દેશમાં કરોડો હિંદુઓ વિજયાદશમીના (Vijaya Dasahmi) ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા પણ વિજયાદશમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉત્સવ દરમિયાન RSS સંઘચાલક મોહન ભાગવતે (Mohan Bhagwat) નાગપુરના રેશમ બાગ મેદાનમાં ‘શસ્ત્રપૂજન’ કર્યું હતું. ઉત્સવની ઉજવણી નાગપુરમાં RSS મુખ્યાલયમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઈસરોના ભૂતપૂર્વ વડા કે. સિવને ભાગ લીધો હતો. આ દરમિયાન મોહન ભાગવતે ભારત સરકારને બાંગ્લાદેશી હિંદુઓની મદદ કરવાની અપીલ પણ કરી હતી.
બાંગ્લાદેશી હિંદુઓ પર ઘણા સમયથી અત્યાચાર થઇ રહ્યા છે. દુર્ગાપૂજા દરમિયાન માતાજીની મૂર્તિઓ તોડવાથી લઈને પંડાલો પર હુમલા સુધીના અહેવાલો સામે આવ્યા છે. આ બધી બાબતોને લઈને હિંદુત્વ માટે કાર્યરત RSS વડા મોહન ભાગવતે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “બાંગ્લાદેશમાં સ્થાનિક કારણોસર હિંસક બળવો થયો હતો. આ દરમિયાન હિંદુ સમાજના લોકો પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો.”
આગળ તેમણે કહ્યું હતું કે, “હિંદુઓએ આખરે અત્યાચારનો વિરોધ કર્યો હતો. સમાજ પોતાનો બચાવ કરવા સંગઠિત થઈને બહાર રસ્તા પર નીકળી આવ્યો ત્યારે થોડું રક્ષણ થઈ શક્યું હતું. પરંતુ જ્યાં સુધી આ અત્યાચારી કટ્ટરવાદી સ્વભાવ છે ત્યાં સુધી ત્યાંના હિંદુઓ સહિતના તમામ લઘુમતી સમુદાયોના માથા પર જોખમની તલવાર લટકતી રહેશે.”
Bangladeshi Hindus need help from the Hindus from the entire world. It's their need that the govt of India help them.. Being weak is a crime. If we are weak, we are inviting atrocity – RSS chief speaks for Bangladeshi Hindus pic.twitter.com/Y7OfoHYWV8
— Mr Sinha (@MrSinha_) October 12, 2024
તેમણે બાંગ્લાદેશી ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે, “બાંગ્લાદેશથી ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરીના કારણે વસ્તીનું અસંતુલન ગંભીર ચિંતાનો વિષય છે. આ ગેરકાયદેસર ઘૂસણખોરીને કારણે પરસ્પર સંવાદિતા અને દેશની સુરક્ષા પર પ્રશ્નો ઉભા થાય છે. દરેક ઉદારતા, માનવતા અને સદ્ભાવનાના સમર્થકો અને ખાસ કરીને બાંગ્લાદેશમાં લઘુમતી બની ગયેલ હિંદુ સમુદાય, તેને ભારત સરકાર અને વિશ્વભરના હિંદુઓની મદદની જરૂર પડશે.”
હિંદુ સમાજને એક અને સંગઠિત થવાની અપીલ કરતા તેમણે કહ્યું કે, “અસંગઠિત અને નબળા રહેવું એ દુષ્ટો દ્વારા અત્યાચારને આમંત્રણ આપવા જેવું છે, આ પાઠ વિશ્વભરના હિંદુ સમાજે શીખવાની આવશ્યકતા છે.” તેમણે એમ પણ કહ્યું કે ભારતને વિભાજીત કરવા અને તેના પર દબાણ ઉભું કરવા નવા નેરેટિવ ઉભા કરવામાં આવી રહ્યા છે, એ અંગે પણ સરકારે વિચારવાની આવશ્યકતા છે.
There is little control over OTT platforms regarding what is shown. Much content is so disgusting that mentioning it could violate decency. Urgent laws are needed to curb perverted visual content reaching our homes, especially for children. #RSS100 pic.twitter.com/QrqbxJDMrt
— Friends of RSS (@friendsofrss) October 12, 2024
આ ઉપરાંત તેમણે OTT પ્લેટફોર્મ્સ પર બતાવવામાં આવતી ફિલ્મો અને સીરિઝ અંગે પણ કહ્યું હતું કે, “OTT પ્લેટફોર્મ્સ પર જે દર્શાવવામાં આવે છે તેના પર ખૂબ ઓછું નિયંત્રણ છે. ઘણી સામગ્રી એટલી ઘૃણાસ્પદ હોય છે કે તેનો ઉલ્લેખ કરવાથી જ શાલીનતાનું ઉલ્લંઘન થઈ શકે છે. આપણા ઘરો અને ખાસ કરીને બાળકો સુધી પહોંચતા વિકૃત દ્રશ્યો અને સામગ્રીને રોકવા માટે તાત્કાલિક કાયદાની જરૂર છે.”
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જયપુરમાં યોજાયેલ વિજયાદશમી ઉત્સવ પર RSS સરસંઘચાલક ભૈયાજી જોશીએ પણ દેશની સમસ્યાઓમાની એક જાતિવાદ પર મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તથા જાતિવાદના ખોટા ભ્રમ અને અહંકારમાંથી બહાર નીકળી હિંદુ સમાજને એક થવા માટે અપીલ કરી હતી.