રદાયિક હિંસાનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે, બાંગ્લાદેશના આઈજીપી મોહમ્મદ મોઈનુલ ઇસ્લામે હિંદુઓ પર હુમલાની ઘટનાઓને ઓછી ગણાવતા કહ્યું હતું કે આવી ઘટનાઓ મુસ્લિમોના તહેવારો દરમિયાન પણ બનતી હોય છે.

    મોહમ્મદ ઇસ્લામે કહ્યું હતું કે, “સમગ્ર બાંગ્લાદેશમાં 32,000 પંડાલ લાગે છે. આવી ઘટનાઓ માત્ર હિંદુ તહેવારો દરમિયાન જ નહીં પરંતુ મુસ્લિમ તહેવારો દરમિયાન પણ બને છે.” અહેવાલો અનુસાર, હુમલાખોરોમાં મોટાભાગના ઇસ્લામિક કટ્ટરપંથીઓ હતા, જેઓ હિંદુ ધાર્મિક સ્થળો અને તહેવારોને નિશાન બનાવી રહ્યા હતા. આ ઘટનાઓએ બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુ સમુદાયની પરિસ્થિતિને ઘેરી અસર કરી છે, જેઓ હવે તેમની સલામતી અંગે ચિંતિત છે.

    ઉત્તર પ્રદેશના બલરામપુરમાં દુર્ગા પૂજા પંડાલ પર હુમલો

    ભારતમાં પણ દુર્ગાપૂજા દરમિયાન મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા હિંસાની ઘટનાઓ નોંધાઈ હતી. ઉત્તર પ્રદેશના બલરામપુરમાં દુર્ગા પૂજા દરમિયાન ઇસ્લામી કટ્ટરપંથીઓએ પંડાલમાં ઘૂસીને મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરી હતી. કલીમ, અરબાઝ, ઇમરાન અને મુખ્તાર સહિતના આરોપીઓએ મહિલા શ્રદ્ધાળુઓ સાથે ગેરવર્તન કર્યું હતું અને ભગવા ધ્વજને નાળામાં ફેંકી દીધો હતો. મહિલાઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના દુર્ગા પૂજાની શાંતિપૂર્ણ ઉજવણીમાં ખલેલ પહોંચાડવાનું સ્પષ્ટ ઉદાહરણ છે. હિંદુ સંગઠનોએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને આરોપીઓને કડક સજા કરવાની માંગ કરી હતી. પોલીસે ગુનો નોંધી મામલાની તપાસ હાથ ધરી છે.

    ગોંડામાં દુર્ગા પૂજા દરમિયાન પથ્થરમારો

    ઉત્તર પ્રદેશના ગોંડામાં દુર્ગા પૂજા દરમિયાન આતશબાજીને લઈને વિવાદ થયો હતો. અસલમ પુત્ર લલ્લન, સુલતાન પુત્ર અજાત, ઈદરીશના નેતૃત્વમાં ઇસ્લામિક કટ્ટરપંથીઓએ આ ફટાકડા ફોડવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને ત્યારબાદ પૂજા સ્થળ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ ઘટના સાંપ્રદાયિક તણાવનું પરિણામ હતી, જેમાં બંને પક્ષો વચ્ચે અથડામણો થઈ હતી. પોલીસે પથ્થરમારામાં સામેલ ઘણા આરોપીઓની ધરપકડ કરી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક પ્રશાસને આ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી હતી અને પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવ્યું હતું. જોકે, આવી ઘટનાઓએ આ વિસ્તારમાં કોમી એખલાસને જોખમમાં મુકી દીધો છે.

    કોલકાતામાં માઈક પર વિવાદ

    કોલકાતામાં મુસ્લિમોએ દુર્ગા પૂજાના પંડાલમાં માઈકના અવાજને લઈને વિવાદ સર્જ્યો હતો. ઇસ્લામિક કટ્ટરપંથીઓએ પૂજા વિધિમાં વિક્ષેપ પાડ્યો હતો અને માંગણી કરી હતી કે અઝાન દરમિયાન પૂજા પંડાલના માઇકનો અવાજ બંધ કરવામાં આવે. આયોજકોએ તેમની વાત માનવાની ના પાડી દીધી હતી, જે બાદ ઇસ્લામિક કટ્ટરપંથીઓએ હોબાળો શરૂ કરી દીધો હતો.

    આ મામલે દાખલ ફરિયાદમાં જણાવાયું છે કે, 11મી ઑક્ટોબરની સવારે જ્યારે ન્યૂ બેંગાલ સ્પોર્ટિંગ ક્લબ દ્વારા અષ્ટમી અને નવમીની વિધિ કરવામાં આવી રહી હતી, ત્યારે બપોરે 1.13 વાગ્યે 50-60 જેટલા તોફાની તત્વો આવ્યા હતા અને તેમને પૂજા બંધ કરવાનું કહ્યું હતું અને પૂજામાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ધમકી આપી હતી કે, જો પૂજા બંધ કરવામાં નહીં આવે તો મા દુર્ગાની મૂર્તિ તોડી નાખશે. આ દરમિયાન, તેમણે મહિલા સભ્યો વિરુદ્ધ અભદ્ર શબ્દોનો ઉપયોગ પણ કર્યો હતો.

    કુશીનગરમાં દુર્ગામાતાની મૂર્તિ પર પથ્થરમારો

    ઉત્તર પ્રદેશના કુશીનગરમાં પણ આવી જ એક ગંભીર ઘટના સામે આવી હતી, જેમાં દુર્ગા પૂજા દરમિયાન મુસ્લિમ કટ્ટરપંથીઓએ મૂર્તિ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. પોલીસે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે આરોપીની ધરપકડ કરી હતી અને આ વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી હતી. આવી ઘટનાઓ પૂજા દરમિયાન સાંપ્રદાયિક હિંસાને પ્રોત્સાહન આપે છે અને સમાજમાં તિરાડ પેદા કરે છે. હિંદુ સમાજે પ્રશાસનને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

    આસામના કરીમગંજમાં હિંસા

    આસામના કરીમગંજમાં દુર્ગાપૂજા દરમિયાન કોમી હિંસા ભડકી ઉઠી હતી. ઇસ્લામિક કટ્ટરપંથીઓએ પૂજાસ્થળ પર પથ્થરમારો કર્યો હતો, જે બાદ બંને સમુદાયો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. આ ઘટના આસામમાં સાંપ્રદાયિક સૌહાર્દ પર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન ઉભું કરે છે, જ્યાં ધાર્મિક તહેવારો દરમિયાન હિંસા અને અસહિષ્ણુતા વધી રહી છે. પોલીસે સહબુલ અહેમદ (21), અબ્દુલ અહદ (18) અને એક કિશોરની પણ ધરપકડ કરી છે.

    નોંધનીય છે કે, આ વર્ષે દુર્ગા પૂજા દરમિયાન ભારતથી લઈને બાંગ્લાદેશ સુધી અનેક ઘટનાઓ નોંધાઈ છે, જ્યાં મુસ્લિમ કટ્ટરપંથીઓએ ધાર્મિક સ્થળો પર હુમલો કર્યો હોય. આ ઘટનાઓએ ધાર્મિક અસહિષ્ણુતાની ગંભીરતાને ઉજાગર કરી છે. કોમી એખલાસ જળવાઈ રહે તે માટે બંને દેશોની સરકારોએ આવી ઘટનાઓ સામે કડક પગલાં લેવાં ખૂબ જરૂરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં